રાજયમાં થતાં સરકારી કાર્યક્રમોમાં જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોનો પ્રોટોકોલ જાળવવામાં આવતો નહીં હોવાનો ધડાકો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલાં પ્રશ્નના જવાબમાં થયો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારી તંત્ર અને અધિકારીઓ દ્વારા વિરોધ પક્ષના ધારાસભ્યોને તો સરકારી કાર્યક્રમોમાં આમંત્રણ જ અપાતા નથી તે તો ઠીક છે. પરંતુ અધિકારીઓ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યોને પણ ગણકારતાં નહીં હોવાની ફરિયાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) સમક્ષ થઇ છે. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભાજપના કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા તથા અન્ય આઠ જેટલાં ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
અધિકારીઓ ધારાસભ્યોને માન નથી આપતાં
આ ફરિયાદોના પગલે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંબંધિતોને પ્રોટોકોલ જાળવવા જણાવ્યું હોવા છતાં અધિકારીઓને ધારાસભ્યોના માન-સન્માન અને પ્રોટોકોલ સાથે કોઇ જ લેવા દેવા ન હોય તે પ્રમાણેનું વર્તન કરી રહ્યાં છે. છતાં સરકાર કોઇ નક્કર પગલાં લેતી નહીં હોવાનું ધાનાણીએ આક્ષેપ કર્યો છે. લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે પ્રોટોકોલ ભંગ થયાની ફરિયાદ સંબંધે વિધાનસભાના તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન કર્યો હતો કે રાજયમાં થતા સરકારી કાર્યક્રમો જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્યોને કેવા પ્રકારનો પ્રોટોકોલ આપવાની જોગવાઇ છે તે અંગે તેનો મુખ્યમંત્રી તરફથી અપાયેલા જવાબમાં જણાવ્યું છે કે, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તેમ જ ભારત સરકાર દ્વારા આ બાબતે સમયાંતરે વિવિધ ઠરાવો-પરિપત્રો કરવામાં આવ્યા છે.
છેલ્લાં બે વર્ષમાં પ્રોટોકોલ ભંગ બદલની 10 ફરિયાદો આવી
આ ઉપરાંત બેઠક વ્યવસ્થા સંદર્ભે Warrant Of Precedence બહાર પાડવામાં આવી છે. છેલ્લાં બે વર્ષમાં પ્રોટોકોલ ભંગ બદલની 10 ફરિયાદો આવી છે. જેમાં લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરની બે ફરિયાદો આવી છે. આ ઉપરાંત કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયા, બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ, પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ મંત્રી કુંવરજી બાવળિયા, પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણા અને ધારાસભ્ય પુંજાભાઇ વંશની ફરિયાદો આવી હતી. આ ફરિયાદોમાં પરિપત્રોની અમલવારી નિયમાનુસાર થાય તે માટે જણાવ્યું છે. તેમ જ પ્રોટોકોલ ભંગ ન થાય તે માટે કાર્યવાહી કરવા ઉપરાંત સરકારી પ્રોટોકોલ જળવાય અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તેની તકેદારી રાખવા જણાવાયું છે.