ભાટ ખાતે એક બંગલામાં રસોડામાં કોઈ કારણસર લાગેલી આગ બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી. આગના કારણે ઉપરના માળે પોતાના રૂમમાંથી બહાર નહીં નીકળી શકવાના કારણે યુવાન ભડથું થઇ ગયો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો ઘરની બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવી બાલ્કનીની લોખંડની ગડર કાપીને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો છે.
જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયો
પ્રાપ્ત વિગતો મુજબ બંગલોમાં વેદપ્રકાશ દલવાણી તેમના પત્ની, પુત્રી અને પુત્ર સાથે રહે છે. નિત્યક્રમ મુજબ તેમનો પુત્ર આદિત્ય પોતાના રૂમમાં હતો. જયારે પરિવારના અન્ય સભ્યો નીચેના રૂમમાં હતા. રસોડામાં કોઈ કારણસર અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ બંગલામાં પ્રસરી ગઈ હતી. બંગલામાં પીઓપી અને ફર્નિચરનાં કારણે આગ પ્રસરી જતાં પ્રથમ માળ સુધી પહોંચી ગઈ હતી. જેનાં પગલે પરિવારે આદિત્યને બુમાબુમ કરી હતી. પરંતુ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આદિત્ય બહાર નીકળી શક્યો ન હતો અને જોતજોતામાં આગની ઝપેટમાં આવી ગયો હતો.
આ મામલે એફએસએલની પણ મદદ લેવાશે
ગાંધીનગર ફાયર બ્રિગેડનાં ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂર સહીતની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. આદિત્યના રૂમની બાલ્કનીનો દરવાજો બંધ હોવાથી લોખંડની ગડર કાપીને આદિત્યના ભડથું થયેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. આ અંગે ફાયર ઓફિસર દસ્તૂરે કહ્યું કે, રસોડામાં આગ લાગવાના કારણે બંગલામાં આગ પ્રસરી ગઈ હતી. જેનાં કારણે પ્રથમ માળથી આદિત્ય નીચે ઉતરી શક્યો ન હતો. જેનું આગમાં સળગી જવાથી મોત થયું છે. અડાલજ પોલીસ મથકના પીઆઈ કે. બી. સાંખલાએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં રસોડામાં ગેસનું કામકાજ ચાલતું હતું. ગેસની સગડી ઠંડી કરવા પાણી નાખવામાં આવતાં આગ લાગી હોવાની પણ વાત સામે આવી રહી છે.આ મામલે એફએસએલની પણ મદદ લેવાશે.