કોરોના વાઇરસના પાંચ શંકાસ્પદ કેસ સિવિલ હોસ્પિટલમાં, આજે રિપોર્ટ આવે તેવી શક્યતાઓ
મંગળવાર, 17 માર્ચ 2020 (12:42 IST)
ગુજરાતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસો ઝડપથી વધી રહ્યા છે. શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ કેસો નોંધાયા છે. પાંચેય વિદેશ ગયેલા તેમજ વિદેશી વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા તેઓને હાલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. આજે તેઓનો રિપોર્ટ આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના બે, લુણાવાડાના એક, બારડોલપુરાના એક અને વલસાડની એક મહિલાને દાખલ કરવામાં આવી છે. લુણાવાડાના વૃદ્ધ થોડા સમય પહેલા મક્કા-મદીના ગયા હતા અને પરત આવ્યા બાદ તેમને વિવિધ તકલીફો થતા દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદના બે ભાઇ દિલ્હી ગયા હતા અને ત્યાં યુએસએના વ્યક્તિઓના સંપર્કમાં આવ્યાનું જાણવા મળતા તેમને પણ આઇસોલેશન વોર્ડમાં રખાયા છે. જ્યારે વલસાડની એક મહિલા થોડા સમય પહેલાં પેરીસ જઇ આવી હતી અને તે તેમના બારડોલપુરા રહેતા સગાને મળી હતી. જેથી મહિલા અને સગા બીમાર થતા તેમને સિવિલ લાવવામાં આવ્યા છે. આ પાંચેય વ્યક્તિના સેમ્પલ લઇ લેવામાં આવ્યા છે અને મંગળવારે સવારે તેમનો રિપોર્ટ આવી જશે.