અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કંપનિમાં આગ

શુક્રવાર, 4 એપ્રિલ 2008 (11:21 IST)
વડોદરા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ભરૂચ એન્વાયરો ઈન્ફ્રા. લી.(બેઈલ) કંપનીના ગોડાઉનમાં ગઇકાલ ગુરૂવારની સાંજે 6 કલાકે અચાનક ધડાકાભેર આગ ફાટી નિકળી હતી. કેમિકલના ઝેરી કચરા અને સોલવંટના જથ્થામાં લાગેલી આગના કારણે કિલોમીટરો દૂર સુધી સંભળાય તેવા ભયાનક ધડાકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ત્યારે કંપનીમાં સંગ્રહ કરાયેલા અત્યંત જ્વલનશીલ જથ્થામાં લાગેલી વિકરાળ આગ પર કાબૂ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આસપાસના વિસ્તારને હાઈ એલર્ટ જાહેર કરી પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

અંકલેશ્વર ઔધોગિક વસાહતના પ્લોટ નંબર 9601માં આવેલી ભરૂચ એન્વાયરો ઈન્ફ્રા. લી.(બેઈલ) કંપની પ્રદૂષિત કેમિકલ કચરાના વૈક્ષાનિક ઢબે નિકાલ કરવા માટે સ્થપાયેલી હતી. જેના ખુલ્લા મેદાનમાં ઉભા કરાયેલા ગોડાઉનમાં ગઇકાલ સાંજે 6 ક્લાકે રહસ્યમય સંજોગોમાં ભયાનક આગ ફાટી નિકળતા નાસભાગ મચી ગઈ હતી. કંપનીમાં નિકાલ કરવા માટે લાવવામાં આવેલ અત્યંત જ્વલનશીલ હાઇલી ટોક્સિક અને સી.ઓ.ડી. વાળો જથ્થો આગની ઝપેટમાં આવતા તેના ધૂમાડાથી આસપાસના લોકો ચિંતામાં મુકાયા હતા.

બેઈલ કંપનીમાં લાગેલી આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતું આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરનાર ભયાનક આગ અત્યંત ઝડપથી ફેલાતાં નજીકમાં આવેલ કંપનીનું સોલ્વંટનું ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ત્યારે અત્યંત જ્વલનશીલ ગણાતો સોલવંટનો મોટો જથ્થો પણ આગની ઝપેટમાં આવી જતા તેના ભયંકર ધડાકાએ આખો વિસ્તાર ધ્રુજાવી દીધો હતો.

દરમિયાન આગ પર કાબુ મેળવવા માટે અંકલેશ્વર પ્રાંત અધિકારીની આગેવાનીમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ આધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. જેઓએ આગની ગંભીરતા જોતા તેનાથી કોઈ મોટી દુર્ઘટના ના બને તે માટે આસપાસના તમામ વિસ્તામાં હાઈ એલર્ટ જાહેર કરી લોકોને દૂર રાખવા જંગી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જ્યાં આગ પર કાબૂ મેળવવા માટે વિવિધ કંપનીઓ અને ભરૂચ તથા અંકલેશ્વરના ફાયર સ્ટાફને બોલાવી યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતું અત્યંત જ્વલનશીલ પદાર્થોમાં લાગેલી આગ પર મોડી સાંજ સુધી કાબૂ નહી મળી શકતા સમગ્ર વિસ્તારના લોકોને પણ સાવધ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

ઝેરી કચરાની આગથી હવાનું પ્રદુષણ -
અંકલેશ્વરની બેઈલ કંપનીમાં લાગેલી ભયાનક આગ આખા વિસ્તારમાં ગંભીર હવાઈ પ્રદૂષણ ફેલાવશે તેમ જણાવી પર્યાવરણ સુરક્ષા સમિતિએ સરકારના કેમિકલ ઈમરજન્સી પ્લાન સામે સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ આજે લાગેલી આગથી થનાર નુકશાન અંગે લોકોને અંધારામાં રાખવામાં આવ્યાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ અંગે એક અખબારી નિવેદનમાં પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતુંકે આ આગમાં બળી ગયેલ ઝેરી ઘન કચરો કોન્સનટ્રેટેડ સ્વરૃપમાં હોવાથી ગંભીર પ્રકારનું હવાનું પ્રદૂષણ પેદા કરશે. જે અંગે જો નાગરીકો પાસે પૂરતી જાણકારી નહી હોય તો તેનાથી લોકોનો સ્વાસ્થને નુકશાન થશે.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતુંકે થોડા સમય અગાઉ તેઓએ સરકાર પાસે કોઈ પણ પ્રકારનો કેમિકલ ઈમરજન્સી પ્લાન નહીં હોવાનું ખુલ્લુ પાડયું હતું.

વેબદુનિયા પર વાંચો