પાટણ અને મહેસાણામાં પ્રવેશ નહીં કરવાની શરતે હાર્દિક પટેલને જામીન મળ્યાં
શનિવાર, 9 સપ્ટેમ્બર 2017 (12:26 IST)
પાટણ ખાતે 26 ઓગસ્ટે યોજાયેલા 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ પહેલાં નવજીવન હોટલમાં મહેસાણાના પાટીદાર કાર્યકરને મારપીટ અને લૂંટફાટ કરવાના ગુનામાં શુક્રવારે હાર્દિક પટેલ સહીત ત્રણેય પાટીદારોને શરતી જામીન પર છોડવાનો આદેશ સેસન્સ કોર્ટે કરતાં પાટીદાર કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી હતી. કોર્ટના આદેશને પાસ નેતાઓએ આવકાર્યો હતો. શનિવારે જેલ મુક્ત થયા બાદ 18મીએ સોમનાથ દાદાના દર્શન કરવા જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ત્રણેયની જામીન અરજીની સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય આરોપી અરજદારોના વકીલો રાજેન્દ્ર દેસાઇ, મહેન્દ્રભાઇ પટેલ અને એમ.એચ.પટેલ જ્યારે સરકાર તરફે એપીપી એમ.ડી.પંડ્યાએ દલીલો કરી હતી. વકીલોએ જણાવ્યું હતું કે ટ્રાયલમાં અને તપાસમાં પૂરો સહકાર આપવામાં આવશે. કયાંય નાસી ભાગી નહી જાય.તમામને સાંભળ્યા બાદ એડીશનલ સેસન્સ જજ બી.બી.પાઠકે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં દરેકને રૂ.15000 ના જામીન અને શરતો આધીન છોડવાનો હુકમ કર્યો હતો. જેલમાંથી બહાર આવેલા હાર્દીકે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેલમાં મજા આવી ગઇ. ઘણા સમયથી થાકેલા હતા. આરામ મળી ગયો. હજુ 200ગામ ફરવાના બાકી છે ત્યાં જઇશું. અમારૂ આંદોલન ચાલુજ રહેશે. મારી સામે જે કેસ કર્યો છે તે અંગે મારે કોઇ ફરીયાદ નથી. હાલમાં પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના જે પ્રવાસો થઇ રહયા છે તેના કરતાં વધારે લોકો અમારા કાર્યક્રમમાં આવતા હોઇ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શંકરભાઇ ચૌધરીના ઇશારે ચર્ચા કરવા જેલમાં અમને મોકલી અપાયા હતા.