આજે ભાજપના સ્થાપના દિને અમિત શાહનો પોતાના સંસદિય વિસ્તારમાં રોડ શો

શનિવાર, 6 એપ્રિલ 2019 (12:13 IST)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યા બાદ આજે પ્રથમ વખત અમદાવાદમાં તેઓ રોડ શો કરી રહ્યા છે. આજે સવારે વેજલપુરના વણઝારથી તેઓએ રોડ શોની શરૂઆત કરી હતી, આ તબક્કે ભાજપના સેંકડો કાર્યકરો હાજર રહ્યા હતા વંદેમાતરમ અને ભારત માતાકી જય ના નારા સાથે સમર્થકોએ અમિત શાહનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

ખુલ્લી જીપમાં આવેલા અમિત શાહે કાશ્મીરના મુદ્દાને લઇને તેમજ તે સંદર્ભમાં કોંગ્રેસની નીતિની ટીકા કરી લોકસંપર્ક રાઉન્ડ અને રોડ શોની શરૂઆત કરી હતી. જોકે સમય કરતાં તેઓ પોણો કલાક મોડા આવતા રોડ શો પણ મોડો શરૂ થયો હતો. આ રોડ- શોની અંદર ભાજપના કાર્યકરો બાઈક સાથે સામેલ થયા છે. માથા પર કેસરી સાફા પહેરીને તેમજ હાથમાં ભાજપના ઝંડા રાખીને તેઓ ખૂબ જ ઉત્સાહથી આગળ વધી રહ્યા છે.
અમિત શાહ ખુલી જીપમાં ઉભા રહીને રોડ શો કરી રહ્યા છે. રોડની બંને બાજુ લોકો રોડ શોને જોવા માટે ઉભા રહી ગયા છે. અમિત શાહ જ્યાંથી નીકળે છે તેવા વિસ્તારોમાં તેમનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે. અમિત શાહ પણ એટલા જ ઉત્સાહથી ખુલ્લી જીપમાંથી ફૂલો ઉછાળી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે તેઓ હસતા હસતા હાથની મુદ્રાથી લોકો સાથે સંપર્ક જાળવી રહ્યા છે.

૩૦મી માર્ચે ફોર્મ ભર્યા બાદ અમિત શાહના આ અમદાવાદમાં બીજી વખતનું શક્તિ પ્રદર્શન છે. જેને લોકોમાંથી પ્રચંડ આવકાર મળી રહ્યો છે. આ રોડ શો 11 વાગે સરખેજ પહોંચ્યો હતો ત્યાંથી અમિત શાહનો કાફલો મકરબા તરફ આગળ વધ્યો હતો. આ રોડ શો ત્યાંથી શ્રીનંદ નગર થઈ વેજલપુર અને જીવરાજપાર્ક પહોંચશે ત્યાંથી આગળ વધી પ્રહલાદ નગર રોડ થઈ લોટસ સ્કૂલ ચાર રસ્તા અને માનસી સર્કલથી આગળ વધી અંતે વસ્ત્રાપુર હવેલી ખાતે રોડ શો પહોંચે જ્યાં તેનું સમાપન થશે. 
અગાઉના આયોજન મુજબ બપોરે એક વાગ્યે અમિત શાહનો રોડ શો વસ્ત્રાપુરમાં આવેલી હવેલી ખાતે પહોંચવાનો હતો પરંતુ હવે એવું લાગે છે કે તેમાં થોડું મોડું થશે. અત્રે નોંધનીય છે કે અમિત શાહ અગાઉ સરખેજ તથા નારણપુરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા તેમજ મોદી સરકાર વખતે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી. હાલમાં તેઓ મોદીના સૌથી વધુ વિશ્વાસુ અને નજીક માનવામાં આવે છે.
ફિર એક બાર મોદી સરકારની થીમ સાથે તેનો રથ તૈયાર કરાયો છે. જેમાં ડીજે સિસ્ટમની પણ વ્યવસ્થા છે. અમિત શાહના રોડ શો દરમિયાન ઠેરઠેર ઢોલ-નગારા અને શરણાઈ વાગી રહી છે. કેસરી સાફામાં સમર્થકો ઉપરાંત કમળની સાડીઓ પહેરીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી ગઈ છે. પોલીસનો પણ ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત છે. અમિત શાહે ગુજરાતની તમામ 26 બેઠકો પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર