ક્ષત્રિયોનું અલ્ટિમેટમઃ રૂપાલા 19મી સુધી ફોર્મ પાછુ ખેંચે નહીં તો પાર્ટ-2 શરૂ થશે

મંગળવાર, 16 એપ્રિલ 2024 (17:33 IST)
ક્ષત્રિય સમાજનો વિરોધ ખાળવા માટે રાજ્ય સરકારે ગઈકાલે આગેવાનો સાથે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. રાતના 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, રૂપાલા બાબતે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. આજે સવારે રૂપાલાએ રાજકોટ સીટ પરથી ઉમેદવારી નોંધાવી દીધી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે ક્ષત્રિયો પાસે સાથ અને સહકાર આપવા માગ કરી હતી.
 
19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહિ ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે
ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ગઈકાલે મોડી રાત્રે બેઠકમાં સરકારે કહ્યું કે, રૂપાલાએ બે ત્રણવાર માફી માગી છે તો તમે માફ ના કરી શકો? સમાજનું સંમેલન બોલાવો અને તેમા માફી માગી લે. પરંતુ અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ. સંકલન સમિતિએ સરકારને એક જ વાત કરી કે ઉમેદવારી રદ્દ કરો. સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના સોગંધ ખાઈને કહું છું કે હું ગદ્દારી કરીશ નહીં. 75 લાખ ક્ષત્રિયોએ અમારા પર ભરોસો મૂક્યો છે.આજે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા હતા એટલે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી. અમે કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા માગતા નથી. અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ.રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહિ ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે.
 
92 સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે
રૂપાલાએ ક્ષત્રિયો પાસે માગેલા સાથ સહકાર અંગે પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, સમાજને માફી મંજૂર નથી. હું સમાજ સાથે છું. માફી સ્વીકારવાની સમાજની ઇચ્છા નથી. તેની ટિકિટ જ રદ થવી જોઇએ.પછી તેમને રાજ્યપાલ બનાવે કે રાષ્ટ્રપતિ અમને કોઈ વાંધો નથી. તેમના દીકરી, પત્ની કે કોઈપણને ટિકિટ આપે તો પણ વાંધો નથી. કોઈપણ પાટીદાર બેન-દીકરીને ટિકિટ આપે તો પણ વાંધો નથી. તેને ચૂંટી કાઢવાની જવાબદારી અમારી છે. જો કોઈપણ પાટીદાર બેન-દીકરી ચૂંટણી લડશે તો અમારી રાજપૂતાણીઓ ખોબે ખોબે મત આપી કલ્પના ન કરી હોય એવી બહુમતીથી ચૂંટી કાઢશે. 20 એપ્રિલે અમદાવાદના ગોતાના રાજપૂત ભવન ખાતે બેઠક મળશે. સંકલન સમિતિ અને 92 સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર