૧૯૮૪માં સમગ્ર દેશમાંથી ભાજપને માત્ર બે બેઠક મળી હતી, તે પૈકીની એક મહેસાણા બેઠક હતી!
શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (17:39 IST)
ગુજરાત ૧૯૯૫થી શાસક પક્ષની ભૂમિકામાં રહેલા ભારતીય ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણીમાં પાછલા વીસ વર્ષોમાં એકમાંથી વીસના આંકને પહોંચવાનો ક્રમ ઊભો કરેલો છે. અલબત્ત ભાજપના મૂળપક્ષ ભારતીય જનસંઘને ૧૯૬૨થી માંડીને ૧૯૮૦ સુધી કોઇ બેઠક મેળવી નહોતી તેમ છતાંય ભારતીય જનતા પક્ષના મૂળિયાંને તો જનસંઘે જ એના નિષ્ઠાવાન કાર્યકરોએ મજબૂત બનાવ્યાં હતા. એ વાત જૂદી છે કે ભાજપની નવી પેઢીને ભૂતકાળ અને તેના પાયાના કાર્યકરો વિશે માહિતી કે લાગણી નથી.
૧૯૬૨માં જનસંઘ પાંચ બેઠક પરથી મેદાનમાં હતો પરંતુ એકેય સીટ હાંસલ કરી નહોતી. ૧૯૬૭માં જનસંઘ ચૂંટણી ચિત્રમાં નહોતો. ૧૯૭૧માં જનસંઘે પાંચ બેઠક પરથી ચૂંટણી લડી પણ એકેયમાં સફળતા મળી નહોતી.
કટોકટી પૂર્વે ગુજરાતમાં ૧૯૭૫ની વિધાનસભા ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસ, જનસંઘ અને અન્ય પક્ષોએ જનતા મોરચો બનાવ્યો હતો. અને બાબુભાઇ જ. પટેલની આગેવાની હેઠળ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર ચલાવી હતી. આવો જ પ્રયોગ સમગ્ર દેશ માટે ૧૯૭૭ની ચૂંટણીમાં થયો. જયપ્રકાશ નારાયણની ભૂમિકા પછી દેશમાં સંસ્થા કોંગ્રેસ, સ્વતંત્ર પક્ષ, જનસંઘ, ભારતીય લોકદળ (ચરણસિંહવાળો પક્ષ) અને અન્યપક્ષો એક થયા અને ભાલોદના નામે, એના પ્રતીક પર ચૂંટણી લડયા. મોરારજીભાઇ દેસાઇની સરકાર અસ્તિત્વમાં આવી.
આ જ સંદર્ભમાં ૧૯૭૭માં ગુજરાતમાં પણ ચૂંટણી લડાઇ ત્યારે મૂળ જનસંઘના કહેવાય તેવા અનંત દવે, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, વગેરે લોકસભામાં ચૂંટાઇ આવ્યા હતા. આ ગુજરાતમાંથી જનસંઘવાદીઓનો પહેલો પ્રવેશ હતો.
૧૯૮૦માં જનતા પક્ષના નેજા તળે અનંત દવે, ચીમનભાઇ શુકલ, કાસમભાઇ અછવા, શંકરસિંહ વાઘેલા, ચંદુભાઇ દેશમુખ લોકસભાની ચૂંટણી લડેલા પરંતુ કોઇ સફળ થયા નહોતા.
તે પછીના દિવસોમાં ભારતીય જનતા પક્ષનો જન્મ થયો. જનસંઘનો ઓલવાયેલો 'દીપક'ભાજપના 'કમળ' રૃપે પ્રગટયો. ત્યારબાદની ૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે ગુજરાતની ૨૬માંથી ૧૧ બેઠકો પરથી ઝૂકાવ્યું. સફળતા માત્ર એકમાં મળી. મહેસાણાની બેઠક પરથી ડૉ.એ.કે.પટેલ વિજયી બન્યા તેમણે ૫૨.૮૬ ટકા મત મેળવી કોંગ્રેસના પ્રતિસ્પર્ધી સાગર રાયકાને પરાજિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ૧૯૮૪માં ભાજપને સમગ્ર દેશમાંથી માત્ર બે બેઠક મળી હતી. તે પૈકીની એક મહેસાણા બેઠક હતી !
૧૯૮૪ની ચૂંટણી બાબુમેઘજી શાહ (કચ્ચ) ચીમનભાઇ શુકલ (રાજકોટ) આર.કે.અમીન (પોરબંદર) રતિલાલ વર્મા (ધંધુકા) અશોક ભટ્ટ (અમદાવાદ) ગાભાજી ઠાકોર (કપડવંજ) ગોપાલસિંહ સોલંકી (ગોધરા) જશપાલ સિંહ (વડોદરા) કાશીરામ રાણા (સુરત) કાનજીભાઇ પટેલ (વલસાડ) લડયા હતા પરંતુ નિષ્ફળ રહ્યા હતા. જોકે આ ચૂંટણીમાં નિષ્ફળ રહેલા કાશીરામ રાણા અને રતિલાલ વર્માને પછીને ૬ ચૂંટણીઓમાં સતત સફળતા મળી હતી !
આ ચૂંટણીમાં પણ એક ચૂંટણી જોડાણ ભાજપ, જનતા પાર્ટી અને લોકદળ વચ્ચે થયેલું અલબત્ત લોકદળને કોઇ સફળતા મળી નહોતી. જ્યારે જનતા પાર્ટીને એક બેઠક મળી હતી. સાબરકાંઠામાંથી જનતા પાર્ટીના એચ.એમ.પટેલ ચૂંટાઇ આવેલા.
૧૯૮૯થી ભારતીય જનતા પક્ષને બે ડિઝિટમાં બેઠકો મળવાની શરૃ થઇ હતી. ૧૯૮૯માં ૧૨, ૧૯૯૧માં ૨૦, ૧૯૯૬માં ૧૬, ૧૯૯૮માં ૧૯, ૧૯૯૯માં ૨૦, ૨૦૦૪માં ૧૪, ૨૦૦૯માં ૧૫, એવી સંખ્યામાં બેઠક પ્રાપ્ત થઇ. અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસ સામેનો એક માત્ર વિકલ્પ ભાજપ બની રહ્યો છે.
થોડો પૂર્વાપર સંબંધ જોઇએ તો ૧૯૮૯ની ચૂંટણીમાં જનતાદળ અને ભાજપે ગુજરાતમાં ચૂંટણી સમજૂતી કરી હતી. જનતાદળે ૧૪ અને ભાજપે ૧૨ બેઠક પરથી ચૂંટણી લડેલી. ભાજપના તમામ ૧૨ ઉમેદવાર સફળ રહ્યા હતા. જનતાદળના ૧૪માંથી ૧૧ ચૂંટાયા હતા. આ બન્નેના રાજકીય ગઠબંધને ગુજરાતમાં કોંગ્રેસને ત્રણ બેઠક સુધી સીમિત કરી દીધી હતી.
જનસંઘ-ભાજપની કેટલીક રસપ્રદ વિગતો પણ માણવા જેવી છે. ભૂતકાળમાં જનસંઘ-ભાજપમાંથી ચૂંટણી લડેલા. શંકરસિંહ વાઘેલા અત્યારે કોંગ્રેસમાં છે. ૧૯૯૫માં બળવો કરી 'રાજપા' પક્ષ રચેલો. કેશુભાઇ પટેલે પણ વચ્ચે ભાજપને રામરામ કરેલા. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડેલા કાશીરામ પટેલ કે જેઓ છ ટર્મ સુધી સાંસદ રહ્યા તેમણેય પક્ષ ત્યજ્યો હતો. આ ત્રણેય જણાએ જનસંઘમાંથી ગુજરાતમાં પાયાનું કામ કરેલું પરંતુ નમો ફેકટરે (નરેન્દ્ર મોદી) એ બધાને કિનારે ધકેલી દીધા. કાશીરામ રાણા હવે સ્વર્ગવાસી છે. . ભાજપને ૧૯૮૪માં માત્ર એક જ બેઠક મળી હતી તે ડૉ.એ.કે.પટેલની મહેસાણા બેઠક હતી. તેઓ સતત પાંચ ટર્મ ચૂંટાતા રહ્યા હતા. પરંતુ આજે તેઓ ભાજપમાંથી ધકેલાઇ ગયા છે. કારણ એક માત્ર નરેન્દ્ર મોદીની ગુડબુકમાં નથી