દારુબંધીને કારણે ઘટી રહેલી આવક કેન્દ્ર સરકાર ભરપાઈ કરેઃ નીતિનભાઈની સરકાર પાસે માંગણી
શુક્રવાર, 21 જૂન 2019 (17:04 IST)
ભારત સરકારના આગામી બજેટ સંદર્ભે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન અને રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આજે દિલ્હી ખાતે આયોજીત રાજ્યના નાણા મંત્રીઓની બેઠકમાં ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ભાગ લીધો હતો અને વિવિધ માગણીઓ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત પાણીની અછતવાળુ રાજ્ય હોવા છતાં રાજ્યના બધા નાગરિકોને પુરતું અને સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં પાણીની મોટી પાઇપલાઇનોનું વિસ્તૃત માળખું ઉપલબ્ધ છે અને મોટા પમ્પીંગ સ્ટેશનો પણ કાર્યરત છે તેના સંચાલન-જાળવણી અને વિજળી બીલો માટે ભારત સરકારે ઘરે-ઘરે પીવાનુ પાણી પહોંચાડવાની 'નલ સે જલ' યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવી જોઇએ કારણકે ગુજરાત રાજ્ય અગાઉથી જ પોતાના બજેટમાંથી ૭૮% ઘરો સુધી શુધ્ધ પીવાના પાણીની સુવિધા પુરૂ પાડી રહ્યું છે. નિતીન પટેલે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દેશના તમામ ગામોને પાકા ડામર રસ્તાથી જોડવાની યોજના કાર્યરત છે. તેનો લાભ ગુજરાતને મળે તે માટે રાજ્ય સરકારે પોતાના બજેટમાં જરૂરી જોગવાઇ કરીને અગાઉથી જ મોટાભાગના ગામોને પાકા ડામર રસ્તાથી જોડી દીધા છે તેથી ભારત સરકાર આ રસ્તાઓને પહોળા કરવા, રીકારપેટ કરવા, નાળા-પુલો બનાવવા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાંથી ગુજરાતને વધુ ગ્રાન્ટ ફાળવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત દારૂબંધી ધરાવતું રાજ્ય છે. અન્ય રાજ્યોમાં દારૂબંધી અમલમાં ન હોઇ, તેવા રાજ્યોની એક્સાઇઝની અને અન્ય ટેક્સની હજારો કરોડની મોટી આવક પ્રાપ્ત થાય છે. તે ગુજરાતને મળતી નથી. બંધારણના આર્ટીકલ ૪૭ ના ઉદ્દેશને સફળ કરવા ગુજરાત રાજ્યને દારૂબંધીના અમલ માટે પ્રોત્સાહિત કરી દારૂબંધીના કારણે આવકમાં જે ઘટાડો થાય છે તે ભરપાઇ કરવા પણ નાયબ મુખ્યમંત્રીએ માંગણી કરી હતી. નિતીન પટેલે કહ્યુ કે, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ અપાતી ગ્રાન્ટોમાં ગ્રાન્ટ-ઇન-એઇડ હાઇસ્કૂલોને મદદ અપાતી નથી તેથી શિક્ષકોનો અને વહીવટી મહેકમનો ખર્ચ સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે ઉપાડવો પડે છે તેથી રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ ગ્રાન્ટેબલ હાઇસ્કૂલો માટે પણ રાજ્ય સરકારને ગ્રાન્ટ ફાળવવા માંગણી કરી હતી. તેમણે ઉમેર્યુ કે, આશા વર્કર, આંગણવાડી વર્કર અને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને સરકાર દ્વારા અત્યારે જે માનદ વેતન આપવામાં આવે છે તેમાં વધારો કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. આ ઉપરાંત ભારત સરકાર તરફથી વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શનની જે રકમ અત્યારે અપાય છે તેમાં વધારો કરવા પણ માંગણી કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ખેડૂતોના હિતમાં પ્રધાનમંત્રી પાક વિમા યોજના સરળ બનાવવી જોઇએ અને જે ખેડૂતો પાક વીમો લેવા માંગતા હોય તેને જ લાભાર્થી બનાવવા જોઇએ. પાક વીમા યોજના ફરજીયાત ન હોવી જોઇએ એવી પણ માંગણી તેમણે કરી હતી.