તાઉ-તે વાવાઝોડા બાદ ફરીવાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી

શુક્રવાર, 28 મે 2021 (09:43 IST)
ગુજરાતમાં ગત 17મી મેના રોજ તાઉ-તે વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેતી અને વીજ પુરવઠાને ભારે નુકસાન થયું છે. બીજી તરફ અનેક વૃક્ષો પણ ધરાશાહી થયાં છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ પરિસ્થિતિ 10 દિવસ પછી પણ રાબેતા મુજબ થઈ નથી. હાલમાં પણ સ્થિતિને પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી કરતાં લોકોમાં ચિંતા પ્રસરી છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે ગુરુવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. ચાર-પાંચ દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે અને ત્યારબાદ ગરમીમાં ફરી વધારો થવાની વકી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલમાં અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન આવી રહ્યા છે. પવન, ભેજ અને બીજા પરિબળોના કારણે વરસાદ વરસવાનો સંયોગ સર્જાયો છે. જેથી વરસાદની સંભાવના નકારી ના શકાય. જોકે, આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં 24 કલાક સુધી વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં વાતાવરણ પલટાની આગાહી છે ત્યારે કાળઝાળ ગરમી પણ યથાવત્ છે. ગુરુવારે 41 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદનું તાપમાન 39 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર