રાજયની તમામ યુનિવર્સિટીઓ "નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની" રચના કરે -શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા

શનિવાર, 29 ઑગસ્ટ 2020 (14:40 IST)
શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ ના સંદર્ભમાં સ્પષ્ટ દિશાનિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે જાહેર થઈ ચૂકી છે, તેને ભારત સરકારની વિધિવત મંજૂરી પણ મળી ગઈ છે, ત્યારે આ શિક્ષણ નીતિના અમલીકરણ માટે સ્પષ્ટ કાર્ય રચના ઘડી કાઢવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાન કર્યું છે. 
 
આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરે. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઓનલાઈન બેઠક યોજીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં તેના પરિણામલક્ષી અમલ માટે યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
 
આ બેઠકમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે દરેક યુનિવર્સિટી રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિના અમલ માટે નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની રચના કરે આ ઉપરાંત દરેક યુનિવર્સિટી નવી શિક્ષણ નીતિના જેટલા પણ ચેપ્ટર છે તે ચેપ્ટર દીઠ એક અભ્યાસ કમિટીની પણ રચના કરે. આ રીતે રાજ્યમાં નવી શિક્ષણ નીતિનો ઝડપભેર અમલ થાય તે દિશામાં આગળ વધવા આયોજન કરે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને પરિણામ લક્ષી બનાવવા ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવા પણ આ બેઠકમાં જણાવ્યું હતું.
 
નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં હવે વિચાર નહીં પરંતુ અમલીકરણનો સમય છે ત્યારે આપણે સૌએ એ દિશામાં આગળ વધવુ પડશે, ભુપેન્દ્રસિંહએ ઉમેર્યું હતું કે આ શિક્ષણ નીતિમાં માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણનો સમગ્રતયા વિચાર કર્યો છે. પ્રાથમિક શિક્ષણની સાથે ઉચ્ચતર શિક્ષણનો પણ વિચાર કરાયો છે ત્યારે આ શિક્ષણનીતિનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન છે.
 
આ બેઠકમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બહેન દવેએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ અગાઉની શિક્ષણ નીતિમાં સુધારો દર્શાવતી નીતિ નથી પરંતુ વિદ્યાર્થીમાં રાષ્ટ્રીયતા નો સંચાર થાય તેનો દિશા નિર્દેશ કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. જ્ઞાન વૈશ્વિક હોઈ શકે પણ શિક્ષણ તો રાષ્ટ્રીય હોવું જોઈએ અને તે ધ્યાનમાં રાખીને શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે. આજનો વિદ્યાર્થી કઈ રીતે આદર્શ નાગરિક બની શકે અને તેને માટે સક્ષમતા હાંસલ કરી શકે તેનો વિચાર પણ નવી રાષ્ટ્રીય  શિક્ષણ નીતિમાં કરવામાં આવ્યો છે. હવે તેનું સ્પષ્ટ આયોજન સાથે અમલ થાય તે દિશામાં આપણે સૌ આગળ વધવું પડશે.
 
શિક્ષણ અગ્ર સચિવ અંજુબેન શર્માએ આજની બેઠકની રૂપરેખા આપી આગામી દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની દિશામાં આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજે યોજાયેલી ઓનલાઇન બેઠકમાં યુનિવર્સિટીઓના કુલપતિઓએ પણ પોતાના વિચારો ને આગામી દિવસોમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની બાબતે કાર્યયોજના તૈયાર કરવા માટે પોતાના આયોજનની પણ વિગતો આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર