તાંડવ : આ કારણે સેફ-ડિમ્પલની ફિલ્મ પડી છે વિવાદમાં

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (22:00 IST)
ગત શુક્રવારે ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મ એમેઝોન ઉપર રજૂ થયેલી વેબ સિરીઝ 'તાંડવ'માં કથિત રીતે હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવવામાં આવી હોવાનો આરોપ મુકાઈ રહ્યો અને તેના જેના કારણે સમાજના એક વર્ગની લાગણી દુભાઈ છે.
 
અત્યારસુધી આ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ હવે તેણે કાયદાકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
 
ભાજપના નેતાઓએ આ ધારાવાહિક વિરુદ્ધ કાયદાકીય તથા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે અને કેન્દ્ર સરકારના માહિતી તથા પ્રસારણ મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે.
 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મીડિયા સલાહકારે ટ્વીટ કર્યું છે, 'આશા છે કે ઉદ્ધવ ઠાકરેની સરકાર બચાવમાં નહીં ઉતરે.'
 
વડા પ્રધાનપદ માટે ચાલતા કાવાદાવા ઉપર આધારિત આ નવ એપિસોડની આ સિરીઝમાં ડિમ્પલ કાપડિયા, કૃતિકા કામરા, સૈફ અલી ખાન, ઝિશાન અય્યુબ અને ગૌહર ખાને મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. વિવાદને પગલે સૈફ અલી ખાન સહિત અન્ય કલાકારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
 
રાજકારણ અને રાજનું કારણ
 
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર તથા ભાજપના પ્રવક્તા શલભ મણિ ત્રિપાઠીએ કલાકારોને ટૅગ કરતા ટ્વિટર ઉપર લખ્યું 
'શ્રીમાન મોહમ્મદ ઝિશાન અય્યુબ, અલી અબ્બાસ ઝફર, હીમાંશુ મહેરા (નિર્માતા), ગૌરવ સોલંકી તથા સૈફ અલી ખાન. યુપી પોલીસની ટુકડી મુંબઈ જવા નીકળી ગઈ છે. એફ. આઈ. આર. (ફર્સ્ટ ઇન્ફર્મૅશન રિપોર્ટ)માં કડક કલમો દાખલ કરવામાં આવી છે. તૈયાર રહેજો. ધાર્મિક લાગણીઓને દુભાવવાની કિંમત ચૂકવવી જ પડશે. શ્રી ઉદ્ધવ ઠાકરે આશા છે કે તમે વચ્ચે નહીં આવો.'
 
આ પહેલાં દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ એમેઝોન ઇન્ડિયાને નોટિસ કાઢીને માગ કરી હતી કે ઓ. ટી. ટી. (ઑવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ પરથી વેબ સિરીઝને હઠાવવા અથવા ફોજદારી કાર્યવાહી માટે તૈયાર રહેવાની વાત કહી છે.
 
ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી તથા બહુજન સમાજ પક્ષનાં વડાં માયાવતીએ તેમના ટ્વીટ કરીને લખ્યું કે 'વેબ સિરીઝમાં ધાર્મિક તથા જાતિગત લાગણીઓ દુભાય તેવા કેટલાક દૃશ્યો છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. આ સંદર્ભે જે કંઈ વાંધાજનક હોય તેને શાંતિ અને સૌહાર્દને ખાતર હઠાવી દેવું જોઈએ.'
 
માયાવતીનો ઇશારો તાંડવમાં બે વાર અલગ અલગ સમયે બોલાયેલા એક ડાયલોગ પર છે. જે આ મુજબ છે - "છોટી જાત કા પુરુષ જબ ઊંચી જાત કી ઔરત સે પ્યાર કરતા હૈ તો વહ સદીઓ કે અન્યાય કા બદલા ઉસ અકેલી ઔરત સે લે રહા હોતા હૈ.."
 
મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય રામ કદમે ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને કલાકારો સામે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
 
ફિલ્મના કલાકારો તથા એમેઝોન ઇન્ડિયા ઑરિજિનલે આ વિવાદ અંગે ઔપચારિક રીતે કોઈ પ્રતિક્રિયા નથી આપી.
 
યોગીના ગઢમાં મોદીની નવી ચાલ, ગુજરાત કૅડરના IASથી રાજકારણી બનનાર એ.કે. શર્મા કોણ છે?
દારા શિકોહઃ એ મુઘલ રાજકુમાર જેની કબર ખોળે છે મોદી સરકાર
 
પૂર્વોત્તર મુંબઈની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય મનોજ કોટકે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને ઓ.ટી.ટી. પ્લૅટફૉર્મની ઉપર નિયંત્રણ લાદવા માગ કરી છે. બી.બી.સી. ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતા મનોજ કોટકે જણાવ્યું :
 
"માહિતી અને પ્રસારણ મંત્રાલય સમક્ષ અમારી બે મુખ્ય માગ છે. એક તો એ કે ઓ. ટી. ટી. પ્લૅટફૉર્મ ઉપર પ્રસારિત થતાં કાર્યક્રમોનું કોઈ નિયમન નથી થતું, જેના કારણે તેમાં ડ્રગ્સ, હિંસા, અશ્લીલતા, સેક્સ તથા ધાર્મિક લાગણીઓ દુભાય તેવી સામગ્રી પીરસવામાં આવે છે, જેથી તેને નિયંત્રિત કરવાની જરૂર છે. આ માટે રૅગ્યુલેટરી ઑથૉરિટીનું ગઠન કરવામાં આવે."
 
"આ સિવાય તાજેતરમાં રજૂ થયેલી વેબ સિરીઝ 'તાંડવ'માં હિંદુ દેવી-દેવતાઓનું ઇરાદાપૂર્વક અપમાનજનક ચિત્રણ કરવામાં આવ્યું છે. આથી, તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. હિંદુઓની લાગણી દુભાવવી એ જાણે કે ફૅશન બની ગઈ છે."
 
કોટકના કહેવા પ્રમાણે, તેમણે વેબ સિરીઝ 'તાંડવ' નથી જોઈ, પરંતુ તેમણે સોશિયલ મીડિયા ઉપર તેની ક્લિપ્સ જોઈ છે. વેબસિરીઝ મુદ્દે તેમને ફરિયાદો પણ મળી છે એટલે આ તેમની 'નૈતિક જવાબદારી' છે.
 
કોટકના કહેવા પ્રમાણે, માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી તેમને 'ઘટતું કરવા'નું આશ્વાસન આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા ઉત્તર પ્રદેશ પોલીસને અટકાવવામાં આવશે તો શું ફરી એક વખત ભાજપ અને શિવસેના આમને-સામને થશે કે કેમ? તેવા સવાલના જવાબમાં કોટકે જણાવ્યું:
 
"શિવસેનાએ ક્યારનું હિંદુત્વ છોડી દીધું છે. એટલે તે આ મુદ્દો નહીં ઉઠાવે. જ્યારે એક રાજ્યની (ઉત્તર પ્રદેશ) પોલીસ પોતાની ફરજ બજાવવા માટે બીજા રાજ્યમાં (મહારાષ્ટ્ર) જાય, ત્યારે સ્થાનિક પોલીસ તેને સહયોગ આપતી હોય છે."
 
"ઉદ્ધવ ઠાકરે સમજદાર મુખ્ય મંત્રી છે, આશા છે કે તેઓ કોઈ વિક્ષેપ ઊભો નહીં કરે."
 
અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઠાકરેએ આરોપ મૂક્યો હતો કે હિંદી ફિલ્મજગતને મુંબઈથી યુપી ખસેડવા માટે કાવતરાં થઈ રહ્યાં છે, પરંતુ તેને સફળ થવા દેવામાં નહીં આવે.
 
સોશિયલ મીડિયામાં સંગ્રામ
 
ટ્રૅડ ઍનાલિસ્ટ સુમિત કડેલે લખ્યું, 'આ તો થવાનું જ હતું. વારંવાર ભારતીય સેના, એક સમુદાય અને તેના દેવી-દેવતાને બદનામ કરવામાં આવતાં હતાં. તાંડવના નિર્માતાઓની ધરપકડ પણ થઈ શકે છે. જેમ થિયેટરમાં રજૂ થતી ફિલ્મોને સેન્સર કરવામાં આવે છે, તેવી જ રીતે ઓ.ટી.ટી. ફિલ્મો ઉપર સૅન્સરશિપ એકમાત્ર વિકલ્પ છે.'
 
ફિલ્મ 'તાશ્કંદ ફાઇલ્સ'ના નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીએ લખ્યું, "તમે એક તાંડવ ઉપર પ્રતિબંધ મૂકશો તો તેઓ 10 તાંડવ બનાવશે. એના બદલે નફરતના પ્રૉપેગૅન્ડા ફેલાવવા નાણાં આપતાં કૉર્પોરેટ ઍક્ઝિક્યુટિવ્ઝને ખુલ્લા પાડવા જોઈએ અને તેમની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ચાલો આપણે બધાં શિવ બનીએ અને તેમને ખરું તાંડવ દેખાડીએ."
 
વેબ સિરીઝમાં અભિનય આપનારાં કૃતિકા કામરાએ લખ્યું, 'ભારતમાં ટ્વિટર ઉપર #BanTandavNow. જ્યારે ઇન્દોર પોલીસનું કહેવું છે, ટૅકનિક હી ગલત હૈ તુમ્હારી.' આ વાત કહેવા માટે કૃતિકાએ સહ-કલાકાર ઝૈશાન અય્યુબની ફિલ્મ 'છલાંગ'ના મીમનો ઉપયોગ કર્યો. આ ટ્વીટને ઝિશાન અય્યુબે સ્માઇલી ઇમોજી સાથે રિટ્વીટ કર્યું હતું.
 
 
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટર ઉપર લખ્યું, 'વેબ સિરીઝ ઉપર બૅનની માગ કેમ થઈ રહી છે? જો તમને પસંદ નથી, તો ન જુઓ: 'લાગણી દુભાઈ' એટલે પ્રતિબંધનું રાજકારણ વિચિત્ર છે.'

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર