10 લાખ પરપ્રાંતિય કામદારો ધરાવતા સુરત પર તંત્રની નજર, રૂ. 227 કરોડ ચૂકવ્યુ વેતન
બુધવાર, 22 એપ્રિલ 2020 (10:31 IST)
સમગ્ર રાજ્યમાં કામદારોના હિત જળવાય તેની ખાત્રી રાખતો ગુજરાતનો શ્રમ અને રોજગાર વિભાગ આશરે 10 લાખ સ્થળાંતરીત કામદારોનુ ઘર ગણાતા સુરતમાં વધુ સક્રિય બનીને કામ કરી રહ્યો છે. સુરત એ સિન્થેટિક ટેક્ષ્ટાઈલના ઉત્પાદન અને ડાયમન્ડ પ્રોસેસિંગનુ હબ ગણાય છે. આ ઉપરાંત હજીરા બેલ્ટમાં મેગા ઔદ્યોગિક એકમો આવેલાં છે. આ એકમોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડીશા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોના કામદારો મોટી સંખ્યામાં કામ કરે છે.
શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા જણાવ્યું હતું કે “સુરતમાં મોટી સંખ્યામાં સ્થળાંતરીત મજૂરો કામ કરે છે તેને તથા જે સંભવિત મુદ્દા ઉભા થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને અમે લૉકડાઉન શરૂ થયુ ત્યારથી સુરત ઉપર ધ્યાન રાખી રહ્યા છીએ. શ્રમ વિભાગ જીલ્લા વહિવટી તંત્ર સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીને સ્થળાંતરીક કામદારોને જ્યાં રાખવામાં આવ્યા છે તે આશ્રય સ્થાનોમાં ભોજન, તબીબી સંભાળ અને અન્ય પાયાની જરૂરિયાતો સંતોષાય તે રીતે કામ કરી રહ્યો છે.”
સુરતમાં જે પગલાં ભરવામાં આવ્યાં છે તેનુ ધ્યાન રાખવા ડિરેકટર ઓફ લેબર, ડિરેકટર ઓફ એમ્પલોયમેન્ટ અને ડિરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થને ડેપ્યુટ કરવામાં આવ્યા છે. સુરતની ડેપ્યુટી કમિશનર ઓફ લેબરની ઓફિસે ડાયમન્ડ અને ટેક્ષ્ટાઈલ ઉદ્યોગનાં એકમોના પ્રતિનિધિઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે બેઠક યોજી હતી અને કામદારોને તેમનાં વેતન સમયસર મળે તેની ખાત્રી રાખવા જણાવવામાં આવ્યુ હતું. અધિકારીઓ કામદારોના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા અને તેમનો પ્રતિભાવ જાણ્યો હતો.
“સુરતમાં અમારા અધિકારીઓની દરમ્યાનગીરી તેમજ તેમના ફોલો-અપને કારણે લૉકડાઉન શરૂ થયુ ત્યારથી 17,299 ફેકટરીઝ તથા અન્ય એકમોએ 1.93 લાખ કામદારોને રૂ. 227 કરોડ વેતન ચૂકવ્યુ છે. વેતન નહી ચૂકવ્યા અંગેની તથા નોકરીમાં પાછા લેવા અંગે 118 ફરિયાદો મળી હતી અને આ બાબતો ઉપર અગ્રતાને ધોરણે ધ્યાન આપીને કન્ટ્રોલ રૂમ મારફતે આ ફરિયાદો હલ કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત વિભાગ કે જેમાં સુરત ઉપરાંત વલસાડ, નવસારી, તાપી, અને ડાંગ જીલ્લો આવેલો છે ત્યાં આશરે 18,000 જેટલા માલિકોએ 2.85 લાખ કામદારોને વેતન તરીકે રૂ. 385 કરોડ ચૂકવ્યા છે. સુરતમાં વહિવટી તંત્ર દ્વારા 152 ભોજન વિતરણ કેન્દ્રો સ્થાપ્યાં છે, જ્યાં આશરે 3.5 લાખ કામદારોને દિવસમાં બે વખત ભોજન આપવામાં આવે છે.
“આ ઉપરાંત સુરતમાં વિવિધ ઔદ્યોગિક સંગઠનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ કામદારોને રાંધેલુ ભોજન તથા અને રેશનનુ વિતરણ કરી રહ્યાં છે. સ્થાનિક વીવર્સ એસોસિએશને બામરોલીમાં 30,000 કામદારોને તથા કીમ-પિપોદરામાં 25,000 ફૂડ કીટનુ વિતરણ કર્યુ છે. સમાન પ્રકારે સચીનમાં 10,000 કીટનુ વિતરણ કરવામાં આવ્યુ છે. ઔદ્યોગિક એસોસિએશનો 20,000 કામદારોને 35 સ્થળોએ ભોજન પૂરૂ પાડી રહ્યા છે.