ગાંધીનગરથી અમિત શાહ સામે ગુલબર્ગકાંડના પીડિત શા માટે ચૂંટણી લડી રહ્યા છે?

હરિતા કંડપાલ

સોમવાર, 15 એપ્રિલ 2019 (10:55 IST)
હરિતા કંડપાલ
 
'2002નાં રમખાણો બાદથી અત્યાર સુધી મુસ્લિમોને બહુ તકલીફો વેઠવી પડી છે. હું ઇચ્છું છું કે મુસ્લિમ પ્રતિનિધિ જો ગુજરાતમાંથી લોકસભામાં જાય તો ભવિષ્યમાં આવી તકલીફોથી લોકોને બચાવી શકે. હું માત્ર અલ્પસંખ્યકો માટે નહીં પરંતુ બધા સમુદાયોની વાત કરવા માગું છું જેથી ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે.''
 
આ કહેવું છે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પ્રમુખ સાક્ષી ઇમ્તિયાઝ પઠાણનું.
 
ઇમ્તિયાઝે ખેડા લોકસભા બેઠક પરથી 'અપના દેશ પાર્ટી' તરફથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે તેમના ભાઈ ફિરોઝ પઠાણે ગાંધીનગર લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિવારે શાહે કલોલ ખાતે રોડ શૉ યોજ્યો હતો.
2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં હુલ્લડ ફાટી નીકળ્યાં હતાં, જેમાં લગભગ 1000 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ હુલ્લડમાં મુસ્લિમોએ સૌથી વધુ નુકસાન વેઠવું પડ્યું હતું.
સામાજિક કાર્યકર માને છે કે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન્યાય-વ્યવસ્થા, બંધારણ અને અધિકારોને સાચવતા નથી ત્યારે પીડિતો તેમને ચૂંટણીમાં પડકારવાની જરૂર પડે છે.
 
 
ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં બચ્યા
 
ઇમ્તિયાઝ અને ફિરોઝ 28 ફેબ્રુઆરી 2002ના દિવસે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં બચી ગયા હતા પરંતુ તેમના પરિવારના 10 સદસ્યો તેમાં માર્યા ગયા હતા. ઇમ્તિયાઝ પઠાણ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં મુખ્ય સાક્ષી છે. ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા ઇમ્તિયાઝના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેઓ જણાવે છે કે 2002નાં રમખાણો પછી તેમને 12 મકાનો બદલવાં પડ્યાં છે.
 
જ્યારે ફિરોઝ પઠાણ કહે છે, ''2002નાં કોમી રમખાણો બાદ ન્યાયની લડત હજુ ચાલુ છે અને ગુજરાતમાં કોઈ મુસ્લિમ સાંસદ નથી કે જે અવાજ ઉઠાવી શકે. અમે કાર્યકર છીએ, અમે બધા ધર્મોને સાથે લઈને ચાલવા માગીએ છીએ."
 
28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં 69 લોકોનાં મોત થઈ ગયાં હતાં. ગુલબર્ગ સોસાયટી કેસમાં 64 લોકોમાંથી 24 લોકોને સજા થઈ છે. જોકે, બન્ને પક્ષોએ અદાલતના આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો છે. ઇમ્તિયાઝ જણાવે છે, "સજા પામેલા 24માંથી 22 લોકોની ઓળખ મેં કરી હતી. ન્યાયની અમારી લડત તો હજુ ચાલુ જ છે."
 
ઇમ્તિયાઝ કહે છે, "અમારો મોટો પરિવાર ત્યાં રહેતો હતો. હું ત્યાં પણ ઇલેક્ટ્રિશિયનનું કામ જ કરતો હતો."
 
"28 ફેબ્રુઆરી, 2002ના દિવસે અમે અમારી માતા, દાદી સહિત પરિવારના 10 સદસ્યોને ગુમાવ્યા હતા. પરંતુ ત્યારબાદ વર્ષો સુધી ઘણી તકલીફો વેઠવી પડી છે. બધાને એ જાણવું જોઈએ કે મુસ્લિમોને તોફાનો બાદ શિક્ષણ, કામ-ધંધા, મકાન વગેરે કેટલીક તકલીફો પડી છે."
 
મુસ્લિમોના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ
 
ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારો ઉતારતી નથી રહી અને કૉંગ્રેસ લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારે તો છે પરંતુ ગુજરાતમાંથી 1984 બાદ એક પણ મુસ્લિમ સાંસદ ચૂંટાયા નથી. વકીલ શમશાદ પઠાણ કહે છે કે મુસ્લિમોના રાજકીય પ્રતિનિધિત્વનો સવાલ તો ઊભો જ છે. તેઓ કહે છે કે ધર્મનિરપેક્ષ પક્ષોએ જે રીતે મુસ્લિમ પ્રતિનિધિત્વ આપ્યું છે તે પણ દયનીય સ્થિતિમાં છે.
 
ઇમ્તિયાઝ કહે છે, "અમે ભાજપ અન કૉંગ્રેસ બન્નેમાંથી એક પણ પક્ષની નજીક નથી. ભાજપ કહે છે કે કૉંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે અને જ્યારે મુસ્લિમ ઉમેદવાર અપક્ષ ઊભા રહે કે પછી અન્ય પાર્ટીઓમાંથી ચૂંટણીમાં ઊતરે તો કહેવાય છે કે કૉંગ્રેસના મત કાપવા અને ભાજપને ફાયદો અપાવવા માટે ઊતર્યા છે."
 
"એવામાં મુસ્લિમો તો બન્ને પક્ષો વચ્ચે પીસાય છે અને તેમને પ્રતિનિધિત્વ મળતું નથી."
 
મુસ્લિમ મતદારોને મોટા ભાગે કૉંગ્રેસ સાથે સાંકળીને જોવામાં આવે છે એ વાતનો ઉલ્લેખ કરતા ઇમ્તિયાઝ કહે છે, "મુસ્લિમો કૉંગ્રેસ સાથે છે એવું કહેવામાં તો આવે છે પરંતુ કૉંગ્રેસ 2002 બાદ મુસ્લિમો માટે શું કર્યું છે."
 
"2002થી 2018 સુધી અમે રમખાણોના કેસ લડી રહ્યા હતા પરંતુ ગુજરાતમાં કૉંગ્રેસ મુસ્લિમો સાથે ક્યાં ઊભી રહી છે?"
 
તેઓ કહે છે કે 2017માં તેઓ વિધાનસભા ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવવા ગયા હતા પરંતુ એવું કહીને અમારું નામાંકનપત્ર સ્વીકાર કરવામાં નહોતું આવ્યું કે તેઓ મોડા પડ્યા છે.
 
ખેડા વિસ્તારની પસંદગી વિશે ઇમ્તિયાઝ જણાવે છે, "ખેડા પાસે નડિયાદ અમારા પિતા સઈદ ખાન પઠાણનું જન્મસ્થાન છે અને ત્યાં આસપાસના વિસ્તારોમાં અમારા સંબંધીઓ રહે છે."
 
ઇમ્તિયાઝ જણાવે છે, "અપના દેશ પાર્ટી ઉત્તર પ્રદેશની છે અને આ પાર્ટીએ ગુજરાતમાં ખેડા, ભરૂચ અને આણંદ લોકસભા બેઠક પરથી ઉમેદવાર ઉતાર્યા છે. અપના દેશ પાર્ટીનો કોઈ સાંસદ લોકસભામાં અત્યાર સુધી ચૂંટાયા નથી એટલે કોઈ ચિહ્ન નથી મળ્યું."
 
'હું ગરીબ માણસ છું, ડોરટૂડોર કૅમ્પેન કરું છું'
 
વેજલપુરના રહેવાસી ફિરોઝ કહે છે, "આ વિસ્તારમાં મુસ્લિમો અને હિંદુ વસતિમાં મારી સારી ઓળખ છે અને બે મહિનાથી હું ડોર-ટૂ-ડોર પ્રચાર કરી રહ્યો છું."
 
ફોન પર થયેલી અમારી વાતચીતમાં 2002નાં રમખાણોની પીડા અને ગુજરાતમાં કોઈ મુસ્લિમ સાંસદ ન હોવાની વાત કરતા ફિરોઝ બે-ત્રણ વાર બધા જ ધર્મોના લોકોને સાથે લઈને ચાલવાની વાત પણ કહે છે.
 
તો પ્રચારમાં કયા મુદ્દાને લઈને ઊભા છે એના જવાબમાં તેઓ કહે છે, "જુહાપુરા, વસ્ત્રાપુર કે પછી વેજલપુર ગામમાં સાધારણ લોકોને ઘણી સમસ્યા છે."
 
"અત્યાર સુધીના સાંસદ લાલકૃષ્ણ અડવાણી તો અહીં લોકોને મળવા આવ્યા નથી."
 
અમદાવાદમાં સાયબર કૅફે ચલાવતા ફિરોઝ કહે છે, "હું ગરીબ માણસ છું, ડોર-ટૂ-ડોર પ્રચાર કરું છું. અમિત શાહ પાસે બહુ પૈસા છે, સરકાર પણ તેમના પક્ષની છે. પણ લોકોને એવી વ્યક્તિ જોઈએ છે જે તેમના માટે કામ કરે."
 
તેઓ કહે છે, "મુસ્લિમો માત્ર કૉંગ્રેસને મત નથી આપતા પરંતુ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટીને પણ આપે છે. ભાજપમાં પણ ઘણા મુસ્લિમ નેતાઓ છે, મુસ્લિમ લોકો માટે જે કામ કરશે તેમને મત આપશે."
 
'પીડિતોએ પડકાર અપવો પડે'
 
સામાજિક કાર્યકર રફી મલેક કહે છે, "લોકતંત્રમાં કોઈને પણ ચૂંટણી લડવાનો અધિકાર છે."
 
"આ એક પ્રકારનો સંકેત છે કે જે લોકોને આપણે ચૂંટીને મોકલી રહ્યા છીએ એ આપણા અધિકારો, ન્યાય-વ્યવસ્થા અને બંધારણના સિદ્ધાંતો સાથે રમત કરતા હોય તો તેમને પડકારવા માટે પીડિતોએ ચૂંટણીમાં ઊતરવું પડે."
 
અમદાવાદનાં માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ સોફિયા ખાન પઠાણ ભાઈઓની ઉમેદવારી પર સીધી પ્રતિક્રિયા નથી આપતાં, પરંતુ કહે છે, "હું માનું છું કે જો ઉમેદવાર એ સમજી શકે કે હું જીતી શકું એવી સંભાવના ઓછી છે તો તેમણે મત કાપવાની સ્થિતિથી દૂર રહેવું જોઈએ. જેથી સારા ઉમેદવાર જે દેશના લોકતંત્રને બચાવવા માટે કામ કરે છે તેને વધુ મત મળી શકે." સોફિયા ખાન કહે છે, "અત્યારે પ્રાથમિકતા દેશના બંધારણને બચાવવાની છે. આ સમય એ જોવાનો નથી કે ઉમેદવાર હિંદુ છે કે મુસ્લિમ."
 
"જો એવો પ્રશ્ન ઊભો કરવામાં આવતો હોય કે પક્ષો મુસ્લિમોને ટિકિટ નથી આપતા તો એ જોવું જોઈએ કે જેને ટિકિટ આપવામાં આવી છે શું તે બંધારણ અને ધર્મનિરપેક્ષતાના પક્ષમાં ઊભા રહે છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર