ઇન્ટેલિજન્સ બ્યુરોએ મુંબઇના આઝાદ મેદાનમાં થયેલી હિંસા પાછળ દાઉદનો હાથ હોવાનું મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે. ગત મહિને આઝાદ મેદાનમાં થયેલી હિંસાની ઘટનામાં દાઉદની ગેંગનો દોરીસંચાર હોવાનો આ અહેવાલ આઇબીએ કેટલાક આંતરરાષ્ટ્રીય ટેલિફોન પર થયેલી વાતચીતને ઇન્ટરસેપ્ટ કર્યા બાદ આપ્યો છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર.પાટિલને આ અંગેની જાણકારી આપવામાં આવી છે કે કેવી રીતે આ હિંસાનું પ્લાનિંગ કરાયું અને કેવી રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો. આઇબીના અહેવાલ મુજબ પાકિસ્તાનનાં બે શહેરમાંથી મુંબઇ ફોન કરાયા હતા. કેટલાક કોલ ૧૦ ઓગસ્ટે કરાયા અને કેટલાક ૧૧ ઓગસ્ટે. નોંધનીય છે કે, ૧૧ ઓગસ્ટે જ આઝાદ મેદાનમાં હિંસા ભડકી હતી.
આઇબીના અધિકારીઓનું માનવું છે કે અંડરવર્લ્ડ ગેંગના સભ્યોને નિર્દેશ મળ્યા હતા કે તેમણે કેવી રીતે પ્રદર્શકારીઓના ટોળામાં સામેલ થવાનું છે, કેવી રીતે હિંસાની શરૂઆત કરવાની અને કોને નિશાન બનાવવાના છે. આ ઘટનાનો હેતુ અવ્યવસ્થા ફેલાવવાનો અને કોમી રમખાણ ફેલાવવાનો હતો.
મુંબઇ પોલીસને આ ફોન કોલ્સના રેકોર્ડથી એ લોકો સુધી પહોંચવામાં મદદ મળશે કે જેમની પાસે પાકિસ્તાનથી નિર્દેશ આવી રહ્યા હતા.