રાજ્યના હવામાન વિભાગએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.