ECનો આદેશ : યોગી આદિત્યનાથ 72 અને માયાવતી 48 કલાક સુધી ચૂંટણીપ્રચાર નહીં કરી શકે
સોમવાર, 15 એપ્રિલ 2019 (18:16 IST)
કેન્દ્રીય ચૂંટણીપંચે ઉશ્કેરણીજનક નિવેદન કરીને મત માગવા બદલ બસપા સુપ્રીમો માયાવતી ઉપર 48 કલાક તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપર 72 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
બંને નેતાઓની ઉપર મતદારોની કોમી લાગણી ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.
બીજી બાજુ, નેતાઓ દ્વારા વાંધાજનક નિવેદનો મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
દેશમાં 18મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, જેના માટેનો ચૂંટણી પ્રચાર તા. 16મી એપ્રિલે સાંજે સમાપ્ત થશે.
સુપ્રીમમાં સુનાવણી
આ પહેલાં વાંધાજનક નિવેદન કરવા છતાંય બહુજન સમાજ પક્ષનાં સુપ્રીમો માયાવતી તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે કાર્યવાહી ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણીપંચની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી બીબીસીના પ્રતિનિધિ સુચિત્રા મોહંતી જણાવે છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ હોય તેવા અધિકારીને મંગળવારે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
અદાલતમાં હાજર પંચના વકીલે કહ્યું હતું કે જો ઉમેદવાર દ્વારા વારંવાર આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવે તો તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ શકે છે.
"અમે તેમને (ઉમેદવાર) ગેરલાયક ન ઠેરવી શકીએ કે તેમના પક્ષની માન્યતા રદ ન કરી શકીએ."
શારજહામાં રહેતા બિન-નિવાસી ભારતીય હરપ્રિત મનસુખાણીએ જાહેરહિતની અરજી દાખલ કરીને માગ કરી હતી કે જાત અને કોમના આધાર ઉપર ઉશ્કેરણીજનક નિવેદન કરનારા રાજકીયપક્ષના પ્રવક્તા અને પ્રતિનિધિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
શું છે વિવાદ?
તા. 7મી એપ્રિલે ચૂંટણીપ્રચાર દરમિયાન માયાવતીએ સહરાનપુરના દેવબંધ ખાતે જાહેરસભા સંબોધી હતી, જેમાં એકજૂથ થઈને મહાગઠબંધનના ઉમેદવારને વિજયી બનાવવા મુસ્લિમોને અપીલ કરી હતી.
આ અંગે તા. 11મી એપ્રિલે માયાવતીને નોટિસ પાઠવી હતી, જેનો માયાવતીએ તા. 12મી એપ્રિલે જવાબ આપ્યો હતો.
તા. 9મી એપ્રિલે યોગી આદિત્યનાથે મેરઠ ખાતે જાહેરસભા સંબોધી હતી અને કહ્યું હતું કે જો સપા-બસપા અને કૉંગ્રેસને 'અલી' ઉપર વિશ્વાસ છે, તો અમને 'બજરંગબલી'ની ઉપર વિશ્વાસ છે.
તા. 11મી એપ્રિલે આ સંદર્ભે ચૂંટણીપંચે યોગી આદિત્યનાથને નોટિસ પાઠવી હતી.