Essar news in gujarati- રામસિંહ સવારના સાત વાગ્યાના અરસામાં તેમના પૌત્રને સ્કૂલે મૂકીને આવ્યા બાદ અગિયાર વાગ્યાના અરસામાં કામ સારુ બાઈક લઈને બહાર નીકળ્યા હતા. એ દરમિયાન તેઓ રોલા ગામ પાસેના એસ્સાર પેટ્રોલપંપ અને પૌત્રના સ્કૂલ વચ્ચેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે મેઘરજ બાજુથી એક સફેદ કલરની કાર આવી હતી અને તેમણે રામસિંહને હાથનો ઈસારો કરી બાઈક ઊભી રખાવી હતી. ત્યાર બાદ કારચાલકે રસ્તો પૂછતાં રામસિંહે રસ્તો બતાવ્યો હતો અને તરત બાદ જ રસ્તો પૂછનાર શખસ બોલ્યો, 'ગાડીમાં મહાત્માજી બેઠા છે, આશીર્વાદ લઈ લો. રામસિંહ શખસની વાત સાંભળી બાઈકને સાઈડમાં મૂકી કાર તરફ ચાલતા થયા હતા. ગાડી આગળ જઈ રામસિંહ અંદર નજર કરતા અંદર બેઠેલા શખસએ શરીરે કોઈ કપડાં પહેર્યા નહોતા. ફક્ત એક લંગોટ પહેરી હતી અને રામસિંહને કહેવા લાગ્યા હતા, 'તમે ભાગ્યશાળી છો, તમે જલદી કરોડપતિ બનવાના છો', એમ કહીં હાથમાં એક ફૂલ આપ્યું અને સામે રામસિંહ પાસે એક રૂપિયો માગ્યો હતો, જેથી રામસિંહ પાસે એક રૂપિયો ખુલ્લો ન હોવાથી તેણે ખિસ્સામાંથી 50ની નોટ કાઢી અને મહાત્માને આપી. 50ની નોટ લીધા બાદ મહાત્માજીએ નોટ પર ફૂંક મારી એ નોટ પરત તેને આપી ખિસ્સામાં મૂકી દીધી હતી. બસ આટલું કરતાં જ મહાત્માની કાળીવીદ્યા રામસિંહ પર અસર કરી ગઈ અને તે જેમ કહેતા તેમ રામસિંહ કરવા લાગ્યા હતા. એ બાદ ઢોંગી મહાત્માએ રામસિંહ પાસે 5000 રૂપિયા માગ્યા અને કહ્યું -'તેરે કો મેં કરોડપતિ બના દુંગા'. જે વાત સાંભળી રામસિંહે પોતાના પાસે ખિસ્સામાં પડેલા 5000 રૂપિયા કાઢીને મહાત્માના હાથમાં મૂકી દીધા. એ બાદ મહાત્માએ વધુ ઠગાઈ આચરવા રામસિંહને કહ્યું, 'મને તારા ઘરે લઈજા અને બધા પૈસા મારા હાથમાં મૂક તને ડબલ કરીને આપીશ.
આ વાત સાંભળી રામસિંહ પોતાની બાઈક લઈને આગળ નીકળ્યા અને પાછળ પાછળ મહાત્મા તેમની ગાડીમાં તેમની પાછળ પાછળ ઘર સુધી પહોંચ્યા. બાદમાં રામસિંહને ઘરમાંથી પૈસા લઈ આવવાનું કહી તેઓ ઘરના દરવાજાની બહાર જ ગાડીમાં બેસી રહ્યા. ત્યાર બાદ રામસિંહ બાઈક મૂકી ઘરમાં જઈ તેમની પત્નીને ઘરમાં ઘઉંની આવકના જે રૂપિયા આવ્યા હતા એ લઈ આવવા કહ્યું. આ વાત સાંભળી તેમની પત્નીએ પૈસા કેમ જોઈએ છે તેઓ પ્રશ્ન કરતાં રામસિંહે તે પૈસા એક મહાત્માજી પાસે ફૂંક મરાવી ડબલ કરાવા છે, એમ કહી ફટાફટ પૈસા લઈ આવવા કહ્યું. જેથી તેમની પત્નીને શંકા જતાં તેમણે પૈસા આપવાની ના પાડી, આ વાત પરિવારના સભ્યો અને આસપાસના પાડોશીઓને જણાવી હતી. આ વાત રામસિંહનાં બેન લતાબેનને કાને પડતાં તેમણે તાત્કાલિક આ ઢોંગી બાબાની ફરિયાદ કરી પોલીસ બોલાવી. જેથી ઘટના બાબતે ફોન આવતાં તાત્કાલિક ઈસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તે મહાત્મા તથા તેમનો ડ્રાઈવર જોઈ જતાં તેમણે ગાડી ત્યાંથી ભગાવી મૂકવાનો પ્રયાસ કર્યો. જે ગાડીનો પોલીસ પીછો કરતાં ઢોંગીઓની કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રોડની સાઈડમાં ઊતરી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. એ દરમિયાન ગાડીનો ચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ ગાડીમાં બેઠેલા મહાત્મા પોલીસના પકડમાં આવી ગયો હતો.