માયા કોડનાણી : ‘લોકપ્રિય’ ડૉક્ટરથી હત્યાકાંડોનાં આરોપમાંથી નિર્દોષ છૂટવા સુધીની કહાણી

ગુરુવાર, 20 એપ્રિલ 2023 (22:15 IST)
ગુરુવારે 2002ના નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા ગુજરાતનાં ભૂતપૂર્વ મંત્રી અને ભાજપનાં નેતા માયા કોડનાણી, બાબુ બજરંગી, જયદીપ પટેલ અને વલ્લભ પટેલ સહિતનાં 68 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવામાં આવ્યાં છે.
 
ગોધરાકાંડ બાદ 28 ફેબ્રુઆરી 2002ના સમગ્ર રાજ્યમાં તોફાનો અને હિંસા ફાટી નીકળાં હતાં. આ પૈકીના જ એક બનાવ એવા નરોડા ગામ ખાતે થયેલા રમખાણમાં 11 મુસ્લિમોને જીવતા સળગાવી દેવાયા હતા.
 
આ મામલે 86 આરોપીઓ સામે હત્યા, તોફાનો કરાવવાના, ગેરકાયદે ટોળું ભેગું કરવાના અને ગુનાઇત ષડયંત્ર રચવાના આરોપ હતા.
 
આ મામલે સ્પેશિયલ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી.
 
નોંધનીય છે કે અગાઉ નરોડા-પાટિયા રમખાણ મામલામાં માયાબહેન સહિત આ મામલાના છ આરોપીઓને દોષિત ઠરાવાયાં હતાં. જોકે બાદમાં કોડનાણી સહિત 18 દોષિતોને ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2018માં નિર્દોષ ઠરાવી છોડી મૂક્યાં હતાં.
 
હવે આ સમગ્ર મામલે કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકતાં ભાજપનાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને મંત્રી રહી ચૂકેલાં માયાબહેન કોડનાણીનું નામ ચર્ચાવા લાગ્યું છે.
 
નોંધનીય છે કે બચાવપક્ષના વકીલે સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માયાબહેન અને આરોપીઓ પક્ષે જુબાની આપવા માટે ભારતના ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.
 
માયા કોડનાણી કોણ છે?
જ્યારે પણ વર્ષ 2002નાં રમખાણોની વાત થાય છે ત્યારે કેટલાંક નામો સામે આવવા લાગે છે, માયા કોડનાણી પણ આવું જ એક નામ છે.
 
માયા કોડનાણી ભાજપમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યાં છે અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા એ સમયે તેઓ મંત્રી રહી ચૂક્યાં છે.
 
ગોધરા રમખાણો બાદ પદ પર રહેતાં દોષિત ઠેરવાયાં હોય તેવાં તેઓ પ્રથમ મહિલા ધારાસભ્ય હતાં.
 
ગોધરાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ સર્જાયા બાદ અનેક સ્થળે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આવા જ એક બનાવમાં નરોડા પાટિયા ખાતે ફાટી નીકળેલાં રમખાણોમાં 97 મુસ્લિમોની હત્યા કરાઈ હતી.
 
આ કેસમાં માયા કોડનાણી પર આરોપ હતો કે તેમણે હત્યા કરનાર ભીડનું નેતૃત્વ કર્યું હતું.
 
માયા કોડનાણી નરેન્દ્ર મોદીની ખૂબ નિકટની વ્યક્તિ મનાતાં હતાં.
 
તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ વિશે વાત કરીએ તો માયાનો પરિવાર ભારતના વિભાજન પહેલાં સિંધમાં રહેતો હતો પરંતુ બાદમાં ગુજરાત આવીને વસ્યો હતો.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર માયાબહેન કોડનાણી ડીસા ખાતે પોતાના પિતા દ્વારા સ્થાપિત અને સંચાલિત ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણ્યાં હતાં. તેમજ બરોડા મેડિકલ કૉલેજમાં ઍડમિશન મળ્યું એ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની મહિલા પાંખ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં જોડાયાં હતાં.
 
આ કૉલેજમાંથી જ તેમણે એમબીબીએસની ડિગ્રી અને બાદમાં ગાયનેકૉલૉજી અને ઑબ્સ્ટેટ્રિક્સમાં ડિપ્લોમા કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે અમદાવાદના કુબેરનગર ખાતે પોતાની શિવમ મૅટરનિટી હૉસ્પિટલ શરૂ કરી હતી.
 
જો રાજકીય ક્ષેત્રે તેમના પદાર્પણની વાત કરવામાં આવે તો વર્ષ 1995માં ભાજપે તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૈજપુર વૉર્ડમાંથી ઉતાર્યાં હતાં.
 
પક્ષને આ ચૂંટણીમાં ભવ્ય જીત મળી, જે બાદ માયા કોડનાનીને સિવિક હેલ્થ કમિટીમાં ડેપ્યુટી ચૅરપર્સન બનાવાયાં હતાં.બાદમાં તેમને સ્ટેન્ડિંગ કમિટીના પ્રથમ ચૅરપર્સન તરીકે બઢતી મળી. આ પદ ધારણ કરનાર તેઓ પ્રથમ મહિલા હતાં.
 
એક ડૉક્ટર અને ગાયનેકૉલૉજિસ્ટ તરીકે તેઓ પોતાના દર્દીઓ અને વિસ્તારમાં ખૂબ જ પૉપ્યુલર હતાં કારણ કે તેઓ તેમનાં દર્દીઓની જ ભાષામાં તેમની સાથે વાત કરતાં.
 
તેમના વાક્ચાતુર્યને કારણે સંઘના નેતાઓ વચ્ચે લોકપ્રિયતા વધી, જેમાં લાલકૃષ્ણ આડવાણીનો પણ સમાવેશ થાય છે. આડવાણી તેમના રાજકીય માર્ગદર્શક હતા.
 
તેમણે અવારનવાર પોતાના સમાજના મુદ્દા ઉઠાવ્યા હતા.
 
1998માં તેઓ નરોડાથી ધારાસભ્ય બન્યાં. પરંતુ 2002નાં ગુજરાત રમખાણોમાં જ્યારે તેમનું નામ સામે આવ્યું ત્યારે તેમની શાખ પર બટ્ટો લાગ્યો હતો.
 
ભાજપમાં માયા કોડનાણીની છાપ વિશે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ જણાવે છે કે, “માયાબહેન ખૂબ હાઇપ્રોફાઇલ નેતા નહોતાં પરંતુ એ સમયે ભાજપ મહિલાઓને તક આપી રહ્યો હતો અને અમદાવાદની આ બેઠક પરથી તેમના સમાજના લોકોને તક અપાતી હોઈ માયાબહેનને તક મળી હતી. ભાજપના ભણેલાંગણેલાં મહિલા નેતા તરીકેને છાપને લીધે પણ પાર્ટીમાં તેમને તકો મળવા લાગી હતી.”
 
2002માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસના પુરુષોત્તમ હરવાણીને 1.80 લાખ મતોની જંગી બહુમતીથી હરાવ્યા હતા.
 
વર્ષ 2007 નરેન્દ્ર મોદીના વડપણવાળી ગુજરાત સરકારમાં તેમને મહિલા અને બાળવિકાસ મંત્રાલયના રાજ્યકક્ષાનાં મંત્રી બનાવાયાં હતાં.
 
વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલ વિશેષ ટીમે તેમને પૂછપરછ માટે બોલાવ્યાં. બાદમાં તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમણે રાજીનામું આપવું પડ્યું.
 
જોકે જલદી જ તેઓ જામીન પર છૂટી પણ ગયાં. આ દરમિયાન તેમણે વિધાનસભા જવાનું ચાલુ રાખ્યું અને તેમના પર કેસ પણ ચાલતો રહ્યો.
 
દિલીપ ગોહિલ રમખાણોના કેસ મામલે કોડનાણી સામે થયેલી કાર્યવાહીને કારણે તેમની કારકિર્દીને થયેલ અસર પર વાત કરતાં જણાવે છે :
 
“ભાજપનાં બીજી હરોળનાં મહિલા નેતાઓમાં તેમનું નામ હતું. તેથી જ્યારે રમખાણોના કેસ મામલે કાર્યવાહી આગળ વધી ત્યારે એક સમયે એવું પણ લાગ્યું કે માયાબહેનને અપેક્ષા મુજબનો સાથસહકાર પક્ષ તરફથી ન મળ્યો. ઉપરાંત માંદગી અને રમખાણો મામલે ચાલી રહેલી કાર્યવાહીને કારણે તેમની રાજકીય કારકિર્દીને માઠી અસર થઈ હતી.”
 
29 ઑગસ્ટ 2012ના રોજ આખરે કોર્ટે તેમને નરોડા પાટિયા મામલે દોષિત ઠેરવ્યાં હતાં.
 
જોકે બાદમાં તેમને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂક્યાં હતાં.
 
શું હતો નરોડા પાટિયા કેસ?
 
ગોધરા પાસે અયોધ્યાથી કારસેવકોને લઈ આવતી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સળગાવી દેવામાં આવ્યો હતો.
 
આ ઘટનામાં 57 લોકો જીવતાં સળગી ગયા હતા. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
 
28 ફેબ્રુઆરીના રોજ ટોળું નરોડા-નારોલ હાઇવે અને નરોડા પાટિયા પાસે પહોંચ્યું હતું. જે બાદ 97 મુસ્લિમોની હત્યા કરી દેવામાં આવી હતી અને આ ઘટનામાં 33 લોકો ઘાયલ પણ થયા હતા.
 
જેમાં તત્કાલીન ભાજપ સરકારનાં મંત્રી માયા કોડનાણી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત કુલ 62 લોકો સામે 2009માં કેસ શરૂ થયો હતો.
 
કોર્ટે સુનાવણી દરમિયાન 327 લોકોનાં નિવેદનો લીધાં હતાં. આ ગુજરાત રમખાણો સાથે જોડાયેલો એક બહુચર્ચિત કેસ હતો. જેની તપાસ એસઆઈટીએ કરી હતી.
 
2012માં ચાલેલા આ જ કેસમાં ટ્રાયલ કોર્ટે માયા કોડનાનીને મુખ્ય આરોપી ગણાવતાં આજીવન કેદની સજા કરી હતી. કોડનાણી પર આરોપ હતો કે તેમણે કારમાંથી ઊતરીને ટોળાને સંબોધ્યું હતું અને હિંસા કરવા માટે ઉશ્કેર્યું હતું.
 
જોકે, એપ્રિલ 2018માં ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ. એસ. સુપેહિયાની ડિવિઝન બેન્ચે નરોડા પાટિયા કેસમાં કોડનાણી સહિત 18ને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યાં હતાં.
 
હાઇકોર્ટે માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે માયા કોડનાનીના મામલામાં જે પણ સાક્ષીઓએ નિવેદનો આપ્યાં છે તેને વિશ્વાસપાત્ર ગણી શકાય નહીં.
 
હાઇકોર્ટના ચુકાદા મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર(એસઆઈટી) આર. સી. કોડેકરે બીબીસી સાથે ખાસ વાતચીત કરી હતી.
 
કોડેકરે ચુકાદા મામલે કહ્યું કે તેમને 'બૅનિફિટ ઑફ ડાઉટ'નો લાભ આપવામાં આવ્યો હતો. નરોડા પાટીયા નરસંહાર કેસમાં ટ્રાયલ કોર્ટે કુલ 32 લોકોને દોષિત જાહેર કર્યા હતા.
 
ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં કુલ 32માંથી 13 આરોપીની ટ્રાયલ કોર્ટની સજા યથાવત્ રાખી હતી જ્યારે એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન જ મોત થઈ ગયું હતું.
 
ઉપરાંત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયેલા ત્રણ લોકોને દોષિત જાહેર કર્યા હતા.નોંધનીય છે કે હાઇકોર્ટે આ મામલે બાબુ બજરંગીને પણ દોષિત જાહેર કર્યા હતા.
 
નરોડા ગામ હત્યાકાંડ
ગોધરાકાંડ બાદ 28 ફેબ્રુઆરીના રોજ નરોડા પાટિયા સહિત નજીકના વિસ્તાર એવા નરોડા ગામમાં પણ રમખાણો થયાં હતાં.
 
નરોડા ગામ કેસ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલ તોફાનો અને હિંસાના એ નવ કેસો પૈકીનો એક છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા તપાસ કરાવવાનો હુકમ કર્યો હતો. આ કેસની સુનાવણી 14 વર્ષ પહેલાં જુલાઈ 2009માં શરૂ કરવામાં આવી હતી.
 
કેસની સુનાવણી કરનાર પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ. કે. બક્ષીએ ગત સપ્તાહે ટ્રાયલ પૂર્ણ થયેલી જાહેર કરીને તેમનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર