મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મુકાયા બાદ ચૂંટણીમાં રાજકીય પક્ષો સામે ઉભા થનારા સંકટને લઇને ભારે ચર્ચા છે. મત મેળવવા માટે પક્ષો દ્વારા રોકડનો ઉપયોગ કોઇથી છુપો નથી એવામાં નોટ પ્રતિબંધથી પક્ષો પાસે હિસાબ વગરની રકમ પર સંકટ પેદા થાય તે વ્યાજબી છે. પક્ષોની સામે મોટુ સંકટ એ છે કે તેઓ 31મી ડિસેમ્બર પહેલા આ છુપાયેલા નાણાનો યોગ્ય ઉપયોગ કઇ રીતે કરે. આ ડેડલાઇન બાદ તમામ નોટ કચરામાં તબદીલ થઇ જશે. રાજકીય વર્તુળોમાં હવે એ રીતની વાત થઇ રહી છે જે થકી આ રકમને બ્લેકમાંથી વ્હાઇટ બનાવવાનો પ્રયાસ થઇ શકે. તેમાં સહયોગી થકી નાની-નાની રકમને બેંકોમાંથી એકસચેન્જ કરાવવાની બાબત પણ છે.
ભારતમાં કોઇપણ ચૂંટણી નાણાના જોરે લડાતી હોય છે. યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં ચૂંટણી આવી રહી છે. ત્યાં રાજકીય પક્ષો અને તેના એજન્ટોએ અત્યાર સુધીમાં બે હિસાબ પૈસા છુપાવીને રાખ્યા હશે. માનવામાં આવે છે કે જો તેઓ આ પૈસાનો ઉપયોગ કરી નહી શકે તો પક્ષો પાસે આ કરન્સીને મતદારો વચ્ચે વહેચવા સિવાય કોઇ ચારો નહી રહે. આવુ એટલા માટે કે મતદાર નાની નાની રકમને નવી નોટોથી એકસચેન્જ કરાવી શકે.
રાજનીતિની દુનિયામાં એ કડવી વાસ્તવિકતા છે કે મતદાનના એક દિવસ પહેલા મોટાપાયે મતદારોને નોટોની વહેચણી કરવામાં આવતી હોય છે. રાજકીય પક્ષો પોતાના માણસો દ્વારા ગામડાઓમાં નોટો પહોંચાડતા હોય છે. તામિલનાડુ, આંધ્ર અને કર્ણાટક આ માટે બદનામ છે.
ચૂંટણીની મોસમમાં રોકડ વહેચવાનો હેતુ પોતાના માટે મત પાકુ કરવાનો હોય છે. રાજકીય બાબતો ઉપર નજર રાખતા લોકોએ આશંકા દર્શાવી છે કે, રાજનીતિક પક્ષો વોટ ખરીદવા માટે લોકોને બોલાવીને એવુ કહી શકે છે કે, આ બેહિસાબ પૈસા વર્ષ પુરૂ થાય તે પહેલા સ્થાનિક લોકોને આપી દયે. જો લોકોને કેટલાક હજારની રકમ મળતી હોય તો તેઓ સરળતાથી બેંકોમાં તે બદલાવી પણ શકે છે