લોકડાઉન વચ્ચે પીએમ મોદી આવતીકાલે સવારે 9 વાગ્યે દેશને આપશે Video સંદેશ
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (19:19 IST)
દેશમાં 21 દિવસના લોકડાઉન અને સતત વધી રહેલા કોરોનાના નવા કેસો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 9 વાગ્યે એક વિડિઓ સંદેશ આપશે. વડા પ્રધાન મોદીએ ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
આ અગાઉ પીએમ મોદીએ 24 માર્ચે રાષ્ટ્રને સંબોધનમાં કોરોના વાયરસને કારણે દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. તેમણે લોકોને અપીલ કરી અને કહ્યું કે જેઓ જ્યાં છે ત્યાં જ રહો. આ લોકડાઉન તમારા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. વડા પ્રધાને લોકોને કોઈ પણ કિંમતે ઘર ન છોડવાની સલાહ આપી હતી. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે 22 માર્ચે જનતા કર્ફ્યુનો જે આપણે સંકલ્પ લીધો હતો પૂર્ણ કરવામાં ભારતના લોકોએ ફાળો આપ્યો.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ લોકડાઉનને લઈને એક મહત્વની વાત કરી હતી. પેમા ખાંડુએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 15મી એપ્રિલે લોકડાઉન પુરૂ થશે. પરંતુ લોકોને બહાર ફરવાની આઝાદી નહીં આપવામાં આવે.
આ ટ્વિટના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે તેમણે થોડા જ સમયમાં આ ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે દેશના નામે સંબોધન કરશે.
વડાપ્રધાન આવતી કાલે શુક્રવારે સવારે 9 કલાકે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. પીએમ મોદી વીડિયો મેસેજ દ્વારા આ સંબોધન કરશે. જોકે આ સંબોધનમાં વડાપ્રધાન કઈ બાબતનો ઉલ્લેખ કરશે તે બાબત હજી સુધી સ્પષ્ટ નથી પણ લોકડાઉનને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. અગાઉ વડાપ્રધાન મોદીએ 24મી માર્ચે રાષ્ટ્રના નામે સંબોધન કરીને અડધી રાતથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે કેટલાક લોકોની બેદરકારી, કેટલાક લોકોની ખોટી વિચારસરણી તમારા બાળકોને, તમારા મિત્રોને અને આખા દેશને ભારે મુશ્કેલીમાં મુકશે. જો આવી બેદરકારી ચાલુ રહે તો ભારતને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તેનો અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે.
જો કે, ઘણી જગ્યાએથી લોકડાઉન ઉલ્લંઘન થયાના અહેવાલ મળ્યા છે. સ્થાનિક રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન કેસ પછી કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ચેપનું કેન્દ્ર બનનાર નિઝામુદ્દીન મરકજની તબલીગી જમાતમાં તાજેતરમાં દેશભરમાંથી લગભગ 9000 લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેઓને અલગ રાખવામાં આવ્યા છે.
દેશભરમાં તબલીગી જમાતમાં ઓળખવામાં આવેલા 9000 લોકોમાંથી 1300 વિદેશી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 328 નવા કેસ નોંધાયા છે. 12 લોકો માર્યા ગયા છે. તેમણે એમ પણ કહ્યું છે કે 151 લોકો સ્વસ્થ થયા છે.
લુવ અગ્રવાલે તબલીગી જમાત સાથે સંકળાયેલા લોકોના કોરોના સંક્રમણનો ડેટા રજૂ કરતા જણાવ્યું હતું કે તમિલનાડુના 173, રાજસ્થાનના 11, અંડમાન અને નિકોબારના 9, દિલ્હીના 47, તેલંગાણાના 33, આંધ્રપ્રદેશના 67, આસામના 16 જમ્મુ અને કાશ્મીરથી 22 અને પોંડિચેરીના બે પોઝિટિવ કેસ આવ્યા છે.