AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી, 2021માં થયેલા ઝગડાના કેસમાં કોર્ટે ફટકારી 6 મહિનાની સજા

ગુરુવાર, 25 મે 2023 (13:20 IST)
કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો
 
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સરપંચની ચૂંટણી 19 ડિસેમ્બર 2021ના રોજ હતી. બોગજ કોલીવાડા ગામે હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યા હતા ત્યારે હરીફ સમર્થક પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી સતીષ કુંવરજી વસવાના ઘર પાસે જ ચાલતા તાપણા સમયે ડેડિયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10 વ્યક્તિનું ટોળું દોડી આવ્યું હતું. ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. ટોળામાં વિજય વસાવા, રતિલાલ, જયરામ, શાંતિલાલ, સંજય, જિતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશે ડેડિયાપાડા MLA સાથે ફરિયાદી અને તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. 
 
6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો
ચૈતર વસાવાએ ભોગ બનનાર સતીષનો મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61, 500ની લૂંટ ચલાવી હતી. એ અંગે ભોગ બનનારે ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરપંચની ચૂંટણીમાં હુમલો અને લૂંટનો કેસ નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં સેશન્સ જજ નેહલકુમાર આર. જોષીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર દામજી વસાવા સહિત તમામ 10 આરોપીને કસૂરવાર ઠેરવી 6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. જોકે કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર