World Cup 2019 - હવે સેમિફાઈનલમાં ભારતની ટક્કર કંઈ ટીમ સાથે થશે ?

શુક્રવાર, 5 જુલાઈ 2019 (11:01 IST)
ઇંગ્લૅન્ડમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ચારમાંથી ત્રણ ટીમો સેમિફાઇનલ માટે ક્વૉલિફાઈ થઈ ગઈ છે, જ્યારે ચોથી ટીમ ન્યૂઝીલૅન્ડ દરવાજે ઊભી છે. સેમિફાઇનલ માટે ક્વૉલિફાઇ થનાર સૌથી પહેલી ટીમ હતી ઑસ્ટ્રેલિયા. તે હાલમાં પૉઇન્ટ ટેબલમાં શીર્ષસ્થાને છે. બાદમાં ભારતે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે અને પૉઇન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાને છે. ત્યારબાદ ન્યૂઝીલૅન્ડને માત આપીને યજમાન ટીમ ઇંગ્લૅન્ડે સેમિફાઇનલમાં સ્થાન જમાવી દીધું છે.
 
12 અંક સાથે ઇંગ્લૅન્ડ ત્રીજા નંબરે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડના 11 અંક છે અને એનું સ્થાન પણ લગભગ સેમિફાઇનલમાં નક્કી થઈ ગયું છે.ન્યૂઝીલૅન્ડે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે શુક્રવારે પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મૅચ પર નજર રાખવી પડશે. 
 
હાલમાં પાકિસ્તાનના આઠ મૅચમાં 9 અંક છે. જો તે બાંગ્લાદેશને હરાવી દે, તો તેના અંક પણ ન્યૂઝીલૅન્ડની સમકક્ષ 11 થઈ જશે. જોકે, નેટ રનરેટ મામલે ન્યૂઝીલૅન્ડ પાકિસ્તાનથી ઘણું આગળ છે. ન્યૂઝીલૅન્ડની નેટ રનરેટ +0.175 છે, જ્યારે પાકિસ્તાનની નેટ રનરેટ -0.792 છે. આ દૃષ્ટિએ જોઈએ તો પાકિસ્તાને અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે બાંગ્લાદેશને બહુ મોટા અંતરથી હરાવવું પડશે.
 
એટલું જ નહીં જો મૅચમાં પાકિસ્તાને પહેલા બૉલિંગ કરવી પડે તો સેમિફાઇનલમાં પહોંચવાનાં તેનાં તમામ સમીકરણ પર પાણી ફરી વળશે. માટે જ ન્યૂઝીલૅન્ડનું સ્થાન સેમિફાઇનલમાં લગભગ નક્કી માનવામાં આવે છે.
 
સેમિફાઇનલનો જંગ
 
ટૉપ ચાર ટીમનાં નામ નક્કી થયાં બાદ વર્લ્ડ કપની અસલી લડાઈની આતુરતા છે. જ્યારે પૉઇન્ટ ટેબલની ટૉપની ચાર ટીમો એકબીજા સાથે ટકરાશે. સેમિફાઇનલનો આ જંગ મહત્ત્વનો એટલા માટે છે કે જે ટીમ હારશે એ વર્લ્ડ કપમાંથી સીધી બહાર થઈ જશે. માટે આ આતુરતા છે કે સેમિફાઇનલમાં કઈ ટીમ કોની સાથે ટકરાશે.
 
પહેલા સમજીએ કે સેમિફાઇનલમાં કઈ પૉઝિશનની ટીમ કોની સામે ટકરાશે.
 
ટૉપ ચારમાં જે ટીમ સૌથી ઉપર રહે છે તેનો સામનો ચોથા નંબરની ટીમ સાથે થતો હોય છે. જ્યારે બીજા નંબરની ટીમને ત્રીજા નંબરની ટીમ સાથે રમવાનું આવે છે. હાલમાં પૉઇન્ટ ટેબલ પ્રમાણે ઑસ્ટ્રેલિયા પહેલા અને ભારત બીજા નંબરે છે. જ્યારે ઇંગ્લૅન્ડ ત્રીજા અને ન્યૂઝીલૅન્ડ ચોથા નંબરે છે.
 
ટીમ મૅચ પૉઇન્ટ નેટ રન રેટ
ઑસ્ટ્રેલિયા 8 14 +1.000
ભારત 8 13 +0.811
ઇંગ્લૅન્ડ 9 12 +1.152
ન્યૂઝીલૅન્ડ 9 11 +0.175
 
 
 
ભારતનો મુકાબલો કોની સાથે થશે?
 
જો પૉઇન્ટ ટેબલમાં ટોચની ચાર મોજૂદ ટીમના સ્થાનમાં કોઈ બદલાવ ન થાય તો ભારતનો સામનો ઇંગ્લૅન્ડ સામે થશે. તેમજ બીજી સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ આમનેસામને ટકરાશે. આ સમીકરણ ભારત માટે ફાઇનલમાં પહોંચવા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે, કેમ કે લીગ મૅચમાં ભારત એકમાત્ર ઇંગ્લૅન્ડ સામે મૅચ હાર્યું છે.
 
જો ભારત અંતિમ મૅચમાં શ્રીલંકા સામે જીતી જાય અને ઑસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હારી જાય, તો ભારતના 15 અંક થઈ જશે અને તે પૉઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે. આ સ્થિતિમાં ભારતે ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલમાં રમવું પડશે. આ સમીકરણ ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેમ કે, લીગ મૅચમાં ભારતનું પ્રદર્શન ન્યૂઝીલૅન્ડથી સારું રહ્યું છે. જ્યારે ન્યૂઝીલૅન્ડ છેલ્લી કેટલીક મૅચમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે.
 
જોકે, લીગ મૅચમાં ભારત-ન્યૂઝીલૅન્ડની મૅચ વરસાદે ધોઈ નાખી હતી. એ મૅચમાં એક પણ બૉલ ફેંકાયો નહોતો. આ કારણે બંને ટીમ આ વર્લ્ડ કપમાં પહેલી વાર એકબીજા સામે ટકરાશે. વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ મૅચ 9 જુલાઈએ માન્ચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં બપોરે ત્રણ વાગ્યે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે.
 
બીજી સેમિફાઇનલની એક ટીમ નક્કી થઈ ગઈ છે. એ છે યજમાન ઇંગ્લૅન્ડ. 
 
વર્લ્ડ કપની ફાઇનલ મૅચ લંડનના લૉર્ડ્ઝ મેદાનમાં 14 જુલાઈએ રમાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર