વડોદરામાં એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહો મળ્યા, પોલીસે તપાસ શરૂ કરી

સોમવાર, 9 જાન્યુઆરી 2023 (16:04 IST)
રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યાં છે.ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.દર્શનમ ઉપવન ડુપ્લેક્ષમાં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી શેરબજારનું કામ કરતા હતા. તેઓ 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા.

આજે સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રી અને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રીના ઘરમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે પ્રિતેશભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર દેખાતો નહોતો.પ્રિતેશભાઈના મિત્ર કેતન ચુનારાએ જણાવ્યું હતું કે, પ્રિતેશભાઈએ ગઈકાલે રાત્રે મમ્મીને મેસેજ કર્યો હતો કે, આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. સવારે જ્યારે તેમના મમ્મી તેમના ઘરે ગયા ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. અને તેમના પત્ની અને પુત્રનો મૃતદેહ પલંગ ઉપર પડ્યા હતા.

બે દિવસ પહેલા જ વડોદરા શહેરના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા-પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પિતા પરેશભાઈ સીકલીગરે પોતાના પુત્ર ચાર્મિસને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે પોલીસે તપાસ હાથ ધરી હતી, બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.દંપતિના 10થી 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કર્યો હતો. પરેશભાઈએ પ્રથમ ચાદરથી પુત્રને ગળે ફાંસો આપ્યો હતો અને પછી પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પાડોશીઓને આ અંગે જાણ થતાં પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. જેથી પોલીસ દોડી ગઈ હતી. દરવાજો અંદરથી બંધ કરેલો હતો. પોલીસે આ રૂમને ખોલ્યો હતો. આ સમયે પિતા-પુત્ર લટકી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ પત્નીની જોહુકમી વધારે હતી. તે પતિના ત્રાસ આપતી હતી. તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી છે. જેમાં પતિએ સ્પષ્ટ જણાવ્યું છે કે, મારી પત્નીના ત્રાસથી ગળે ફાંસો ખાઉં છું. આ ઘટનામાં પુત્રની હત્યા, પરેશભાઈની આત્મહત્યા અને પત્ની આશાબેન સામે દુષ્પ્રેરણાનો ગુનો લાગુ પડે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર