સુરતના પાંડેસરામાં 1 મહિનાના બાળકનું સ્તનપાન કરાવ્યા બાદ મોત, પોલીસે તપાસ હાથ ધરી

શનિવાર, 1 જુલાઈ 2023 (13:54 IST)
સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રાત્રે 1 મહિનાના બાળકનું સ્તનપાન કરાવ્યા બાદ મોત નીપજ્યું હતું. માતાએ રાત્રે સ્તનપાન કરાવીને પુત્રને સુવડાવ્યો હતો અને સવારે ફરી દૂધ પિવડાવવા માટે તેને ઉઠાડતાં તે ઊઠ્યો જ નહોતો. ત્યાર બાદ પુત્રને હોસ્પિટલ ખસેડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઉત્તરપ્રદેશનો મુકેશ મૌર્યા પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરી અને એક મહિનાનો એક દીકરો અને પત્ની છે. મુકેશ મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પત્નીએ એક મહિના પહેલાં પુત્ર દિવ્યાંશને જન્મ આપ્યો હતો.

માતા અને પરિવાર પણ ખૂબ જ ખુશ હતાં. માતા તમામ પ્રકારે દીકરાની સારસંભાળ રાખતી હતી.માતાએ દિવ્યાંશને રાત્રે સ્તનપાન કરી સુવડાવ્યો હતો. ત્યાર બાદ બાળકને સવારે 3 વાગ્યે સ્તનપાન કરાવ્યું હતું. જોકે સવારે 6 વાગ્યે દૂધ પિવડાવવા માતાએ ઉઠાડવાની કોશિશ કરી પણ તે ઊઠ્યો નહિ, જેથી તેણે પતિને જાણ કરી હતી. પિતાએ પણ પુત્રને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે કોઈ હલન-ચલન કરતો નહોતો, જેથી પરિવારે તેને હોસ્પિટલ લઈ જવા તૈયારી કરી હતી.આ દુર્ઘટના અંગે પિતાએ જણાવ્યું હતું કે પુત્રનું શરીર ઠંડું પડી જતાં સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા હતા.

હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં પોલીસે પરિવારના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી. મૌર્યા પરિવારમાં 1 મહિનાનો દિવ્યાંશ એકનો એક પુત્ર હતો. પુત્રના અકાળે મોતના પગલે માતા આઘાતમાં સરી પડી છે. જ્યારે પિતા પણ પુત્રના મોતના પગલે ગમગીન થઈ ગયા છે. હાલ તો પરિવાર પુત્રનો મૃતદેહ મળતાં અંતિમવિધિની તૈયારી કરી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર