Loksabha ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ ખતમ થઈ ગઈ, દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા

સોમવાર, 29 જાન્યુઆરી 2024 (15:36 IST)
veteran leaders join BJP
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ સફળતા મેળવી રહ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં એક પછી એક નેતા કેસરીયો ખેસ ધારણ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડા અને વડોદરામાં વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપીને ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. હવે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી, કોંગ્રેસ પ્રવકતા રહેલા સંજય ગઢવી ભાજપમાં જોડાઈ ગયાં છે. 
 
વિપક્ષના એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. 
ભાજપમાં હાલ જબરદસ્ત ભરતી મેળો ચાલી રહ્યો છે. વિપક્ષના એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે નોકરીમાંથી VRS લઈને GST વિભાગમાં ફરજ બજાવતા રમેશ ચૌહાણ પણ કેસરીયા રંગે રંગાયા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ ગઢવી, કોંગ્રેસ પ્રવકતા રહેલા સંજય ગઢવી 200 કાર્યકરો અને ચારણ સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ ગયાં છે. તે ઉપરાંત જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા, ડભોઈના બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા છે. વડોદરાની સાવલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલ સહિત એકસાથે 100 જેટલા સરપંચ ભાજપમાં જોડાયા છે. 
 
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો
થોડા દિવસ પહેલા પણ મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર સી. આર પાટીલના હાથે ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2017માં ઇન્દ્રજીત ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા.મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધૂ રુપલ પંડ્યા પણ ભાજપમાં જોડાયા હતા. બંનેએ 500થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર આવીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. હિંમતનગર કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ પણ બીજેપીમાં જોડાયા હતા. વિપુલ પટેલ હાલ સાબર ડેરીના ડિરેક્ટર છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર