પક્ષમાં રહીને પક્ષ સાથે બગાવત, બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર માટે અલ્પેશ ઠાકોર પ્રચાર નહીં કરે

મંગળવાર, 9 એપ્રિલ 2019 (11:44 IST)
લોકસભાની બનાસકાંઠાની બેઠકના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પરથી ભટોળ માટે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પ્રચાર કરશે નહીં, પરંતુ આ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ઠાકોર-ક્ષત્રિય સેના(બનાસકાંઠા)ના ઉપાધ્યક્ષ સ્વરૂપજી ઠાકોરની તરફેણમાં પ્રચાર કરશે તેવી જાહેરાત સોમવારે ઠાકોર સેનાએ પાલનપુરમાં કરી છે. ઠાકોર સેનાની આ જાહેરાતથી ઠાકોર સમાજના નિર્ણાયક મત ધરાવતી આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સામે નવો પડકાર ઊભો થયો છે. કોંગ્રેસના નેતાઓ એકતરફ કોંગ્રેસથી નારાજ ધારાસભ્યો-આગેવાનોને સાથે સમજાવટનો દોર ચલાવી રહ્યા છે.
ઠાકોર સેનાના અગ્રણીઓએ સોમવારે મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે, ઠાકોર સેના અને સમાજ સ્વરૂપજી ઠાકોર સાથે છે. તેઓ કોંગ્રેસ સહિત કોઈપણ અન્ય રાજકીય પક્ષના ઉમેદવારને ટેકો આપશે નહીં. ઠાકોર સેનાની જાહેરાતને પગલે કોંગી ઉમેદવારની મુશ્કેલીમાં વધારો થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકો ઉપર ખાસ્સું પ્રભુત્વ ધરાવતી ઠાકોર સેનામાં પણ ભંગાણ પડ્યું છે. ઠાકોર સમાજના કેટલાયે આગેવાનોએ અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડીને અલગ ચોકો ખોલ્યો છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાયે સમયથી અલ્પેશ ઠાકોરની મનમાની સામે ઠાકોર સમાજમાં ધૂંધવાટ હતો. ઠાકોર સેનાના એક અગ્રણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોર સમાજના નામે કોંગ્રેસ-ભાજપ સાથે ડબલ ગેમ રમીને વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે બાર્ગેનિંગ કરતા હતા. જેના કારણે સમગ્ર સમાજ બદનામ થતો હતો. કોઈ એક વ્યક્તિને કારણે સમાજ બદનામ થાય તે ચલાવી લેવાય નહીં, તેથી કેટલાક અગ્રણીઓએ આગેવાની લઈને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. જો કે, ઠાકોર સેનામાં પડેલાં ભંગાણને કારણે ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો બદલાયા છે. આ બદલાયેલાં સમીકરણો કોને લાભ કરાવશે તે તો આવનારો સમય જ કહેશે. 
ઉત્તર ગુજરાતની પાટણ બેઠક પરથી કોંગ્રેસે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરમાંથી એકની ઉમેદવાર તરીકે પસંદગી કરવાની હતી, પરંતુ અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવા માગે છે કે નહીં તે અંગે ફોડ પાડતા નહોતા. અંતે મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો અને ગત દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે દિલ્હીમાં તેમની મુલાકાત-બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ખુદ ઠાકોરે ગુજરાતમાં આવીને પાટણની બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો અને કોંગ્રેસે સત્તાવાર ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરનું નામ જાહેર કર્યું હતું. જો કે, જગદીશ ઠાકોરની જાહેરાત બાદ અલ્પેશ ઠાકોર આશ્ચર્યજનક રીતે કોંગ્રેસની ગતિવિધિઓથી તદ્દન અળગા થઈ ગયા હતા. સૂત્રો કહે છે કે, અલ્પેશ ઠાકોર પાટણની બેઠક પરથી ટેકેદારને ઉમેદવાર બનાવવા માગતા હતા, પરંતુ તેમની આ ઈચ્છા પૂરી થઈ ન હોવાથી ગુજરાતના રાજકારણમાંથી તેઓ નિષ્ક્રિય થઈ ગયા છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર