રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 16મી એપ્રિલ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધશે અને ત્યાર બાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવાના છે. રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ભારે રોષ જોવા મળ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા 18 વર્ણના લોકોનાં સંમેલનો યોજાઈ રહ્યાં છે અને રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે એવી માગ ઉગ્ર બની છે.એક તરફ રાજકોટમા ક્ષત્રિય સમાજના અને કરણીસેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા આજે સતત છઠ્ઠા દિવસે અન્ન ત્યાગ પર છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ પર રહેશે એવું જાહેર થયું છે. બીજી તરફ, લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ જતાં ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ હોય એવું લાગી રહ્યું છે.