ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.
ઘટના શું હતી?
12 ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લામાં કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી નામક યુવકે ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જોકે તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.