સોશીયલ મીડિયા પર ‘મોદીજી કી બેટી’ ફિલ્મની ખુબ થઇ રહી છે ચર્ચાઓ, ૧૪ ઓક્ટોબरे થશે રિલીઝ

સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (10:17 IST)
આજકાલ એક નવી ફિલ્મની સોશીયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જેનું નામ ‘મોદીજી કી બેટી’ છે. આ ફિલ્મ લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહી હતી. મંગળવારે ફિલ્મ ‘મોદી જી કી બેટી’નું ટ્રેલર રિલીઝ થયું હતું. જે બાદ તે સતત વાયરલ થઇ રહ્યું છે. ‘મોદી જી કી બેટી’ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે, જેમાં વિક્રમ કોચર, તરુણ ખન્ના, પિતોબાશ ત્રિપાઠી અને અવની મોદી જેવા કલાકારો છે.
 
ફિલ્મ ‘મોદી જી કી બેટી’નું ટ્રેલર જોઈને કહી શકાય કે આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે. ફિલ્મની કહાની એક એવી છોકરીની છે જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પુત્રી હોવાનો દાવો કરે છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ટ્રેનિંગ લઈ રહેલા બે આતંકીઓને આ વાતની જાણ થાય છે, બંને મૂર્ખ આતંકીઓ પીએમ મોદીની દીકરી સમજીને તે છોકરીનું અપહરણ કરીને પાકિસ્તાન લઈ આવે છે.
 
જે બાદ મોદીજીની પુત્રી તેની હાલત ખરાબ કરી દે છે. ટ્રેલર જોઈને કહી શકાય કે ફિલ્મના ડાયલોગ્સ પણ દર્શકોને ખૂબ હસાવવાના છે. તમને જણાવી દઈએ કે, અવનિ મોદી ફિલ્મ ‘મોદી જી કી બેટી’માં પીએમ મોદીની દીકરીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ આવતા મહિને એટલે કે 14 ઓક્ટોબરે થિયેટરોમાં આવશે. સાથે જ ફિલ્મ ‘મોદી જી કી બેટી’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યું છે.
 
આ ફિલ્મની રાહ જોઈ રહેલા તમામ સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સ ટ્રેલરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું છે. ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર ૪૬ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ટ્રેલર રિલીઝ થતાં જ #ModiJiKiBetiTrailer ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. તે લાંબા સમય સુધી ટોચનો ટ્રેન્ડિંગ વિષય રહ્યો. યુઝર્સે ઘણા મીમ્સ બનાવ્યા અને મજાક પણ કરી છે. આ ફિલ્મ દ્વારા પાકિસ્તાનની જોરદાર મજાક ઉડાવવામાં આવી છે. આતંકીઓને ખૂબ જ મૂર્ખ બતાવવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર