દૂધનું દૂધ અને તેલનું તેલ: એએસસીઆઈએ માન્યું કે પ્લાન્ટ આધારિત બેવરેજિસ દૂધ નથી
રવિવાર, 30 મે 2021 (11:35 IST)
ભારતની સૌથી મોટી ડેરી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જે અમૂલના નામે જાણીતી છે.) સામે બ્યુટી વિધાઉટ ક્રૂઅલ્ટી (BWC), પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ફોર એનિમલ્સ (PETA) અને શરન ઈન્ડીયાએ એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડઝ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા (ASCI) સમક્ષ ફરિયાદો કરેલ હતી. આ ફરિયાદ અમૂલે તા. ૨૪ માર્ચ, ૨૦૨૧ના રોજ જાહેર હિતમાં જારી કરેલા વિજ્ઞાપનમાં “દૂધ” બાબતે ઉભી કરવામાં આવી રહેલી ખોટી માન્યતાઓને ખુલ્લી પાડી તે સંદર્ભમાં હતી. એએસસીઆઈ (ASCI) એ આ વિજ્ઞાપન સામેની ફરિયાદોને અર્થહીન ગણાવી છે.
એએસસીઆઈ સમક્ષ ફાઈલ કરવામાં આવેલી ત્રણ ફરિયાદોમાં ઉપરોક્ત સંસ્થાઓએ એવો આક્ષેપ કર્યો હતો કે વિજ્ઞાપનમાં અમૂલે જે દાવા કર્યા છે તે ખોટા છે. ફરિયાદોમાં એવો દાવો કર્યો હતો કે (1) દૂધ એ સંપૂર્ણ આહાર નથી અને તે આરોગ્ય માટે હાનિકારક છે તથા પ્લાન્ટ આધારિત આહારની તુલનામાં ઓછુ પોષક છે. (2) ડેરી ફાર્મીગ પશુઓ માટે સારૂ નથી. અને પશુઓ ક્રૂરતાનો ભોગ બને છે (3) પ્લાન્ટ આધારિત પીણાએ ડેરીના દૂધની તુલનામાં વધુ પર્યાવરણલક્ષી આહાર વ્યવસ્થા છે.
આ ફરિયાદોના પ્રતિભાવ તરીકે અમૂલે એએસસીઆઈ સમક્ષ જવાબ ફાઈલ કર્યો હતો અને તેમાં અમૂલે વિજ્ઞાપનમાં જણાવાયેલી હકિકતોના વૈજ્ઞાનિક તારણો, પ્રસિધ્ધ થયેલા અહેવાલો અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ એકટ 2006 અને સંબંધિત નિયમોમાં સમાવેશ કરાયેલી અસંદિગ્ધ વૈધાનિક જોગવાઈઓ ટાંકીને જણાવ્યું હતું કે ફરિયાદીઓએ કરેલા દાવા કેટલા ખોટા, આધારવિહીન અને પાયા વિહોણા છે.
એએસસીઆઈ આ ફરિયાદોના સંદર્ભમાં અમૂલે આપેલા જવાબોને ધ્યાનમાં લઈને ચૂકાદો આપે અમૂલ દ્વારા જણાવેલા તમામ મુદ્દા માન્ય રાખ્યા હતા અને એવુ અવલોકન કર્યુ હતું કે દૂધ એ પોષક આહાર છે અને તે કેલ્શિયમ, વિટામીનો, કાર્બોહાઈડ્રેટસ, ફેટ, મિનરલ્સ અને પ્રોટીનથી સમૃધ્ધ છે.
આ રીતે દૂધને સંપૂર્ણ આહાર કહી શકાય કારણ કે તે જીવનને ટકાવી રાખવા માટે જરૂરી તમામ ઘટકો ધરાવે છે. આ ઉપરાંત ASCI ની માર્ગરેખાઓ મુજબ દૂધને શાકાહારી પ્રોડકટ ગણવામાં આવે છે. પ્લાન્ટ આધારિત પીણાંમાં પણ પ્રોટીન્સ અને લાભદાયી ખનીજો છે, આમ છતાં મોટાભાગનાં પ્લાન્ટ આધારિત પીણાં, દૂધની તુલનામાં પ્રોટીનનુ ઓછુ પ્રમાણ ધરાવે છે. બ્યુટી વિધાઉટ ક્રૂઅલ્ટી, પીપલ ફોર એથીકલ ટ્રીટમેન્ટ ફોર એનિમલ્સ અને શરન ઈન્ડીયાએ કરેલી ત્રણે ફરિયાદોને એએસસીઆઈએ ફગાવી દીધી છે અને એ દ્વારા વિજ્ઞાપનમાં અમૂલે જણાવેલા મુદ્દાને માન્ય રાખ્યા છે.
એએસસીઆઈએ એવુ પણ અવલોકન કર્યુ છે કે પ્લાન્ટ આધારિત દૂધને ભારતના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ એકટમાં “દૂધ”ની વ્યાખ્યામાં આવરી લેવામાં આવ્યુ નથી અને પ્લાન્ટ આધારિત પીણાંનો દૂધનાં સ્વાંગમાં રજૂ કરવામાં આવે છે. અને તે ડેરી પ્રોડકટ હોય તેવો ખોટો દેખાવ ઉભો કરવામાં આવે છે.
ઉપર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિજ્ઞાપન અમૂલ તરફથી જાહેર હિતમાં તથા દૂધ અને દૂધની બનાવટો અંગે ગેરમાર્ગે દોરતાં લેખોમાં દેખાયેલા ઓચિંતા ઉછાળાને તેમજ વિવિધ વ્યક્તિઓ/ સંસ્થાઓ તરફથી ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મિડીયામાં પ્રસિધ્ધ કરવામાં આવેલા અહેવાલોને ચિંતાજનક ગણીને રજૂ કરવામાં આવ્યું હતું. આ અહેવાલોમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ડેરી ઉદ્યોગ પ્રાણીઓ સાથેની ક્રૂરતામાં સામેલ છે અને સમાંતરપણે અમૂલ અને તેનાં ઉત્પાદનોની નિંદા કરવામાં આવી હતી અને તેની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવામાં આવી હતી.
આ પ્રકારના લેખ અને વિડીયોઝ સતત એવી ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવી રહયા હતા કે “ડેરી ઉદ્યોગ પશુઓ ઉપર ક્રૂરતા આચરી રહ્યો છે.” “દૂધને કારણે કેન્સર અને વિવિધ પ્રકારની અન્ય બીમારીઓ થાય છે”, “પ્લાન્ટ આધારિત પીણાં દૂધ કરતાં વધુ તંદુરસ્તી પ્રદાન કરે છે” અને “પ્લાન્ટ આધારિત પીણાંને કાનૂની રીતે દૂધની પરિભાષામાં મુકી શકાય.”
અમૂલને એવુ માનવા માટે કારણો છે કે આ પ્રકારના લેખો અને વિડીયોઝ લેબોરેટરીમાં આહાર તૈયાર કરતી અને વેચતી કંપનીઓ મારફતે સ્પોન્સર કરવામાં આવ્યા છે અને તે ખોટી રીતે તેમની પ્રોડકટસને દૂધનુ લેબલ આપવા માગે છે. દૂધ અંગે જે ખોટી માન્યતાઓ ઉભી કરવામાં આવી રહી છે તે પ્રજાના માનસમાં અપરાધભાવ અને ભય પેદા કરવા માટેનો સુઆયોજીત દુષ્પ્રચાર તેમજ બજાર વ્યુહરચનાનો એક હિસ્સો અને માત્ર “દૂધ”ને જ નહી પણ અમૂલ જેવી સંસ્થાઓને બદનામ કરવાનો એક પ્રયાસ છે.
અમૂલે દિલ્હી હાઈકોર્ટમાં આ પ્રકારના લેખ અને વિડીયોઝ સામે તેમના કાઉન્સેલ એડવોકેટ અભિષેક સિંઘ મારફતે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હી હાઈકોર્ટે આવા કિસ્સાઓમાં જે તે વ્યક્તિઓ સામે મનાઈહુકમ આપીને તેમને અમૂલ અંગેના તમામ સંદર્ભો દૂર કરવાનો આદેશ આપ્યો છે. કેટલાક કિસ્સાઓમાં તો હાઈકોર્ટે આવી વ્યક્તિઓને તેમનાં બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા જણાવ્યું છે કે જેથી એવી ખાત્રી કરી શકાય કે આ પ્રકારના નિંદા કરતા લેખ/ વિડીયોને પ્લાન્ટ આધારિત આહાર અને પીણાંનુ કામકાજ કરતી સંસ્થાઓ તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા છે કે નહી તેનો ખ્યાલ આવે.
ભારતમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. ઘણી વાર અને ખાસ કરીને ગ્રામ્ય ભારતમાં પશુ એ સંપત્તિનો એક માત્ર સ્ત્રોત છે. ગાયોને તેમના દૂધ માટે ઉછેરવામાં આવે છે. ખેતર ખેડવા માટે, પરિવહન માટે તથા છાણ માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત જેવા ખેતીલક્ષી અર્થતંત્રમાં દૂધ 10 કરોડ જમીનવિહોણા અને સિમાંત ખેડૂતોનુ જીવન ટકાવી રાખવામાં સહાયક બને છે અને જીડીપીમાં રૂપિયા ૮ લાખ કરોડનું યોગદાન આપે છે.
તો બીજી તરફ પ્લાન્ટ આધારિત પીણાં તૈયાર કરવામાં વપરાતી સોયાબીન, બદામ જેવી સામગ્રી અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે અને તેના મારફતે થતો નફો મોટા ભાગે વિદેશ સ્થિત કંપનીઓને પરત મોકલવામાં આવે છે. તેથી પ્લાન્ટ આધારિત આહાર ભારત દેશની જીડીપીમાં અથવા ખેડૂતોની આજીવિકા કે કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટે કોઈ યોગદાન આપતો નથી.
ડેરી ક્ષેત્રના ગઢને જાળવવા, અમૂલ સહિતનાં મોટા ભાગનાં ડેરી સંગઠનો જેનાં સભ્ય છે તે સહકારી ડેરી ક્ષેત્રની મધ્યસ્થ સંસ્થા, નેશનલ કો-ઓપરેટીવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડીયા પણ મેદાનમાં આવ્યુ છે કારણ કે અંદાજે 172 લાખ ડેરી ક્ષેત્રના ખેડૂતો તેમના સહયોગી છે. આ સંસ્થાએ તેમના એડવોકેટ અભિષેક સિંઘ મારફતે ફૂડ સેફટી નિયમનકાર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા (FSSAI) અને હર્ષીઝ, રેકેન બેવરેજીસ પ્રા.લિમિટેડ, આઈસ્ટોર ડાયરેકટ ટ્રેડીંગ પ્રા.લિમિટેડ (અર્બન પ્લેટર) અને ડ્રમ્સ ફૂડઝ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ (એપીજેમીયા) જેવી કંપનીઓ કે જે સોય ડ્રીંક અને આલમંડ ડ્રીંક જેવાં પ્લાન્ટ આધારિત પીણાંના વેચાણના બિઝનેસમાં છે અને ગેરકાયદે તેમનાં પીણાંનુ “દૂધ” તરીકે ગેરકાયદે લેબલીંગ કરે છે તેમની સામે પિટીશન ફાઈલ કરેલ.
આ પિટીશનમાં પ્લાન્ટ આધારિત આહાર / પીણાં માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા અને સંબંધિત નિયંત્રણો મુજબ ડેરી અને “દૂધ” ની પરિભાષાનો ઉપયોગ કરવા વિરૂધ્ધ આદેશની માગણી કરવામાં આવી છે. આ અરજી તા. 24 મે 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ આવી હતી, જેમાં દિલ્હી હાઈકોર્ટે આ મુદ્દો રસપ્રદ હોવાની નોંધ લઈને કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડીયા તથા પ્લાન્ટ આધારિત ફૂડ કંપનીઓનો આ મુદ્દે પ્રતિભાવ જાણવા માટે નોટિસો જારી કરી છે.
ઉપર દર્શાવેલા નિર્ણયોથી 10 કરોડ ખેડૂત પરિવારો અને ખાસ કરીને કપરી હાલતમાં બેથી ત્રણ પશુ રાખીને પશુઓ તથા પશુપાલન ઉપર નભતા જમીન વિહોણા ખેડૂતો અને બહૂરાષ્ટ્રીય કંપનીઓના ખોટા દુષ્પ્રચારથી છેતરાતા ગ્રાહકોને આ અંગે જાણકારી પ્રાપ્ત થઈ છે.