વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચતા શું કહ્યું?

બુધવાર, 20 માર્ચ 2024 (07:55 IST)
મંગળવારે સવારે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બપોરે પાછું ખેંચી લીધું હતું.
 
રાજીનામું આપતા કેતન ઇનામદારે આરોપ લગાવ્યો હતો કે જૂના કાર્યકર્તાઓની પક્ષમાં અવગણના થાય છે.
 
જોકે બપોરે કેતન ઇનામદારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે મીડિયા સમક્ષ વાત કરતાં કહ્યું , 'મેં મારું રાજીનામું પરત ખેંચ્યું છે. મારી વાત મારા અંતરઆત્માના અવાજની અને જૂના કાર્યકર્તાઓના માનની હતી જે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને જણાવી દીધી છે. તેઓ તેનું નિરાકરણ લાવ્યા છે.'
 
તેમણે કહ્યું કે, "જ્યારે મારા રાજીનામાની વાત પ્રદેશના મોવડીઓ, મુખ્ય મંત્રીથી લઈને પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે મને એમણે મારા અંતરઆત્માની વાત પૂછી. મેં તેમને મારી વેદના કહી."
 
તેમણે કહ્યું કે તેમને પક્ષમાંથી સકારાત્મક જવાબ મળ્યો છે અને તેમને સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
 
અગાઉ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે કરેલા ઇમેલમાં 'અંતરઆત્માના અવાજને માન' આપીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
 
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં ઇનામદારે ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થઈ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું, "મેં દરેક જગ્યાએ પક્ષમાં મારી વાત મૂકી હતી. ભાજપ પક્ષ કાર્યકર્તાઓ થકી જ મજબૂત બન્યો છે. તો આટલા જૂના કાર્યકર્તાઓની પક્ષમાં અવગણના કેમ થાય છે?"
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ અવાજ એકલો કેતન ઇનામદારનો અવાજ નથી, ભાજપના તમામ જૂના કાર્યકર્તાઓનો અવાજ છે. ભાજપનો પરિવાર મોટો થાય એ સારી વાત છે પણ પક્ષના જૂના કાર્યકર્તાઓએ જે ભોગ આપ્યો છે તેની અવગણના થાય છે એ બરાબર નથી.”
 
તેમણે કહ્યું કે ભાજપ પક્ષ પહેલેથી જ મજબૂત છે, અન્ય પક્ષના નેતાઓ આવે અને તેનાથી એ મજબૂત થાય એ સંપૂર્ણ સત્ય નથી.
 
આ પહેલાં વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબહેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હતું અને તેમણે વડોદરા લોકસભાની બેઠક પર રંજનબહેન ભટ્ટને ટિકિટ મળતાં અણગમો વ્યક્ત કર્યો હતો.
 
જોકે, કેતન ઇનામદારે એ વાતને નકારી હતી કે તેમને રંજનબહેન ભટ્ટને ટિકિટ મળી તેની સામે વાંધો છે. તેમણે રંજનબહેન ભટ્ટને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર