આઈપીએલ શરૂ થઈ રહી છે અને ક્રિકેટનું આ સૌથી નાનું સ્વરૂપ બોલર્સ માટે સ્વર્ગ માનવામાં આવે છે. એમાંય વળી બોલર કોઈપણ રીતે પોતાના ચાર ઓવર યોગ્ય રીતે નાખવામાં સફળ થઈ જાય તો કેપ્ટન માટે એ બોલર કોઈ બ્રહ્માસ્ત્રથી ઓછો નથી ગણાતો.આઈપીએલના આ ફોર્મેટમાં ડોટ બોલ્સની કિંમત એક બોલરથી વધુ કોઈ ના સમજી શકે, કેમ કે આ સ્વરૂપમાં એક-એક ખાલી બોલ મેચની દિશા બદલવાની ક્ષમતા ધરાવે છે. અલબત્ત, તમે જો કોઈ ક્રિકેટ નિષ્ણાતને એમ કહો કે આ ફોર્મેટમાં સૌથી વધુ ડોટ બોલ નાખવાનો રેકોર્ડ એક સ્પિનરના નામે નોંધાયેલો છે તો આ વાત માનવી એમના માટે થોડી અઘરી થઈ પડશે, પરંતુ વાત છે સાચી.
આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ડોટ બોલ નાખવાનો રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સના ટર્મિનેટર હરભજન સિંહના નામે નોંધાયેલો છે. ભજ્જીએ અત્યાર સુધી પોતાની આઈપીએલ કેરિયરની 149 મેચોમાં 516.2 ઓવર નોંધાવી છે, જેમાં 1128 ડોટ બોલ સામેલ છે. ભજ્જી એકમાત્ર એવા બોલર છે જે આ સ્વરૂપમાં 1100 ડોટ બોલ નાખી ચૂક્યા છે. ભજ્જી પછી બીજા ક્રમે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર પ્રવીણકુમાર છે, જેમણે 119 મેચોમાં 1075 ડોટ બોલ નાખ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમની બહાર રહેલા ઓફ સ્પિનર હરભજન સિંહ આ વર્ષે આઈપીએલમાં ગત વર્ષની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે. વિશ્વ ચેમ્પિયન ટીમનો હિસ્સો રહી ચૂકેલા ભજ્જી હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. ગત વર્ષે ચેન્નઈ માટે રમતાં ભજ્જીએ મિડલ ઓવર્સમાં પોતાની ભૂમિકા બખૂબી નિભાવી હતી અને ચેન્નઈની જીતમાં પોતાનું યોગદાન આપ્યું હતું.