આધુનિકતાની સાથે પ્રાચિન ગરબાઓમાં ગુજરાત રીચેસ્ટ છે, જુઓ પોરબંદરના ગરબા
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:57 IST)
નવરાત્રીના તહેવારમાં પણ આજે આધુનિકતા ભળી છે અને જુના પ્રાચીન ગરબાઓને બદલે હિન્દી ગીતોનુ ચલણ જોવા મળી રહ્યુ છે, ત્યારે પોરબંદરમાં વર્ષોથી મહેર સમાજે પોતાની પરંપરાને જાળવી રાખી છે. અહી મહિલાઓ પારંપરીક વસ્ત્રોની સાથે લાખો રુપિયાના સોનાના દાગીનાથી સજ્જ થઈને મહેરના રાસડા રમે છે તો પુરુષો મેહરના પારંપારિક પોશાક પહેરીને જ્યારે મણીયારો રાસ લે છે અન્ય ગરબીઓથી આ ગરબી અલગ તરી આવે છે. પોરબંદર મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 20 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાન પર ફક્ત મેર સમાજના લોકો માટે નવરાત્રીનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી,આંગણી અને પાઘડી પહેરે છે, તો મહિલાઓ પારંપરીક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડાં સાથે દરેક મહિલા લાખો રૂપિયાના પૌરાણીક સોનાના દાગીના પહેરીને રમતી જોવા મળે છે. આ ગરબામાં મહિલાઓ અંદાજે 425 કરોડ રૂપિયાનું સોનું પહેરીને ગરબે રમતી જોવા મળે છે. ત્યારે આ ગરબીમાં કોઈ પણ પ્રકારના ડર વગર મહિલાઓ કરોડો રુપિયાના ઘરેણા પહેરીને જ્યારે રાસ લે છે ત્યારે લોકો જોતા રહી જાય છે અને આખુ મેદાન જાણે કે સોનાના પ્રકાશથી જળહળતુ હોય તેવો આભાસ થાય છે. પોરબંદર મેર સમાજ દ્વારા યોજાતી આ ગરબી અને તેમાં પણ જે એક દિવસ માટે યોજાતા પરંપરાગત રાસ લેવામાં આવે છે તે જોઈને એવુ અવશ્ય કહી શકાઈ કે,મેર સમાજે આજે પણ પોતાનો વારસો સાચવી રાખ્યો છે. આ ગરબીને નિહાળીને આપણે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની ભાતીગળ અને ખમીરવંતી સંસ્કૃતિ કેટલી મહાન છે તેની ઝાંખી આ રાસને જોતા અચુક થાય છે.