બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડાની શક્યતા, ગુજરાતને કેટલી અસર થશે?

મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (16:49 IST)
બંગાળની ખાડીમાં ફરી તોફાન સર્જાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. ઑગસ્ટ મહિનાના અંતથી બંગાળની ખાડીમાં સતત ચોમાસાની સિસ્ટમો બની રહી છે, જેના કારણે ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડ્યો હતો.
 
હવે અહીં ફરી વાવાઝોડું સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
તો શું બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડું સર્જાશે? જો વાવાઝોડું સર્જાશે તો તે કઈ તરફ આગળ વધશે અને કયા વિસ્તારોને અસર કરશે?
 
હાલમાં ઉત્તર આંદામાન સાગર ઉપર એક સાઇક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે. હાલમાં ઉત્તર આંદામાન સાગર ઉપર એક સાઇક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને આગામી 24થી 36 કલાકમાં તે લૉ પ્રેશર એરિયામાં ફેરવાય તેવી સંભાવના છે.
 
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, બંગાળની ખાડીમાં ઉત્તર આંદામાન સાગર અને તેની આસપાસના વિસ્તારમાં એક લૉ પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. જે બાદમાં વધુ અસરકારક બનીને આગામી 4થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ આગળ વધી શકે છે.
 
સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે, ઉત્તર આંદામાન સાગર ઉપર બનનાર લૉ પ્રેશર એરિયા બાદમાં ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં બદલાઈ જશે. એટલે આ વધુ અસરકારક બનીને ચક્રવાતમાં બદલાઈ શકે છે. બાદમાં પશ્ચિમ દિશામાં દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ દરિયાકાંઠા તરફ આગળ વધશે.
 
વેધર એનાલિસ્ટ અંકિત પટેલ જણાવે છે કે, બંગાળની ખાડીમાં લૉ પ્રેશર બનશે, પરંતુ તે કેટલું મજબૂત બને છે તે જોવું પણ જરૂરી છે. તે દેશના પૂર્વ બાજુનાં રાજ્યો અને મધ્ય તેમજ ઉત્તર ભાગને અસર કરી શકે છે. હાલની સંભાવના પ્રમાણે ઓડિશાની આસપાસ થઈ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને દિલ્હી તરફનો આનો ટ્રેક રહે તેવી શક્યતા છે.
 
જો આ વાવાઝોડું સર્જાય તો હવે તેને 'જવાદ' નામ આપવામાં આવશે.
 
સપ્ટેમ્બરના અંતમાં ગુલાબ બાદ ફરી બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા દેખાઈ રહી છે.
 
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાનશાસ્ત્ર વિભાગના વડા ડૉ. મનોજ લુણાગરિયા જણાવે છે કે, "જો બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય તો તે ગુજરાતને અસર કરે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી. ગુલાબ વાવાઝોડામાં જે બન્યું તે રેર બાબત છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે તો પૂર્વનાં રાજ્યો પ્રભાવિત થશે."
 
વેધર એનાલિસ્ટ અંકિત પટેલનું પણ માનવું છે કે હાલની સ્થિતિને જોતાં વાવાઝોડું સર્જાય તો પણ ગુજરાતને અસર કરે તેવી શક્યતા નથી.
 
આવનારા સમયમાં હવામાનમાં ફેરફાર થાય અને સ્થિતિ બદલાય તો તેના પર હાલ હવામાન નિષ્ણાતો નજર રાખી રહ્યા છે.
 
જોકે, ખરેખર તે કઈ તરફ આગળ વધશે અને કયા વિસ્તારો પર ત્રાટકશે અથવા સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે તે મામલે સ્પષ્ટ જાણકારી નથી.
 
હાલમાં જ સપ્ટેમ્બરના અંત ભાગમાં બંગાળની ખાડીમાં ગુલાબ વાવાઝોડું સર્જાયું હતું. જે ભારતના પૂર્વ બાજુનાં રાજ્યોમાં લૅન્ડફોલ થયું હતું અને બાદમાં તે ધીમેધીમે નબળું પડવા લાગ્યું હતું.
 
બાદમાં ડીપ ડિપ્રેશન, ડિપ્રેશન અને લૉ પ્રેશરમાં નબળું પડવાની સાથે ભારતનો ભૂખંડ પસાર કરીને ગુજરાત તરફ આવ્યું હતું.
 
બાદમાં ગુલાબ વાવાઝોડું ફરીથી અરબ સાગર પર સક્રિય થયું હતું અને અરબ સાગરમાં નવું વાવાઝોડું શાહીન સર્જાયું હતું. જોકે તેની ભારતને અસર જોવા મળી ન હતી, કેમ કે તે પશ્ચિમ દિશામાં ઓમાન તરફ આગળ વધ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર