જૂનાગઢમાં સિઝનનો 46.58 % વરસાદ થતાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો

મંગળવાર, 7 જુલાઈ 2020 (12:29 IST)
જૂનાગઢ જિલ્લામાં 3 જુનનાં વરસાદ થયો હતો. સામાન્ય રીતે 15 જુનથી સતાવાર ચોમાસુ શરૂ થતું હોય છે પરંતુ જૂનાગઢ  જિલ્લામાં જુન માસની શરૂઆતથી વરસાદ પડવાનું શરૂ થયુ હતું. જોકે જુનનાં પ્રથમ બે સપ્તાહમાં સામાન્ય વરસાદ રહ્યો  હતો. બાદ 15 જુનથી વરસાદે રિધમ પક્ડી હતી. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યા છે ત્યારે રવિવારની રાત્રે જિલ્લામાં ધોધમાર વરસાદ થયો હતો. જૂનાગઢ શહેરમાં રવિવારની રાત્રે અને સોમવારે ધીમીધારે વરસાદ શરૂ રહ્યો હતો. દિવસ દરમિયાન શહેરમાં સવા બે ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. જયારે ગિરનાર અને જંગલમાં રાત્રે ભારે વરસાદ થયો હતો. જેના કારણે નદીઓમાં પુર આવ્યા હતા.જિલ્લામાં પડેલા વરસાદનાં પગલે વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, બાંટવા ખારો, ઓઝત શાપુર, ઓઝત વંથલી, સાબલી, ગીર સોમનાથ જિલ્લાનો રાવલ ડેમ ઓવરફલો થયા હતા. જયારે આ સહિતનાં 11 ડેમમાં નવાનીરની આવક થઇ હતી. જૂનાગઢ જિલ્લામાં સિઝનનો 46.58 ટકાવરસાદ થઇ ગયો છે. જયારે જૂનાગઢ સિટીમાં 32.91 ટકા વરસાદ થઇ ગયો છે. રવિવારે રાત્રે ગિરનારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોનરખ, કાળવા, લોલ નદીમાં પૂર આવ્યું હતું. તેમજ દાતારની ગોદમાં આવેલા વિલિંગ્ડન ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. સોમવારે સવારે 6 :30 વાગ્યાની આસપાસ વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો હતો. જયારે રવિવારની રાત્રે 2:30 વાગ્યે આણંદપુર ડેમ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થતાની સાથે જ જૂનાગઢનાં લોકો ડેમ ઉપર પહોંચી ગયા હતા.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર