યૂટ્યૂબના માધ્યમથી કેવી રીતે બોલીવૂડ પ્રત્યે નફરતનો 'ધંધો' ફેલાવાય છે? - બીબીસી ઇન્વેસ્ટિગેશન

જુગલ પુરોહિત, મેધાવી અરોરા અને સેરાજ અલી

ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (15:21 IST)
બીબીસી ડિસઈન્ફર્મેશન યુનિટ
 
બોલીવૂડના નામે ઓળખાતો દેશનો હિન્દી ફિલ્મોદ્યોગ ફિલ્મોની સફળતા-નિષ્ફળતા, ઉજવણી તથા દુર્ઘટનાઓ, ખુશામત, ઉપહાસ અને ઉદાસીનતાથી પણ ટેવાયેલો છે. જોકે હવે કેટલીક બાબતો પહેલાં જેવી રહી નથી.
 
તે પૈકીની એક બાબત, લાખો ઑનલાઇન ફૉલૉઅર્સ ધરાવતા ઇન્ફ્લ્યુઅન્સર્સ દ્વારા ફિલ્મોદ્યોગો અને કળાકારોને નિશાન બનાવીને ચલાવવામાં આવતી ગાળાગાળી, જુઠ્ઠાણાં તથા હાનિકારક ગેરમાહિતીની સુસંકલિત ઝુંબેશ છે.
 
વળી આ ઈન્ફ્લ્યુઅન્સર્સ ડિસઈન્ફોર્મેશન એટલે કે ગેરમાહિતી ફેલાવીને કમાણી પણ કરી રહ્યા છે.
 
આ બધું કેવી રીતે ચાલે છે તે સમજવા માટે ગૂગલની માલિકીના વીડિયો શેરિંગ પ્લૅટફૉર્મ યૂટ્યૂબ પર નજર કરવી પડે. પ્રસ્તુત કિસ્સામાં યૂટ્યૂબ તો ડિસઈન્ફોર્મેશન ઝુંબેશનું મુખ્ય મથક બની ગયું છે.
 
આ વિશે વધુ માહિતી અમે આ સ્ટોરીમાં આપીશું. તેમાં યૂટ્યૂબના પ્રતિભાવનો પણ સમાવેશ થાય છે.
 
ડિસઈન્ફોર્મેશનના હજારો વીડિયોઝ અનેક સપ્તાહો સુધી નિહાળ્યા બાદ બીબીસીના ડિસઈન્ફોર્મેશન યુનિટે આ નેટવર્ક ખોળી કાઢ્યું હતું.
 
હિન્દી ફિલ્મોદ્યોગ વિરુદ્ધ ડિસઈન્ફોર્મેશન ફેલાવતા સંખ્યાબંધ ઈન્ફ્લ્યુઅન્સર્સ જમણેરી રાજકારણના ટેકેદારો હોવાનું પણ બીબીસીને જાણવા મળ્યું હતું.
 
અમે એવા વીડિયો નિહાળ્યા હતા, જેમાં આ ઈન્ફ્લ્યુઅન્સર્સ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સભ્યો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. એક ઈન્ફ્લ્યુઅન્સરને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથેની વર્ચ્યુઅલ મુલાકાત માટે નોતરવામાં આવ્યા હતા.
 
આ ઝુંબેશના પ્રભાવનો સ્વીકાર કરવાની સાથે ફિલ્મોદ્યોગના સભ્યોએ એ પણ સ્વીકાર્યું હતું કે તેમણે પોતાના રક્ષણ માટે પૂરતાં પગલાં લીધાં નથી.
 
'ફેક વીડિયો'
આપણે સંદીપ વર્માના ઉદાહરણથી શરૂ કરીશું.
 
સંદીપ વર્મા અમે ખોળી કાઢેલા ઈન્ફ્લ્યુઅન્સર્સ પૈકીના એક છે. તેઓ પત્રકાર હોવાનો અને 'મધ્યમ વર્ગીય માણસ' હોવાનો દાવો કરે છે.
 
એમની યૂટ્યૂબ ચૅનલ (જેનું નામ અમે ગુપ્ત રાખ્યું છે) પર ફિલ્મોદ્યોગ વિશેના સંખ્યાબંધ વીડિયોઝ જોવા મળ્યા હતા. તે પૈકીના એક વીડિયોમાં એક મહિલા દર્શાવવામાં આવ્યાં હતાં.
 
એ મહિલા સરકાર સંચાલિત ઑલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઆઈઆઈએમએસ)માં મેડિકલ વ્હિસલબ્લૉઅર એટલે ગેરકાયદે કામોનો ભાંડો ફોડતી વ્યક્તિ હોવાનો દાવો કરે છે.
 
હિન્દી ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અકાળે મૃત્યુની તપાસ માટે રચવામાં આવેલી સમિતિના ભ્રષ્ટાચારને તે મહિલાએ નિહાળ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. તે વીડિયોનું શીર્ષક એઆઈઆઈએમએસ દ્વારા કઈ રીતે હાથચાલાકી કરવામાં આવી હતી તેનો 'સૌથી મોટો પુરાવો' એવું હતું.
 
વીડિયોમાં કરવામાં આવેલા દાવાની સચ્ચાઈ ચકાસવા બીબીસીએ એઆઈઆઈએમએસનો સંપર્ક કર્યો ત્યારે સંસ્થાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વીડિયોમાંની મહિલાએ સંબંધિત વિભાગમાં ક્યારેય કામ કર્યું જ નથી. એઆઈઆઈએમએસના પ્રવક્તાએ તે વીડિયોને હકીકતમાં 'ફેક વીડિયો' ગણાવ્યો હતો.
 
બીબીસી સાથેની મુલાકાતમાં સંદીપ વર્માએ વ્હિસલબ્લૉઅર મહિલાની સચ્ચાઈના પુરાવા પોતાની પાસે હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેની વિગત આપવાનો ઈનકાર કર્યો હતો. તેમને પડકારવામાં આવ્યા ત્યારે સંદીપ વર્માએ પારોઠનાં પગલાં ભર્યાં હતાં અને અમારી સામે 'પગલાં લેવાની' ધમકી આપી હતી.

ઘણા અભિનેતાઓ, દિગ્દર્શકો અને નિર્માતાઓને ખોટી રીતે 'રાષ્ટ્રવિરોધી' તથા 'હિન્દુવિરોધી' ગણાવતા ઈન્ફ્લ્યુઅન્સર્સના અનેક વીડિયો અમને જોવા મળ્યા હતા.
 
અભિનેતાઓ માદક પદાર્થોના વ્યાપાર, વેશ્યાગીરી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને માનવ અંગોના વેપારમાં સંડોવાયેલા હોવાનું જણાવતા આ ઈન્ફ્લ્યુઅન્સર્સના આધારવિહોણા વીડિયો પણ જોવા મળ્યા હતા.
 
આવી લવારાબાજી સાથે ઈન્ફ્લ્યુઅન્સર્સ યૂટ્યૂબના ચેટ ફીચર મારફત દર્શકો પાસેથી ભંડોળ માગતા, પેઈડ મેમ્બરશિપના વિકલ્પ વડે નાણાં માગતા અથવા પોતાની બેન્ક ડિટેઈલ્સ દર્શાવતા જોવા મળ્યા હતા.
 
એક ઈન્ફ્લ્યુઅન્સર તેમના દર્શકોને એવું કહેતા જોવા મળ્યા હતા કે "યૂટ્યૂબની જાહેરાતો સ્કિપ કરશો નહીં. તમે એ જાહેરાતો નિહાળશો તો અમને તેની આવકમાંથી થોડી હિસ્સો મળશે અને તેનાથી અમને ટકી રહેવામાં મદદ મળશે."
 
દર્શકો આવી વિનંતિથી પ્રભાવિત થઈને ઈન્ફ્લ્યુઅન્સર્સને યૂટ્યૂબના ચેટ ઑપ્શન મારફત ભંડોળ મોકલતા હોવાનું બીબીસીને સંખ્યાબંધ વીડિયોમાં જોવા મળ્યું હતું.
 
અમારે કઈ રીતે ટકી રહેવું?'
 
હિન્દી ફિલ્મોદ્યોગનું ઘર ગણાતા મુંબઈમાં અમે અભિનેત્રી સ્વરા ભાસ્કરને મળ્યા હતા. સ્વરા આ પ્રકારની ઑનલાઇન ઝુંબેશની નિશાન વારંવાર બનતાં રહ્યાં છે. અમે તેમને ઝુંબેશના પ્રભાવ વિશે સવાલ કર્યો હતો.
 
સ્વરાએ કહ્યું હતું, "મારા વિશે લોકોના મનમાં એક છાપ છે અને તેના પર મારા કામને બદલે મારા વિશે ઘડી કાઢવામાં આવેલી વાતોનો પ્રભાવ વધુ છે."
 
એ છાપનો માઠો પ્રભાવ પોતાના કામકાજ પર પડ્યો હોવાનું સ્વરાએ જણાવ્યું હતું.
 
"મને બહુ કામ મળતું નથી. ફિલ્મોદ્યોગમાંના લોકોને એ વાતની ચિંતા છે કે સ્વરાને કામ આપવાથી વિવાદ સર્જાઈ શકે છે. બ્રાન્ડ્ઝ પણ મારાથી દૂર રહે છે," એવું સ્વરાએ કહ્યું હતું.
 
અમે સવાલ કર્યો હતો કે કળાકારો પરની વ્યક્તિગત અસર ઉપરાંત આવી ઝુંબેશની ફિલ્મોદ્યોગ પર માઠી અસર થાય છે ખરી? માઠી અસર થતી હોવાની વાત સાથે સહમત થતાં સ્વરાએ કહ્યું હતું, "ભયનું વાતાવરણ" પ્રવર્તી રહ્યું છે.
 
સ્વરાએ ઉમેર્યું હતું, "લોકો વારંવાર સવાલ કરે છે કે ફિલ્મસ્ટાર્સ 2011, 2012 અને 2013ની માફક પેટ્રોલના ભાવવધારા બાબતે આજે કોઈ ફરિયાદ કેમ કરતા નથી? તેમના પર હુમલો કરવામાં આવે છે ત્યારે પણ તેઓ કશું કહેતા નથી. શું બદલાયું છે તે અમે જાણતા નથી. જે બદલાયું છે તે ભય છે."
 
"બોલિવૂડ પર આક્રમણ થઈ રહ્યું છે અને તેની પાછળ એક ખાસ એજન્ડા છે, જે સુઆયોજિત અને સ્પોન્સર્ડ છે. હકીકતમાં ઈરાદો બોલીવૂડને તેમના ઈશારા પર નાચતું કરવાનો છે."
 
બોલીવૂડ એટલે માત્ર કલાકારો જ નહીં
હિન્દી ફિલ્મોદ્યોગ લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર આપવા માટે વિખ્યાત છે. ફિલ્મોદ્યોગ વિરુદ્ધની ઝુંબેશની માઠી અસર તેના પર પણ પડી રહી છે.
 
ઇન્ડિયન મોશન પિક્ચર્સ ઍસોસિયેશન (ઈમ્પા)ના સેક્રેટરી અનિલ નાગરથે બીબીસીને કહ્યું હતું, "ઈન્ડસ્ટ્રીના ચોક્કસ લોકોને જે રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તેને લીધે નવા પ્રોજેક્ટ્સ માટે ફાઈનાન્સ મેળવવાનું નિર્માતાઓ માટે મુશ્કેલ થઈ ગયું છે. પેમેન્ટમાં વિલંબ થવાથી કામદારોને પણ માઠી અસર થાય છે. અમારે કઈ રીતે ટકી રહેવું?"
 
નિરંકુશ અફવા શારીરિક ઈજામાં પરિણમી શકે છે. ભૂતપૂર્વ પત્રકાર શ્રીમી વર્મા આ સંદર્ભે એક ઉદાહરણ આપ્યું હતું.
 
શ્રીમી વર્માએ કહ્યું હતું, "પદ્માવત ફિલ્મ રીલીઝ થવાની હતી ત્યારે, ફિલ્મમાં રાજકુમારીની ભૂમિકા ભજવતી દીપિકા પદુકોણ આક્રમણકર્તા રાજાની ભૂમિકા ભજવતા રણવીરસિંહને ફિલ્મમાં ચુંબન કરે છે એવી અફવા ફેલાઈ હતી. માત્ર એ અફવાને કારણે જ કેટલાક સંગઠનોએ ફિલ્મના સેટ્સ તોડી પાડ્યા હતા, દિગ્દર્શકને લાફો માર્યો હતો અને ફિલ્મની મુખ્ય અભિનેત્રીનું નાક કાપી નાખવાની ધમકી સુધ્ધાં આપી હતી."
 
આવાં કૃત્યો સામે પગલાં લેવા સંબંધી નિષ્ક્રિયતાની ભારે પડી રહી છે.
 
શ્રીમી વર્માએ ઉમેર્યું હતું, "હું ચેતવણીનો ઘંટ વગાડવા ઇચ્છતી નથી, પણ આ બધું બહુ ડરામણું છે. તેથી આજે કોઈ પણ કાર્યક્રમની રજૂઆત પહેલાં પ્રોડક્શન હાઉસિસ, કાર્યક્રમમાં શું વાંધાજનક બની શકે, કયાં કારણસર સમસ્યા સર્જાઈ શકે અને બધું સમુસુતરું કઈ રીતે પાર પાડવું તેનો વિચાર કરતા થઈ ગયા છે. આવું તે કંઈ હોતું હશે."

આ સમસ્યાનું નિરાકરણ શું છે?

શ્રીમી વર્માએ કહ્યું હતું, "પોતે ચોક્કસ પ્રકારની ફિલ્મો કરી રહ્યા છે અને ચોક્કસ પ્રકારની વ્યક્તિ છે એટલે પોતે સલામત છે એવું કેટલાક લોકો માની રહ્યા છે, પરંતુ ઈતિહાસે તેમને શીખવવું જોઈએ કે એકતા નહીં હોય તો કોઈ જ સલામત નથી."
 
"બોલીવૂડે એકતા સાધવી જોઈએ. તેણે કંઈક કરવું જોઈએ. કાયદાના ઘડવેયાઓ સાથે વાત કરો, કાયદાઓમાં સુધારા કરાવો. આ મુદ્દો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર અંકુશ લાદવાનો નથી. વાત ફેક ન્યૂઝ પર લગામ તાણવાની છે."
 
'અમે ડરતા નથી'
 
અમારી આ તપાસ દરમિયાન 'સોશિલ મીડિયા સંવાદ' એવું શીર્ષક ધરાવતો અને ઉત્તર પ્રદેશ સરકારે અપલોડ કરેલો એક વીડિયો અમને જોવા મળ્યો હતો. 2021ની 9 સપ્ટેમ્બરના તે વીડિયોમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ 'તેમની સરકારનો દૃષ્ટિકોણ મજબૂત રીતે રજૂ કરતા મહત્ત્વના ઈન્ફ્લ્યુઅર્સની ટીમને' સંબોધી રહ્યા હતા.
 
ઈન્ફ્લ્યુઅન્સર્સની પીઠ થાબડતાં યોગી આદિત્યનાથે કહ્યું હતું, "કેટલીક વાતો સરકાર સીધી રીતે કહી શકતી નથી એ તમે કહી શકો છો."
 
અહીં અમને 'એલ્વીશ યાદવ' નામના એક 'યૂટ્યૂબર'ની ભાળ મળી હતી. મુખ્ય મંત્રીને સવાલ પૂછવાનું નોતરું પણ તેમને આપવામાં આવ્યું હતું.
 
બોલીવૂડના એક્ટર્સને વારંવાર ગાળો આપવામાં આવતી હોય અને તેમના વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોય એવા એક વીડિયોમાં અમને આ એલ્વીશ યાદવ જોવા મળ્યા હતા. ગાળો આપવાનું પ્રતિબંધિત હોવાની કંપનીની નીતિ હોવા છતાં એ વીડિયો આજે પણ યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે.
બીબીસીએ તે ઈન્ફ્લ્યુઅન્સર સુધી પહોંચવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.
 
આવા વીડિયોઝમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલા અને મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળના નેતાઓ સહિતના અનેક પદાધિકારીઓ જોવા મળ્યા હતા.
 
આ પ્રકારના વીડિયો રાજકીય રંગના હોય છે, પરંતુ પોતાને ભાજપ સાથે કોઈ સંબંધ ન હોવાનું જે ઈન્ફ્લ્યુઅન્સર્સે અમને જણાવ્યું હતું, તેઓ ભાજપના પદાધિકારીઓ સાથે સંવાદ કરતા જોવા મળ્યા હતા.
 
ભાજપના મહારાષ્ટ્રનાં પ્રવક્તા શ્વેતા શાલિની પણ સંદીપ વર્માની યૂટ્યૂબ ચૅનલના વીડિયોમાં જોવા મળ્યાં હતાં. બીબીસીએ તેમના આ સંદર્ભે સવાલ કર્યો ત્યારે શ્વેતા શાલિનીએ કહ્યું હતું, "તે ઈન્ફ્લ્યુઅન્સરને મારો પક્ષ ઓળખતો નથી અને તેઓ કોઈ પણ રીતે પક્ષ સાથે સંકળાયેલા નથી. તેમના કાર્યક્રમમાંની ઉપસ્થિતિને હું અંગત બાબત ગણું છું અને હું યુવા નેતા હોવાને નાતે એ યુવાનો સુધી પહોંચવાના મારા પ્રયાસનો એક ભાગ હતો."
 
વારંવાર પ્રયાસ છતાં શેહઝાદ પૂનાવાલાએ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો.
 
અમે બીજા અનેક ઈન્ફ્લ્યુઅન્સર્સ સુધી પહોંચવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ બહુ ઓછા લોકોએ પ્રતિભાવ આપ્યો હતો.
 
સપ્તાહો સુધી પત્રવ્યવહાર કર્યા બાદ સંદીપ વર્મા અમને દિલ્હીમાં મળવા સહમત થયા હતા. તેમણે વૉટ્સઍપ પરની વાતચીતમાં જણાવ્યું હતું, "હું મારું લોકેશન ગુપ્ત રાખું છું. મારા જેવા લોકોએ સાવધ રહેવું પડે છે. આપણે કોઈ હોટલની રૂમમાં મળીએ તો કેવું?"
 
અમે સંદીપ વર્માને સવાલ કર્યો હતો કે તમે માત્ર પૈસા ખાતર સનસનાટીભર્યા અને આધારવિહોણા વીડિયોઝ બનાવો છો? આ આક્ષેપને ફગાવતાં તેમણે કહ્યું હતું, "હું બોલીવૂડને ધિક્કારતો નથી, પણ તેમાં સફાઈ ઈચ્છું છું."
 
સંદીપ ફોગાટ નામના એક અન્ય ઈન્ફ્લ્યુઅન્સર વેરિફાઈડ યૂટ્યૂબ ચૅનલ ચલાવે છે અને ખુદને 'સામાન્ય લોકોનો અવાજ' ગણાવે છે.
 
અમે તેમને સવાલ કર્યો હતો કે તમારી ચૅનલ પરની સામગ્રી બોલીવૂડમાંના તમારા અંગત અનુભવ પર આધારિત હોય છે?
 
આ સવાલનો જવાબ એક વીડિયો કોલમાં આપતાં તેમણે કહ્યું હતું, "મારી ઑફિસમાં દિવાળીની ઉજવણી વખતે હિન્દી ફિલ્મોનાં ગીતો જ વગાડવામાં આવે છે. મેં છેલ્લાં બે વર્ષથી તેમાં ભાગ લીધો નથી. જે લોકો ભાગ લેતા હતા તેમની સાથે પણ વાત કરી હતી. હવે એ લોકો સુધ્ધાં તેમાં ભાગ લેતા નથી."
 
તેમના વીડિયોઝમાં કરવામાં આવતા પાયાવિહોણા દાવાઓ વિશેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "બે કલાકના વીડિયોઝ બનાવીએ ત્યારે તેમાં કોઈક કસર રહી જતી હોય છે."
 
યૂટ્યૂબ તમારી સામે પગલાં લેશે એ વાતની ચિંતા તમને ક્યારેય થાય છે કે નહીં, એવા સવાલના જવાબમાં બન્ને ઈન્ફ્લ્યુઅન્સર્સે જણાવ્યું હતું કે તેઓ જરાય ચિંતિત નથી.
 
સંદીપ ફોગાટે કહ્યું હતું, "મારી એક ચૅનલ બંધ કરવામાં આવે તો હું બીજી દસ ચૅનલો શરૂ કરી શકું છું અને આ બાબતો વિશે વારંવાર વાતો કરી શકું છું."
 
આ પૈકીના કેટલાક ઈન્ફ્લ્યુઅન્સર્સ એકમેકની યૂટ્યૂબ ચૅનલો પર કો-પેનલિસ્ટ્સ તરીકે પણ ઉપસ્થિત થાય છે અને તેમની પાસે ઈન્ફ્લ્યુઅર્સની ચૅનલો પર આવતા રહેતા કથિત નિષ્ણાતોની ફોજ છે. આ બાબત ઈન્ફ્લ્યુઅન્સર્સ વચ્ચે કેટલી હદે સંકલન જળવાય છે તે સૂચવે છે.
 
યૂટ્યૂબની ભૂમિકા
ભારતમાં લગભગ 45 કરોડ અને વૈશ્વિક સ્તરે બે અબજ યૂઝર્સ ધરાવતી યૂટ્યૂબ જંગી પ્લૅટફૉર્મ્સ પૈકીની એક છે. યૂટ્યૂબ આ પ્રકારની સામગ્રીને ઇચ્છિત સ્તરે પહોંચાડે છે અને ભારતનો સમાવેશ યૂટ્યૂબનાં સૌથી મોટા માર્કેટ્સમાં થાય છે.
 
વળી ગૂગલની માલિકીની આ કંપની ઉપરોક્ત પ્રકારનાં કન્ટેન્ટમાંથી નાણાં રળવાની તક પણ પૂરી પાડે છે.
 
જાહેરાતની આવકમાં ભાગીદારી, ચૅનલ્સની પેઈડ મેમ્બરશિપ, ચેટ ફીચર્સ મારફત નાણાં રળવાની વ્યવસ્થા અને દર્શકોને ફંડ માટે સીધી વિનતી કરવાની સુવિધા પૂરી પાડીને યૂટ્યૂબ આ ઈન્ફ્લ્યુઅર્સને તેમના કન્ટેન્ટ વડે કમાણી કરવાની તક આપતી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું.
 
વાસ્તવમાં એક ઈન્ફ્લ્યુઅન્સર તો તેની ચૅનલ પર હાનિકારક ગેરમાહિતી સાથે તેના પોતાનાં ઉત્પાદનો સુધ્ધાં વેચે છે.
 
યૂટ્યૂબે આવા અનેક ઈન્ફ્લ્યુઅન્સર્સને બહુવાંચ્છિત વેરિફાઈડ બેજ એટલે કે અધિકૃતતા પણ આપી છે. આવા બેજને કારણે સંબંધિત ચૅનલ દર્શકો માટે વિશ્વાસપાત્ર બની જાય છે.
 
સનસનાટીભરી હેડલાઈન્સ, ગેરમાર્ગે દોરતા થમ્બનેઈલ્સ અને બોલીવૂડ તથા દંતકથારૂપ કળાકારો વિશેની ગેરમાહિતીની કોકટેલ ધરાવતા વીડિયોઝને લાખો લોકો નિહાળે છે. આ રીતે યૂટ્યૂબ વધારે ને વધારે લોકો સુધી પહોંચતી રહે છે.
 
અમે અમારી તપાસનાં તારણો યૂટ્યૂબને જણાવ્યા હતા.
 
કંપનીના એક પ્રવક્તાએ કહ્યું હતું, "અમે યૂટ્યૂબ કૉમ્યુનિટીની સલામતી માટે જરૂરી નીતિઓ, સ્રોતો અને પ્રોડક્સ બહુ વિચારપૂર્વક તૈયાર કરીએ છીએ. વધારે અધિકૃત સામગ્રી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારી સર્ચ તથા ડિસ્કવરી અલ્ગોરિધમમાં ફેરફાર કર્યો છે. અમારાં પ્લૅટફૉર્મ પર કોઈ પણ પ્રકારની ગેરમાહિતીનો પ્રસાર રોકવા સંબંધે અમારી ટીમો કાયમ સતર્ક રહે છે."
અમે યૂટ્યૂબને સવાલ કર્યો હતો કે ગેરમાહિતી ફેલાવતા ઈન્ફ્લ્યુઅર્સનાં અકાઉન્ટ્સને અધિકૃતતા કઈ રીતે મળી જાય છે અને તેઓ આ પ્રકારની સામગ્રીમાંથી કમાણી કઈ રીતે કરે છે?
 
યૂટ્યૂબે આ સવાલોનો જવાબ આપ્યો ન હતો.
 
'લોકો પાસેથી એકત્ર કરાયેલા ભંડોળ વડે કરવામાં આવતા સૌથી મોટા સત્યશોધન પ્રકલ્પો પૈકીનો એક' હોવાનો દાવો કરતા મોઝિલા ફાઉન્ડેશનનાં પ્રોજેક્ટ રિગ્રેટ્સ રિપોર્ટરના જણાવ્યા મુજબ, "યૂટ્યૂબ તેની પોતાની કન્ટેન્ટ નીતિનું જ ઉલ્લંઘન કરતા અને દુનિયાભરના લોકોના હાનિ પહોંચાડતા વીડિયોઝ નિહાળવાની ભલામણ કરે છે."
 
મોઝિલાના રિપોર્ટનાં સહ-લેખક બ્રૅન્ડી ગોરકિંકે અમને જણાવ્યું હતું કે આ પ્રકારની સમસ્યાને કારણે ભારત જેવા બિન-અંગ્રેજી લેંગ્વેજ માર્કેટમાં પણ મોટો ફટકો પડ્યો છે.
 
તેમણે કહ્યું હતું, "અંગ્રેજી મુખ્ય ભાષા ન હોય તેવા દેશોમાં અમારા રિગ્રેટ રિપોર્ટ્સનું પ્રમાણ, અંગ્રેજી મુખ્ય ભાષા હોય તેવા દેશોની સરખામણીએ 60 ટકા વધારે હોય છે."
 
યૂટ્યૂબ જેવા પ્લૅટફૉર્મ્સની જાળ સામે સલામત કઈ રીતે રહી શકાય?
 
બ્રૅન્ડી ગોરકિંકે કહ્યું હતું, "ગૂગલમાંના તમારા યૂટ્યૂબ ડેટા સેટિંગ પર નજર કરો. દાખલા તરીકે તેઓ તમને યૂટ્યૂબ પરની તમારી હિસ્ટ્રી તથા સર્ચ હિસ્ટ્રી જોવાનો વિકલ્પ આપે છે, પણ વાસ્તવમાં તેમને પ્રતિકૂળ બાબતોને હટાવી લે છે. 'ડૂ નોટ રિકમાન્ડ ધીસ ચૅનલ' અને 'આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ ઈન ધીસ વીડિયો' જેવા બીજા કન્ટ્રોલ્સ પણ છે. તમે શું નિહાળો છો તે તમારી યૂટ્યૂબ પ્રોફાઈલમાં ન ઉમેરાય અને ભવિષ્યની તમામ બાબતોમાં તેનો પ્રભાવ ન દેખાય એ સુનિશ્ચિત કરવા માટે પ્રાઈવેટ બ્રાઉઝિંગ વિન્ડોઝ બહુ સારો વિકલ્પ છે."
 
હવે પછી શું?
 
યૂટ્યૂબ સહિતનાં પ્લૅટફૉર્મ્સ પર ડિસઈન્ફોર્મેશન સામે ભારત સરકાર વારંવાર પગલાં લઈ રહી છે ત્યારે જ યોગાનુયોગે બીબીસીની તપાસનાં તારણો બહાર આવ્યાં છે.
 
ભારતના "ઈન્ફોર્મેશન એન્વાયર્નમેન્ટ"ની સલામતી અને "ભારતવિરોધી દુષ્પ્રચાર"ને રોકવા માટે દેશના માહિતી તથા પ્રસારણ મંત્રાલયે (એમઆઈબી) છેલ્લા બે મહિનામાં 55 યૂટ્યૂબ ચૅનલો બ્લૉક કરી છે અને અન્ય પ્લૅટફૉર્મ્સ પર એટલાં જ એકાઉન્ટ્સ બ્લૉક કર્યાં છે.
 
માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ 'ઝેરીલી ચૅનલો વિશેની માહિતી' સરકારને આપવાની હાકલ નાગરિકો તથા મીડિયાને 21 જાન્યુઆરીએ કરી હતી અને પગલાં લેવાની હાકલ કરી હતી.
 
તેમણે એમ પણ કહ્યું હતું, "યૂટ્યૂબ જેવી કંપનીઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ઝેરીલા, ફેક ન્યૂઝ છે અને તેમની સિસ્ટમમાં પણ આવી બાબતોને, પત્રકારત્વનાં ધારાધોરણોને પ્રતિકૂળ સામગ્રી તરીકે ચિન્હિત કરવી જોઈએ."
 
બીબીસીએ પોતાના આ ઈન્વેસ્ટિગેશન વિશે માહિતી તથા પ્રસારણ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ તથા ઈન્ફોર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયને માહિતગાર કર્યાં હતાં. અલબત્ત, વારંવાર યાદ અપાવવા છતાં સત્તાવાળાઓએ કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર