જિતુ વાઘાણીના નિવેદન પર આટલો વિવાદ કેમ ?

ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:11 IST)
રાજકોટ મહાનગરપાલિકાની એક શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આપેલા એક નિવેદનની ચર્ચા થઈ રહી છે.
 
તેમણે કહ્યું કે 'જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય.'
 
રાજ્યમાં શિક્ષણ માટે મોટા પાયે કામ થઈ રહ્યા હોવાનો દાવો કરીને જિતુ વાઘાણીએ કહ્યું કે 'જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય.'
 
તેમણે કહ્યું કે, ''ગુજરાતમાં આપણી પાસે ગમે એવી વ્યવસ્થા હોય તે ગમવી જોઈએ કે ન ગમવી જોઈએ. જે વ્યવસ્થાઓ છે એમાં જ આપણે મોટા થયા, આપણા બાપ-દાદા મોટા થયા. પ્રગતિ કરી, એમણે વ્યવસ્થાઓ કરી, ઘર કુટુંબ ચલાવ્યું. રાજકોટ હોય તો રાજકોટનું આપણને ગમવું જોઈએ.''
 
'અને જો એ બધું સારું ન લાગતું હોય તો શું કરવું જોઈએ. સારું લાગે ત્યાં જતા રહેવું જોઈએ. પાકિસ્તાનનાં વખાણ કરવાં હોય. અહીંયા રહીને દેશની ખોદણી કરવી હોય અને અમેરિકા સારું લાગતું હોય તો જતા રહેવું જોઈએ.'
 
જિતુ વાઘાણીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, "શિક્ષણમંત્રી જિતુ વાઘાણી એવું કહી રહ્યા છે કે જેમને ગુજરાતની શિક્ષણવ્યવસ્થા સારી ન લાગતી હોય તે લોકો બીજાં રાજ્યમાં કે વિદેશમાં ભણવા જતા રહે. આવું કહીને તેઓ સ્વીકારે છે કે છેલ્લાં 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં સારું શિક્ષણ આપવામાં નિષ્ફળ ગઈ છે. જો તેઓ નિષ્ફળ ન ગયા હોત તો તેઓ કહેતા કે સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને અહીં ભણાવીશું."
 
ત્યારે ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટીએ પણ જિતુ વાઘાણીના નિવેદનની ટીકા કરી હતી. ગુજરાત કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, "ગુજરાતના શિક્ષણમંત્રીએ જે બેજવાબદાર નિવેદન કર્યું છે તેનાથી સ્પષ્ટ છે કે સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. કેવી રીતે શિક્ષણવ્યવસ્થા સુધારવા માટે વિભિન્ન વિભાગો પાસેથી સલાહસૂચન લેવાં જોઈએ. અગાઉ પણ ખુલ્લામાં ભણતાં બાળકો અંગેની વાત સામે આવતાં સરકારની હાઈકોર્ટે આ મામલે ટીકા કરી હતી."
 
અગાઉ ગુજરાતના શિક્ષણમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર કર્યું હતું કે રાજ્યમાં 19,128 ઓરડાની અછત છે.
 
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી જિતુ વાધાણીએ આપેલા જવાબ પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળામાં 508 ઓરડાની ઘટ છે, જ્યારે બોટાદમાં 119, અમદાવાદમાં 477, સુરતમાં 285 ઓરડાની ઘટ છે.
 
જૂનાગઢમાં 356, અમરેલી 319, નવસારીમાં 352, વલસાડમાં 759 અને ખેડામાં 990 ઓરડાની ઘટ છે. આણંદમાં 670 જર્જરિત ઓરડા છે. જે પૈકી છેલ્લાં બે વર્ષમાં ખેડામાં 155 અને આણંદમાં માત્ર 83 નવા ઓરડા બનાવાયા છે.
 
માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં 1532, મહેસાણામાં 947, ગાંધીનગરમાં 427, નર્મદામાં 183, રાજકોટમાં 373, પોરબંદરમાં 57, કચ્છમાં 885, મોરબીમાં 146, આણંદમાં 782, ભરૂચમાં 598, તાપીમાં 162 ઓરડાની ઘટ છે. જ્યારે ડાંગમાં 154 ઓરડાની ઘટ છે અને છેલ્લાં બે વર્ષમાં એક પણ ઓરડો બન્યો નથી.
 
જામનગર જિલ્લામાં 302, દેવભૂમિ દ્વારકામાં 185, ખેડામાં 1089, મહીસાગરમાં 630, દાહોદમાં 1688, પંચમહાલમાં 1209, ગીર સોમનાથમાં 188 અને ભાવનગર જિલ્લામાં સરકારી શાળામાં 966 ઓરડાની ઘટ છે.
 
અરવલ્લી જિલ્લામાં સરકારી શાળામાં ઘટતા ઓરડાની સંખ્યા 734 અને સાબરકાંઠામાં 941, વડોદરામાં 505 અને છોટાઉદેપુર જિલ્લામાં 576 ઓરડાઓની ઘટ છે.
 
આમ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળામાં 19,128 ઓરડાની ઘટની વાત શિક્ષણમંત્રીએ વિધાનસભામાં સ્વીકારી છે.
 
આ અંગે આખો અહેવાલ વાંચો અહીં ગુજરાતની સરકારી શાળાઓમાં 19 હજાર ઓરડાની ઘટ, ક્યાં ભણશે ગુજરાત!
 
આગળ તેમણે કહ્યું કે, ''રહેવું ગુજરાતમાં, મોટા ગુજરાતમાં થયા, બાળકો અહીં ભણ્યાં, ધંધો અહીં કર્યો, એમને બીજું સારું લાગે તો જેને બીજું સારું લાગતું હોય એ છોકારાઓનાં સર્ટિફિકેટ લઈને અને જે દેશ અને જે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવા લાગે.''
 
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વૉર્ડ નંબર સાતમાં રૂપિયા 3.40 કરોડના ખર્ચે શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર 16ના નવા બિલ્ડિંગના લોકાર્પણમાં શિક્ષણમંત્રીએ આ નિવેદન આપ્યાં હતાં.
 
તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે, ''રાજ્યમાં 40 હજાર શાળાઓ છે, પ્રાઇમરી અને ગ્રાન્ટેડ શાળાઓ સામેલ છે, 17 હજાર ગામો અને એક કરોડ વિદ્યાર્થીઓ. રાજ્યમાં શિક્ષણ માટે મોટા પાયે કામ થઈ રહ્યું છે. ત્રણ લાખથી વધારે શિક્ષકો અને અન્ય સ્ટાફ શિક્ષણકાર્યમાં લાગેલા છે.''
 
તેમણે વધુમાં કહ્યું કે, ''જેમને કંઈ ખબર નહોતી, બેસતા નહોતા, માતાપિતા ભણેલાં નહોતાં, ગામ-શાળામાં શિક્ષણનું વાતાવરણ નહીં, એને સ્કૂલે લાવવાની શરૂઆત કોઈએ કરી તો એ નરેન્દ્ર મોદી."
 
ત્યાર બાદ પત્રકારો સાથે વાત કરતાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા યુવરાજસિંહની ધરપકડ મામલે જિતુ વાઘાણીએ કહ્યું કે, "કોણ યુવરાજસિંહ. કાયદો બધાને લાગુ પડે છે અને પોતપોતાની રજૂઆત કરવાનો, સરકારનું ધ્યાન દોરવાનો સૌને અધિકાર છે. પરંતુ કાયદો હાથમાં લેવું એ સરકાર, પ્રજા અને વ્યવસ્થા માટે યોગ્ય નથી. કાયદાની મર્યાદામાં સૌ કોઈએ રહેવું જોઈએ."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર