હવે ટાસ્કફોર્સ સોશિયલ મીડિયામાં ગેરકાયદે ટિપ્સ સામે કાર્યવાહી કરશે, રોકાણકારોને ઑનલાઇન ફસાવતી ટોળકી પર કડક પગલાં

બુધવાર, 15 ડિસેમ્બર 2021 (11:06 IST)
ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ગેરકાયદે ટિપ્સ અને ટ્રેડિંગ કરાવડાવી રોકાણકારોને ફસાવતી ટોળકીઓ સામે કાર્યવાહી કરવા સેબીએ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટીમે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવતી ગેરકાયદેસર ટિપ્સ સામે દરોડા પાડવા ઉપરાંત કાનૂની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ગત સપ્તાહે અમદાવાદ અને મહેસાણામાં સેબીના દરોડામાં આ નવી ટીમે ઘણી મદદ કરી હતી. સોશિયલ મીડિયા દ્વારા શેર ખરીદવા અને વેચવા માટેની ટિપ્સ આપવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે.કેટલાંક ગ્રુપ્સ તો રૂ. 10,000 થી રૂ. 1 લાખ સુધીની એન્ટ્રી ફી વસૂલે છે. આ સભ્યોને વચન આપે છે કે તેમને વિશિષ્ટ ટિપ્સ અને ટ્રેડિંગ ટિપ્સ આપવામાં આવશે. આ લોકો ન તો સેબીના રજિસ્ટર્ડ એડવાઈઝર છે અને ન તો તેઓને આવું કામ કરવાની છૂટ છે. આ લોકો આવી ટિપ્સ આપીને રોકાણકારોને નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં જ ગુજરાતના મોટા શહેરોમાં ટેલિગ્રામ પર ગેરકાયદેસર અને નકલી ટીપ્સ ફેલાવવાના સંદર્ભમાં દરોડા પાડવામાં આવ્યા હતા.નવી સ્કીમ હેઠળ સેબીના અધિકારીઓને સુરક્ષા પૂરી પાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવશે. ઉપરાંત, મોબાઈલ ફોન જેવી અંગત મિલકતના કિસ્સામાં, કોઈપણ જપ્તી માટે કોર્ટ વોરંટની જરૂર પડશે. ડબ્બાથી સરકારને થતી ટેક્સની આવકમાં મોટા પાયે નુકસાન છે. જેમકે કાયદેસરના ટ્રેડમાં સરકારને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ મળે જે ડબ્બાના વેપારમાં મળતો નથી. બ્રોકર, ડબ્બો રમનાર કે રમાડનાર ખેલાડી દ્વારા લોંગટર્મ કે શોર્ટટર્મ ટ્રેડિંગ ચાર્જ ન ચુકવે, ઇનકમ ટેક્સ ન ભરે વગેરે. ગુજરાતમાં અંદાજે દૈનિક એક લાખ કરોડના દૈનિક ડબ્બા ટ્રેડિંગના કારણે સરકારને સરેરાશ 100 કરોડથી વધુની ટેક્સની આવક ગુમાવવી પડતી હોવાનો અંદાજ સેવાય છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમના યુઝર્સની ચોક્કસ માહિતી રેગ્યુલેટર્સ સાથે શેર કરતા નથી. તેથી સોશિયલ મીડિયા ગ્રૂપ વિશે પુરાવા એકત્ર કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે આરોપીનો ફોન જપ્ત કરવો અને પછી હેન્ડસેટમાંથી ડેટા મેળવવો. સરકાર દ્વારા 2014માં સેબીને સર્ચ અને જપ્તીની સત્તા આપવામાં આવી હતી.ગુજરાતના ટોચનાં શહેરો જેમકે અમદાવાદ, સુરત, બરોડા તથા રાજકોટમાં સેબીએ ગેરકાયદે રોકાણકારોને ગુમરાહ કરતા અને ગેરકાયદે શેર બજારમાં સટ્ટો રમાડવા અંગે બ્રોકર્સને ત્યાં દરોડા પાડ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર