દહેજ એટલે લગ્ન પ્રસંગે કન્યાપક્ષ તરફથી અપાતી ભેટસોગાદ! એમાં સુવર્ણના દાગીના, તાંબા-પિતળ-સ્ટીલના વાસાણો, લુગડાલતાં, રોકડ-રકમ ઉપરાંત સ્ટીલનું કબાટ, કૂલર, ફ્રીજ, ટીવી, સ્કૂટર, મોટર, બંગલો, જમીન- જાયદાદ, કાર વગેરે અનેક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.કન્યાપક્ષ આપરા થાકી જાય પણ વરપક્ષ લેતા કદી ન થાકે ન ધરાત એવી જો કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! કેટલીક જ્ઞાતિઓમા એ 'પૈઠણ' કે 'વાંકડો' જેવા શબ્દોથી પણ ઓળખાય છે. કન્યાના બાપની કમર તોડી નાખે અને એને જિંદગીભર દેવાદાર કે ગુલામ બનાવી દે એવી જો કોઈ ચીજ હોય છે તો તે આ દહેજ! દહેજ ઓછી પડે યા અધૂરી રહે તો કન્યા એના સાસરિયાં ફોલી ખાય, મ્હેણા ટોણાં મારીને હેરાન-પરેશાન કરી નાખે અને સાસુ-નણદ જો ગોઝારાંને નિર્દય હોય તો કેવળ આ દહેજની ઉણપ ખાતર વહુને જીવતી બાળી મૂકે યા આત્મહત્યા કરવાની ફરજ પાડે! આટલા પરથી તમને ખયાલ આવી ગયો હશે કે એક જમાનામાં હૈયાના ઉમળકાથી અને હૃદયની ઉદારતાથી પોતાની કન્યાને કન્યાદાનમાં માબાપ તરફથી આ 'શીખ',ધીરે ધીરે વિકૃત સ્વરૂપ પામીને અત્યારે કેટલીક હદ સુધી ત્રાસજનક થઈ પડી છે. કે આપણે એને એક "સામાજિક દૂષણ" કહેવા મજબૂર થઈ ગયા છીએ!