અમદાવાદના ઉમિયા કેમ્પસમાં પાટીદાર સંમેલન મુદ્દે ચૂંટણીપંચે સ્થાનનો કબજો લેતા પ્રશ્નાર્થ

ગુરુવાર, 18 એપ્રિલ 2019 (15:05 IST)
23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે. એ પહેલા અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ઉમિયા કેમ્પસ ખાતે પાટીદારોએ વિશાળ સંમેલન બોલાવ્યું હતું. જેમાં પાટીદાર આગેવાનો અને કેટલાક વક્તાઓને પ્રવચન માટે બોલાવાયા હતા. 
આ સંમેલનનો મુખ્ય હેતુ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાનો હતો તેમજ ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણીમાં પછાડવા માટેની વ્યૂહરચના ઘડવાનો હતો. જેના માટે યુવાનો દ્વારા ઉમિયા કેમ્પસની જગ્યા બુક કરાવી હતી. તેમજ તેના માટેની ડિપોઝીટ પણ આપી દેવાઈ હતી.
આ બાબતની જાણકારી ભાજપના નેતાઓને મળી હતી. આથી તેઓએ આ સંમેલન કોઈપણ હિસાબે ના યોજાય તે માટેની કાર્યવાહી શરૂ કરી હતીય જેના ભાગરૂપે ભાજપના ટોચના નેતાઓએ અમદાવાદ અને ગુજરાતમાં જે પાટીદાર આગેવાનો છે. તેમનો સંપર્ક પણ કર્યો હતો અને સંમેલન નહીં યોજવા માટેની સમજાવટ કરી હતી. કેટલાકને ધમકી પણ આપી હતી પરંતુ પાટીદાર આગેવાનોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા અને કહ્યું હતું કે આ સંમેલન યોજવામાં અમારો કોઇ હાથ નથી.
સંમેલનના આયોજક કોણ છે તેમની અમને ખબર નથી. બીજી બાજુ ચૂંટણીપંચ દ્વારા ઉમિયા કેમ્પસના હોદ્દેદારો પાસેથી તેની જગ્યાનો કબજો માગ્યો હતો. આ અંગે ઉમિયા કેમ્પસના હોદ્દેદારો જણાવે છે કે 21મી તારીખે પાટીદાર સંમેલન જવાનું હતું જેના માટેની ડિપોઝીટ પણ અમે લીધી હતી. તેમજ અન્ય જગ્યા પર લગ્નના રિસેપ્શન પણ હતા પરંતુ ચૂંટણીપંચે અમારી જગ્યા માગતા અમે તે નહીં આપવા માટે ઘણી દલીલો કરી હતી પરંતુ ચૂંટણીપંચે તમને વિવિધ કાયદાની કલમો બતાવી અમારી પાસેથી ઉમિયા કેમ્પસ ની જગ્યા નો કબજો લીધો છે.
આથી અમારે અગાઉના તમામ બુકિંગ રદ કરવા પડ્યા છે. અમે બુકિંગ કરનારી વ્યક્તિઓને ડિપોઝીટ પરત આપી દઈશું. ઉમિયા કેમ્પસમાં ઇવીએમ મશીન સહિતની સામગ્રી રાખવામાં આવશે અને આ સ્થળ પરથી જ જુદા-જુદા વિસ્તારોમાં તેની ડિલિવરી ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે. હાલમાં પણ પોલીસનો કાફલો અહીં રખાયો છે. દરમિયાનમાં ભાજપના નેતાઓ માટે તો ટાઢે પાણીએ ખસ ગઈ એવું ચિત્ર ઉપસ્થિત થયું છે. 
જોકે પાટીદારોનો આક્ષેપ છે કે ભાજપના ઇશારે ચૂંટણીપંચે પાટીદારોનું સંમેલન ના યોજાય તે માટે તેનો કબજો લઇ લીધો, પરંતુ સંમેલન યોજવા માટે થનગની રહેલા પાટીદાર યુવાનો જણાવે છે કે ભલે અમને ઉમિયા કેમ્પસની જગ્યા ન મળે પરંતુ 21મીનું સંમેલન યથાવત્ જ રહેશે. ગુજરાતના કોઇપણ સ્થળે અમે આ સંમેલન યોજીને જ જંપીશું તેમજ ભાજપ અને અમિત શાહને હરાવવા માટેની વ્યૂહરચના ઘડાશે. જ્યારે સૂત્રો જણાવે છે કે ઉત્તર ગુજરાત પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. આથી ઉત્તર ગુજરાતની જ કોઈ જગ્યાએ પાટીદારોનું સંમેલન યોજાશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર