જો કે, તેમ છતાં ક્યાંક રેલી કે સભામાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી.રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ જિલ્લાના જસદણના વિંછીયા વિધાનસભા વિસ્તારમાં રેલી અને સભા સંબોધન કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તે દરમિયાન આજે સવારે 10 વાગ્યે જસદણ તાલુકાની ભાડલા જિલ્લા પંચાયત બેઠકના આગેવાનો અને કાર્યકરો સાથે યોજાયેલા 'સંવાદ કાર્યક્રમ'માં હાજરી ઓછી હોવાનું ખુદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કહી રહ્યા હતા.કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, હું આપાણા રૂપાલા સાહેબની હાજરીમાં જ કહીશ કે આજ રોજ જ્યારે આપણા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમાં ઉપસ્થિત લોકોની હાજરી ખૂબ જ ઓછી છે. જે રીતે આ બેઠકમાં વિકાસના કામો થયા અને કરી રહ્યાં છીએ તેના પ્રમાણમાં અહીં વસ્તી ઓછી દેખાઈ રહી છે. જે રીતે કામ થયા તેને સમકક્ષ કીડિયારું ઉભરાવવું જોઇએ તેટલા કામો આપણે કર્યા છે. અમે રાણીપરમાં જઈએ એટલે એની કલ્પનામાં, એની જિંદગીમાં ના થઈ શકે એવો દોઢ કરોડ રૂપિયાનો બ્રિજ બનાવ્યો. જે કોઝવે બનાવી શકતા ન હતાં ત્યાં દોઢ કરોડ રૂપિયાનો બ્રિજ બનાવી દીધો. રાણીપરવાળા કહે કે અમારે અહીંથી બેડલા જવું છે તો બેડલા બાજું જવાનો રસ્તો, વેરાવળથી આંનદપરનો પાકો રસ્તો, વિરપર-ભાડલા વચ્ચે, વિરપર વેરાવળ વચ્ચેનો રસ્તો, બીજી બાજું બોઘરાવદરથી ભાડલા વચ્ચેનો દોડ કરોડ રૂપિયાનો બ્રિજ હમણાં જ આપણે મંજૂર કર્યો.કુંવરજી બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા એક બાખું પડી ગયું એમ કહે છે. નીકળી શકાતું નથી. બાખુ નહીં તમને નવો પુલ આપવો છે જે હમણા મંજૂર કર્યો. ભંડારીયાથી 66 કેવી આ સાથે આજીયા ડેમ નીચેની આખી કેનાલ રીનોવેશન કરાવી દીધી. ટેન્ડર કરાવી દીધા. હમણાં કામ થવાનું છે. આ વિસ્તારના લોકો અને ખેડૂતો માટે રાજ્ય અને કેન્દ્રની સરકારે વિકાસ કામોની ભેટ આપી છે તેમાં પણ વિશેષ કલ્પના પણ ન કરી શકાય તેવા સૌની યોજનાના પ્રોજેક્ટ મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું છે. રોડ રસ્તા બ્રિજ જેવા કામો કરી દેવામાં આવ્યા છે છતાં આટલી ઓછી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે તે ચલાવી શકાય નહીં. હજુ પણ કંઇ ખૂટતું હોય તો અમને જણાવજો, રજૂઆત કરજો આવતા દિવસોમાં તે પણ પૂર્ણ કરી દઇશું.