વિદેશથી પરત આવેલા 800 લોકોને અમદાવાદમાં હોમ ક્વોરન્ટીન કરાયા

મંગળવાર, 17 માર્ચ 2020 (12:36 IST)
રાજ્યમાં લાગુ કરી દેવાયેલા એપિડેમિક એકટ અંતર્ગત હવે વિદેશથી અમદાવાદ પરત આવેતા 800 લોકોને ઘરમાં અલાયદા રખાયા છે. આમાંથી 500 લોકો હાલ શંકાસ્પદ છે જયારે 300 લોકોનું 14 દિવસ સુધી ફોલોઅપ થઈ રહ્યું છે. 500 લોકોને મ્યુનિ. દ્વારા માસ્ક અને સેનેટાઇઝર સહિત કોરોનાની ગાઇડ લાઇનની કિટ અપાઈ રહી છે. 14 દિવસ સુધી તેમણે ઘરની બહાર નીકળવું નહીં અને ઘરમાં પણ કોઈના સંપર્કમાં આવવા સામે રોક લગાવી છે. બીજી તરફ મંગળવારથી 29 માર્ચ સુધી કાંકરિયા ઝૂ, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, નોકટરનલ ઝૂ, કિડ્સ સિટી, અન્ય રાઈડ્સ તથા કાંકરિયા લેક ફ્રન્ટ અને મોર્નિંગ વોક બંધ કરાયા છે. સિવિલમાં વધુ પાંચ શંકાસ્પદને દાખલ કરાયા છે. જેમાં ચાર અમદાવાદના જ્યારે એક દર્દી મહીસાગરના છે. આ દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે પરંતુ અન્ય દર્દીઓ કરતાં તેની સ્થિતિ વધુ ગંભીર છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથે 31 માર્ચ સુધી હાઇકોર્ટમાં માત્ર અરજન્ટ કેસ પર જ સુનાવણી યોજવા નિર્ણય લીધો છે. અરજન્ટ સિવાયના કેસોને વકીલ કે પાર્ટી ઈન પર્સન ગેરહાજર રહેશે તો તેમની સામે કોઈપણ નકારાત્મક ઓર્ડર પસાર કરાશે નહીં. વચગાળાની જાહેરાત અંગે મુદત પૂર્ણ થતી હોય તેમાં રાહત કેટલી લંબાવવી તે જે-તે કોર્ટ નિર્ણય કરી બે સપ્તાહ પછી તે કેસ પર સુનાવણીની તારીખ નક્કી કરાશે. દરેક બાર રૂમ, કેન્ટીન, લાઈબ્રેરી બપોરે 1 પછી બંધ રહેશે.શહેરની રાજપથ, કર્ણાવતી સહિતની ક્લબોમાં સ્વિમિંગ પૂલ, જીમ, હાઉસી, હોમ થિયેટર,યોગા, એરોબીકસ, કાર્ડ રૂમ સહિત અનેક એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલે જણાવ્યું કે, ક્લબના હોલ અને લોનમાં આયોજિત ત્રણ લગ્નો રદ કરાયા. કર્ણાવતી કલબના પ્રમુખ નગીનભાઇ પટેલે જણાવ્યું કે, ક્લબમાં એન્ટ્રી ફિંગર પ્રિન્ટ મશીનની જગ્યાએ સભ્યોએ માત્ર નંબર બોલીને એન્ટ્રી કરવાની સગવડ શરૂ કરાઇ છે. વાયએમસીએ અને સ્પોટર્સ કલબે તમામ એક્ટિવિટી બંધ કરી દીધી છે. શહેરમાં 18-19 માર્ચે યોજાનારો રેડીમેડ ગારમેન્ટ એકસ્પો પણ રદ કરાયો છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર