શો માય પાર્કિંગ એપ્લિકેશન પર એડવાન્સમાં પાર્કિંગ બુક કરાવવું પડશે
પાર્કિંગ સિવાય અન્ય જગ્યાએ વાહન પાર્ક કરનાર વાહન ટોઈંગ કરાશે અને દંડ વસૂલ કરવામાં આવશે.
આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. આ સ્ટેડિયમમાં હજારો દર્શકો ઉમટી પડતા હોવાથી પાર્કિંગની ખૂબજ મુશ્કેલી ઉદ્ભવે છે. જેથી આવતીકાલે મેચ જોવા માટે આવનારા દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શો માય પાર્કિંગ નામની એપ્લિકેશન પર દર્શકો પાર્કિંગ બુક કરી શકશે. તેમજ તેમને પાર્કિંગ પ્લોટથી સ્ટેડિયમ સુધી અવરજવર માટે ફ્રી શટલની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાહન ટોઈંગ કરાશે અને દંડ વસૂલ કરાશે
અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આવતીકાલે મેચ જોવા માટે આવનાર દર્શકોએ હાલાકી ભોગવવી ના પડે તેના માટે શો માય પાર્કિંગ એપ્લિકેશન પરથી ફરજિયાત પણે એડવાન્સ બુકિંગ કરવું પડશે. આ ઉપરાંત જે દર્શકોના પાર્કિંગ સ્ટેડિયમથી દૂર હશે તેમને સ્ટેડિયમ સુધી આવવા જવા ફ્રી શટલ સર્વિસની વ્યવસ્થા રાખવામાં આવી છે. પાર્કિંગ સિવાય અન્ય જગ્યાએ વાહન પાર્ક કરનાર વાહન ટોઈંગ કરાશે અને દંડ વસૂલ કરવામાં આવશે.
દર્શકો વાહન પાર્કિંગ માટે મોં માગ્યા પૈસા આપતા હતા
મોદી સ્ટેડિયમમાં મેચ હોવાથી આસપાસના વિસ્તારોમાં વાહન પાર્ક કરવા માટે વધુ પૈસા લઈને પાર્કિંગ કરવા દેવામાં આવતું હતું. તે ઉપરાંત જ્યાં ત્યાં પાર્ક થયેલા વાહનોના કારણે ટ્રાફિકને અસર થતી હતી. જેથી પોલીસે હવે દર્શકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી હોવાનું ટ્વિટ કર્યું છે. દર્શકો માટે પાર્કિંગથી સ્ટેડિયમ સુધી આવવા જવા માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. જેથી ટ્રાફિકને અસર થાય નહીં અને દર્શકો વધુ પૈસા આપીને પાર્કિંગ કરવાની છુટકારો મેળવી શકે.