અલ્પેશ ઠાકોરનું કૉંગ્રેસમાંથી રાજીનામું ભાજપ માટે કેટલું ફાયદાકારક હશે?
શુક્રવાર, 12 એપ્રિલ 2019 (13:35 IST)
બુધવારે અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે નેતા તરીકે ઠાકોર, ઠાકોર સેના અને ગુજરાતના રાજકારણમાં ઠાકોર ફૅક્ટરનું ભવિષ્ય કેવું રહેશે? અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું, 'મેં કૉંગ્રેસમાં તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ ધારાસભ્યપદ પરથી રાજીનામું નહીં આપું.'
ઑક્ટોબર-2017માં અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા ત્યારે 'આંદોલનમાંથી જન્મેલા નેતા' તરીકે તેમણે સમાજના એક વર્ગમાં આશા જન્માવી હતી.
જોકે, વારંવારના યૂ-ટર્ને ગંભીર નેતા તરીકેની તેમની છાપ ઉપર ગંભીર સવાલ ઊભા કર્યા છે. પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર પરિબળને નિર્ણાયક માનવામાં આવે છે. તા. 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.
અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય
બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ રાધનપુરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું: "હું તથા અન્ય બે ધારાસભ્ય (બાયડથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા બેચરાજીથી ધારાસભ્ય ભરતજી ઠાકોર) બનાસકાંઠા તથા ઊંઝાની બેઠક ઉપર ઠાકોર ઉમેદવારો માટે પ્રચાર કરીશું."
વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલના કહેવા પ્રમાણે, "2017માં એવું લાગતું હતું કે વ્યૂહાત્મક રીતે આગળ વધી રહ્યા છે."
"મહત્ત્વાકાંક્ષા સારી બાબત છે, પરંતુ વધુ પડતી મહત્ત્વાકાંક્ષાને કારણે તેમણે વ્યૂહાત્મક રીતે કેટલીક ભૂલો કરી હોય તેવું લાગે છે."
"દોઢ વર્ષના ગાળામાં અનેક વખત તેમણે પાર્ટી છોડી જવાની અને પછી ન છોડવાની વાત કહી હતી."
"આ પ્રકારના યૂ-ટર્નને કારણે ગંભીર નેતા તરીકેની તેમની છાપને નુકસાન થયું છે."
"લોકસભાની ચૂંટણી સમયે જ કૉંગ્રેસ પાર્ટી છોડવાને કારણે ઠાકોરસમાજમાં પણ તેમની છાપ ખરડાશે."
ઠાકોરનું કહેવું છે કે બંને બેઠકો પરનો પ્રચાર 'કોઈના માટે કે કોઈની વિરુદ્ધ'નો નહીં હોય અને ફરી સમાજ માટેનાં કામો હાથ ધરશે. ઠાકોર સમાજમાં પ્રવર્તમાન દૂષણોને નાથવા અને તેના ઉત્થાન માટે વર્ષ 2011માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અસ્તિત્વમાં આવી હતી. સંગઠન સાથે સંકળાયેલા અને બાયડની બેઠક ઉપરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના કહેવા પ્રમાણે, સંગઠન સાથે 20 લાખ કાર્યકરો જોડાયેલા છે. પોતાના રાજીનામાના પત્રમાં અલ્પેશે લખ્યું કે તેઓ 'ઠાકોર સમાજ 'ના સન્માન માટે રાજીનામું આપી રહ્યાં છે. ઠાકોરના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું:
"કૉંગ્રેસ પાર્ટી સત્તા ઉપર નથી એટલે ઠાકોરને સરકારમાં સ્થાન ન આપી શકે તે સ્વાભાવિક છે, પરંતુ સંગઠનમાં અલ્પેશ ઠાકોર તથા તેમની ટીમને સ્થાન મળેલું હતું."
"કોઈ એક વ્યક્તિ કહે તે રીતે કૉંગ્રેસ પાર્ટી ચાલી ન શકે."
ગોહિલના કહેવા પ્રમાણે, "કોઈ ચોક્કસ વિચારસરણીને કારણે કોઈ એક સમાજમાં એક ચોક્કસ રાજકીય પક્ષ તરફ ઝુકાવ હોય તે શક્ય નથી. સમાજ કોઈ એક જ પક્ષ સાથે જોડાયેલો રહેવા નથી માગતો."
હાર્દિક પટેલ અને મેવાણીની પ્રતિક્રિયા
પાટીદાર આંદોલનમાંથી નેતા તરીકે ઉભરેલા કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું કે તેઓ અલ્પેશ ઠાકોરને મનાવવા પ્રયાસ કરશે અને ઠાકોર સાથે તેમની કોઈ સ્પર્ધા નથી
"હાલ તો હું અલ્પેશ ઠાકોરને માત્ર એટલું જ કહેવા માગીશ કે ઠાકોર સમાજનું અહિત કરનાર ભાજપ સાથે ન જોડાશો."
મેવાણી દલિત આંદોલનમાંથી ઊભરેલા નેતા છે. તેઓ વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય છે. વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો.
ધારાસભ્યપદ સામે કાયદાકીય પડકાર
દિલ્હી સ્થિત વકીલ પ્રશાંત પટેલના કહેવા પ્રમાણે, "અલ્પેશ ઠાકોર જ્યાં સુધી અન્ય કોઈ પક્ષમાં ન જોડાય ત્યાં સુધી તેમને પક્ષવિરોધી કાયદો લાગુ ન પડે અને તેઓ ધારાસભ્યપદે યથાવત્ રહી શકે."
પટેલ ઉમેરે છે કે 'કૉંગ્રેસ ઇચ્છે તો સ્પીકરને (ગુજરાત વિધાનસભાના) રજૂઆત કરી શકે છે.'
પટેલે 'ઑફિસ ઑફ પ્રોફિટ' મુદ્દે દિલ્હીની આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યો સામે રજૂઆત કરી હતી, જેના આધારે કેન્દ્રીય ચૂંટણીપંચે તેમને ગેરલાયક ઠેરવ્યા હતા.
દિલ્હી હાઈકોર્ટે આ પંચના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો હતો અને ફરી વિચારણા હાથ ધરવા ચૂંટણીપંચને નિર્દેશ આપ્યો છે.
રાજીનામાની જાહેરાત કરતી વખતે ઠાકોરે કહ્યું હતું કે સ્થાનિક મતદારો પ્રત્યેની ફરજને કારણે જ ત્રણેય ધારાસભ્યોએ તેમના સભ્યપદેથી રાજીનામું નથી આપ્યું અને 'અપક્ષ ધારાસભ્ય' તરીકે કામ કરતા રહેશે.
ભાજપ કે કૉંગ્રેસને નુકસાન?
ઠાકોરસેના સામે ભાજપ અને કૉંગ્રેસ એમ બે મુખ્ય વિકલ્પ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ બીબીસી ગુજરાતીનાં હરિતા કંડપાલ સાથે વાત કરતા જણાવ્યું કે કૉંગ્રેસ સંઘર્ષ કરી રહી છે અને સમગ્ર ઘટનાક્રમથી તે વધુ મજબૂત થશે.
ઠાકોર સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ ભાજપમાં નહીં જોડાય.
ગોહિલના કહેવા પ્રમાણે, "અનામત આંદોલનો સમયે એવું લાગતું હતું કે ભાજપને બહુ મોટું નુકસાન થશે, પરંતુ એવું થયું નહીં.
આવી જ રીતે અલ્પેશ ઠાકોરના જવાથી કૉંગ્રેસને બહુ મોટું નુકસાન કે ભાજપને બહુ મોટો લાભ થાય એવું નથી લાગતું."
ગુજરાતની પાટણ અને સાબરકાંઠા બેઠક ઉપર ઠાકોર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એટલે જ ભાજપ તથા કૉંગ્રેસે આ બંને બેઠક ઉપરથી ઠાકોર ઉમેદવારોને જ ચૂંટણીજંગમાં ઉતાર્યા છે.