અમદાવાદની સદુમાની પોળમાં પુરુષો બંગડી અને સાડી પહેરીને ગરબો રમે છે

સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:11 IST)
નવરાત્રી આસ્થા અને શ્રદ્ધાનું પર્વ છે. આ પર્વ સાથે અનેક પરંપરાઓ પણ જોડાયેલી છે. અમદાવાદના શાહપુરમાં આવેલી સદુમાની પોળમાં એક અનેરી પરંપરા છે. અહીં નવરાત્રીના આઠમના દિવસે પુરુષો સ્ત્રીનો પોશાક પેહરીને ગરબે ઘૂમે છે. છેલ્લા 203 વર્ષથી અહીં બારોટ સમાજના લોકો માતાજીની ભવાઈ તેમજ સ્ત્રીઓનો વેશ ધારણ કરીને માતાજીની આરાધના કરે છે. હલીમની ખડકીમાં આવેલી સદૂમાની પોળમાં આઠમાના દિવસે બારોટ સમાજના લોકો સ્ત્રીઓનો વેશ ધારણ કરે છે. સાળી પહેરે છે, હાથમાં બંગડીઓ પહેરે છે અને માથે ચાલ્લો પણ કરે છે.આઠમના દિવસે પુરુષો સ્ત્રી જેવો શણગાર કરે છે તેના પાછળ એક અનોખી પરંપરા છે.

શાહપુરમાં આવેલી સદુમાની પોળનું નામ 203 વર્ષ પહેલા ભાટવાળો હતું. એવી માન્યતા છે કે ભાટવાળા તે સમયે કલણાં ગામના સ્વરૂપવાન સદુબા બારોટ હરીસિંહ બારોટ સાથે લગ્ન કરીને ભાટવાળામાં આવ્યા હતા.ભાટવાળાની બાજુમાં રહેલી ઓતમ પોળના એક ઓતમે તે વખતના બાદશાહને સદુબાનું સ્વરૂપનું વર્ણન કર્યું હતું. સદુબાના સ્વરૂપના વર્ણનથી જ બાદશાહ મોહી ગયા અને સદુબાને લેવા સિપાહી મોકલ્યા હતાં.આ સમયે સદુબાએ પતિ હરીસિંહને કહ્યું હતું કે, આપ મારું માથું ધડથી અલગ કરી નાખો નહીંતર આ સિપાહીઓ મને લઇ જશે. આથી હરિસિંહે સદુબાનું માથું ધડથી અલગ કરવા ઘા કર્યો હતો. જોકે, એક ઘાએ તેઓ માથું ધડથી અલગ ન કરી શકતા સદુબાએ શ્રાપ આપ્યો હતો કે અમદાવાદના બારોટનું નખોદ જાજો.બીજી બાજુ તેમના ભાણેજે એક ઘા મારીને સદુબાનું માથું ધડથી અલગ કરતા આકાશવાણી કરીને ભાનોજોને સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. આ શ્રાપથી રાહત મેળવવા માટે અમદાવાદના બારોટોએ સતી સદુમાની માફી માંગી અરજી કરતા કહ્યું કે બારોટના પુરુષો ઘાઘરા પહેરીશું.કહેવાય છે માતાએ તેની પરવાનગી આપી હતી. તેના બીજા વર્ષથી અહી સાતમા, આઠમા અને નવમાં નોરતાએ પુરુષો ભવાઈ કરતા હતા. એ બાદ દર આઠમના દિવસે ઘાઘરા પહેરવાની પ્રથા આગળ વધી હતી. આ પરંપરા આજે પણ કાયમ રહી છે. નવરાત્રીમાં અહીં પુરુષોને તેમની પત્નીઓ જ મહિલાઓનો પોશાક પહેરાવે છે. જ્યારે કોઈએ સંતાન માટે બાધા રાખી હોય અને તેના ઘરે દીકરાનો જન્મ થયા છે ત્યારે પણ ચણીયો પહેરીને માતાજીને દર્શન કરવામાં આવે છે. નવરાત્રીમાં સદુમાની પોળમાં આઠમના દિવસે પહેલા મહકાળી માતાનો ગરબો ગવાય છે. કહેવાય છે કે સદુમા મહાકાળી ભક્ત હતા. આ વર્ષે સુપ્રસિધ્ધ ગાયક જીગ્નેશ કવિરાજના પિતા હસમુખ બારોટે પણ સાડી પહેરીને ગરબા ગાયા હતા.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર