રશિયાએ યુક્રેનના બૂચામાં 300થી વધુ સામાન્ય નાગરિકોની હત્યા કરી : રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીનો દાવો
મંગળવાર, 5 એપ્રિલ 2022 (11:46 IST)
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝૅલેન્સ્કીએ આરોપ લગાવ્યો કે રશિયાએ બૂચા શહેરમાં 300 સામાન્ય નાગરિકોની હત્યા કરી છે.
રશિયાના કબજામાં રહેલા બૂચા શહેરમાં રશિયાના કથિત યુદ્ધ અપરાધોની સાબિતી મળી છે.
જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ દાવાની તપાસ કરી શક્યું નથી.
ઝૅલેન્સ્કીએ કહ્યું, “રશિયાએ જે કંઈ પણ કર્યું છે, અમે તેની તપાસ કરી રહ્યા છીએ.”
તેમણે આગળ કહ્યું, “હાલમાં માત્ર બૂચામાં જ 300થી વધુ લોકોની હત્યાની માહિતી મળી રહી છે. સંભવિત છે કે જ્યારે સમગ્ર શહેરમાં તપાસ પૂરી થશે તો આ આંકડો વધી શકે છે અને આ હાલત માત્ર એક શહેરની છે.”
તેમણે કહ્યું, “અન્ય કેટલાંક શહેરો જે રશિયન સેનાના કબજામાં હતા, ત્યાં પીડિતોની સંખ્યા બૂચાથી પણ વધારે હોઈ શકે છે.”
“રશિયાના કબજા હેઠળના સ્થળોએ સ્થાનિકો સાથે એવું વર્તન કરવામાં આવ્યું કે જેવું 80 વર્ષ પહેલાં નાઝીઓના શાસન વખતે પણ થયું ન હતું.”