લૉકડાઉન વચ્ચે સિંગતેલના ભાવમાં ડબ્બે 180થી 200 રૂપિયાનો વધારો

મંગળવાર, 31 માર્ચ 2020 (18:01 IST)
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે શાકભાજી  સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. હાલ સરકાર દ્વારા 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લૉકડાઉનનો ફાયદો વેપારીઓ કુત્રિમ અછત ઊભી કરીને લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં લૉકડાઉનની સ્થિતિ પૂર્ણ થવાને આડે 14 દિવસ બાકી છે. સરકાર દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા ઉત્પાદકો તેમજ વિક્રેતાઓ અને કર્મચારીઓને લૉકડાઉનની સ્થિતિમાંથી મુક્તિ આપવામાં આવી છે. છતાં દિવસેને દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારના ભાવનો વધારો ખાદ્યતેલોની અંદર પણ જોવા મળ્યો છે. જે સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ એક મહિના પહેલા 2070 થી 2100 ની વચ્ચે રહેતો હતો. તે ડબ્બાનો ભાવ હાલ 2270 થી 2300 સુધી પહોંચ્યો છે. હાલ તેલના વેપારીઓ પણ એવું કહી રહ્યા છે કે લૉકડાઉનના કારણે ઉત્પાદન પર અસર પડી છે, જેના લીધે હાલ સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે જણાવ્યું છે કે, હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડ બંધ છે. જેના કારણે મગફળીની આવક ઓઇલ મિલરોને નથી થઈ રહી. સાથે જ નાફેડ પાસે 6 લાખ ટન મગફળી પડી છે. હાલ તેમના દ્વારા ઓનલાઈન હરરાજી બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ લૉકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું બન્યું છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર