વડોદરામાં હવસખોરે બે સંતાનની સામે જ માતા પર દુષ્કર્મ આચર્યુ, 5 વર્ષની દીકરી સાથે પણ શારીરિક છેડછાડ કરી
શુક્રવાર, 12 નવેમ્બર 2021 (18:06 IST)
છેલ્લા દોઢ વર્ષથી ચેઇન સ્નેચિંગના ગુનામાં અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા આરોપીની પત્નીને આર્થિક મદદ કરવાના બહાને છાણી બ્રિજથી છાણી ગામ તરફ જવાના રસ્તા ઉપર લઇ જઇને 5 વર્ષની માસુમ બાળકી સામે જ કારમાં બળાત્કાર ગુજારનાર યુવાન સામે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, હવસખોરે બળાત્કારનો ભોગ બનેલી યુવતીની 5 વર્ષની દીકરીની પણ શારીરિક છેડછાડ કરી હતી.
આરોપીની પત્ની વડોદરામાં રહે છે
છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી-વારસીયા રીંગ રોડ ઉપર રહેતા અને 25 જેટલા ચેઇન સ્નેચિંગ સહિત અન્ય ગુનામાં સેડોવાયેલા ઉમેશ છેલ્લા દોઢ-બે વર્ષથી અમદાવાદ સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની કામીની(નામ બદલ્યું છે) તેના બે સંતાનો સાથે વડોદરામાં રહે છે. અને પોતાનું ગુજરાન ચલાવે છે.
મહિલાને આર્થિક મદદ કરવાના બહાને બોલાવી
છાણી પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે ઉમેશની સાથે અમદાવાદ સાબરમતી જેલમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાપરડા ગામનો રણછોડ અંબાલાલ પટેલ પણ સજા ભોગવી રહ્યો છે. ઉમેશ અને રણછોડ વચ્ચે જેલમાં મિત્રતા થઇ હતી. જેથી ઉમેશ મિત્ર આરોપી રણછોડ પટેલના પુત્ર લાલા(રહે. રાપરડા, તા. કાલોલ, જિ. ગાંધીનગર)ને પણ ઓળખતો હતો. ગત 11 નવેમ્બરના રોજ સાંજના સમયે લાલો પટેલ વડોદરા આવ્યો હતો અને ઉમેશની પત્ની કામીનીને આર્થિક મદદ કરવાના બહાને ફોન કરીને દશરથ ગામ પાસેના પેટ્રોલ પંપ પાસે બોલાવી હતી.
બંને બાળકો સામે જ માતા પર દુષ્કર્મ આચર્યુ
કામીની પોતાની 5 વર્ષની દીકરી સહિત બંને બાળકોને લઇ દશરથ પાસેના પેટ્રોલ પંપ પાસે આર્થિક મદદની આશાએ ગઇ હતી. પેટ્રોલ પંપ પાસે કાર લઇને ઉભેલા લાલા રણછોડ પટેલે કામીનીને પોતાની કારમાં બેસાડી દીધી હતી અને એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે. તેમ કહીને કાર છાણી બ્રિજથી છાણી ગામ તરફના કાચા રસ્તા ઉપર લઇ ગયો હતો અને રસ્તામાં કામીનીના બંને બાળકો સામે કામીની ઉપર કારમાં જ બળાત્કાર ગુજાર્યો હતો.
મહિલાની 5 વર્ષની દીકરીની શારીરિક છેડછાડ કરી
લાલા પટેલે બળાત્કાર ગુજાર્યા બાદ કામીની હવસખોર લાલાને પોલીસમાં પકડાવી દેવા માટે તેની સાથે નટુભાઇ સર્કલ પાસે આવી હતી. સિટીમાં આવતી સમયે હવસખોર લાલાએ કામીનીની સાથે બેઠેલી પાંચ વર્ષની દીકરીની પણ શારીરિક છેડછાડ કરી હતી. દીકરી સાથે પણ લાલાએ છેડછાડ કરતા કામીની ગુસ્સે ભરાતા લાલો કામીનીને આર્થિક મદદ કર્યાં વિના કામીની અને તેના બે બાળકોને રસ્તામાં ઉતારી રવાના થઇ ગયો હતો.
પોલીસે હવસખોર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો
દરમિયાન કામીની બંને બાળકો સાથે છાણી પોલીસ મથકમાં પહોંચી હતી અને હવસખોર લાલા રણછોડ પટેલ(રહે, રાપરડા, તા. કલોલ, જિ. ગાંધીનગર) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે લાલા પટેલ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આ બનાવની વધુ તપાસ છાણી પીઆઇ આર.ડી. મકવાણા કરી રહ્યા છે.