અમેરિકામાં પહોંચવાની લ્હાયમાં કેટલાય પરિવારો વિખેરાયા છે. આ ડીંગુચા ગામની ઘટનાને હજુ તો વર્ષ પણ પુરૂ થયુ નથી. તેવામાં ફરી ગેરકાયદેસરરીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા વધુ એક ગુજરાતી પરિવાર વિખેરાયો છે. ગાંધીનગર જીલ્લાના કલોલનો પરિવાર તેના ત્રણ વર્ષના પુત્ર સાથે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ પરથી આ પરિવાર પટકાતાં બ્રિજકુમારનું ઘટના સ્થળ પર મોત થયું છે. તેમજ તેની પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ થવા પામી છે.આ પરિવાર મુળ ગાંધીનગર જીલ્લાના કલોલનો રહેવાસી છે. અને યુવક કલોલ જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. કલોલના બ્રિજકુમારને અમેરિકા જવું હતું. તેથી બ્રિજકુમારે એજન્ટ થકી થોડા દિવસ પહેલા તેની પત્ની અને માસૂમ બાળક સાથે અમેરિકા જવા રવાના થયો હતો.
કેનેડામાં અત્યારે ભારે હિમવર્ષા થતી હોવાથી એજન્ટો મેક્સિકોથી ઘૂસણખોરી કરાવતાં હોય છે. એજન્ટોએ લોકોને મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી અમેરિકામાં ઘૂસાડવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેમા બ્રિજકુમાર અને તેનો પરિવાર પણ ટ્રમ્પ વોલ પસાર થતાં આ ઘટના બની હતી. મેક્સિકો અને અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી અમેરિકામાં ઘૂસવા માટે આશરે 30 ફૂટ ઊંચી દિવાલને કૂદતા જ અમેરિકામાં પ્રવેશી શકાય છે. ત્યારે કલોલનો આ પરિવાર 30 ફૂટ ઊંચી દિવાલને કૂદવા જતાં આ ત્રણેય જણ નીચે પટકાયા હતા. આ ઉંચી દિવાલ પરથી અચાનક બ્રિજકુમાર તેની પત્ની અને માસૂમ પુત્ર નીચે પટકાયા હતા. જેમાં બ્રિજકુમારને માથામાં ગંભીરઈજા પહોંચતા બ્રિજકુમારનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની અને ત્રણ વર્ષના પુત્રને તાત્કાલિક સારવાર માટે મેક્સિકોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક એવી પણ માહિતી છે કે, એજન્ટે 40 લોકોના ગ્રુપને મેક્સિકોના રસ્તેથી અમેરિકા પહોંચાડવા માટે મોકલ્યા હતા પરંતુ આ પરિવાર ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી દિવાલ પરથી પટકાયો અને અકસ્માતનો ભોગ બની મોતને ભેટ્યો હતો. અમેરિકા જવા માટે એજન્ટોએ મેક્સિકો -અમેરિકા વચ્ચે બનાવવામાં આવેલી ટ્રમ્પ વોલથી અમેરિકામાં ઘૂસાડવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો છે. આ બોર્ડર અમેરિકાથી બિલકુલ નજીક હોવાથી મેક્સિકો દેશમાંથી ઘૂસણખોરી અને શરણાર્થીઓના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સરહદ ઉપર તાત્કાલિક 30 ફૂટ ઊંચી દિવાલ અને લોખંડની ફેન્સિંગ કરાવી છે. ટ્રેમ્પ વોલ તરીકે ઓળખાતી આ ફેન્સિંગ અમુક સ્થળેથી કૂદીને કે પછી ફેન્સિંગ દિવાલમાં રહેલા છીંડામાથી અમેરિકામાં ઘૂસાડવા માટે એજન્ટો પરિવાર દીઠ 60થી 80 લાખ રૂપિયા પડાવે છે. થોડા સમય પહેલા જ ડીંગુચાના એક પરિવારના ચાર સભ્યો પણ ગ્રુપથી છૂટા પડીને બરફવર્ષામાં ફસાતાં મૃત્યુ પામ્યા હતા. તે કેસમાં તાજેતરમાં જ એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.